30 July, 2024 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા શરદ પવારે કહ્યું હતું કે ‘મણિપુરમાં હિંસક ઘટના બન્યા બાદ રાજ્યમાં અસ્થિરતા ઊભી થઈ છે. વડા પ્રધાન એક પણ વખત આ રાજ્યમાં નથી ગયા. તેમણે મણિપુરના રહેવાસીઓને સાંત્વન આપવાની જરૂર હતી. મણિપુરની જેમ મહારાષ્ટ્ર, કર્ણાટકમાં પણ આવી ઘટનાઓ બની છે. આથી ભવિષ્યમાં મહારાષ્ટ્રમાં પણ કંઈક થવાની ચિંતા થઈ રહી છે.’
જોકે શરદ પવારના આ નિવેદન વિશે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે શરદ પવાર રમખાણ થવાની વાત કરી રહ્યા છે, આ સારી વાત નથી. જનતા સમજદાર છે. મહારાષ્ટ્રની જનતા રમખાણ કરે એવી સ્થિતિ ક્યારેય નહોતી અને આજે પણ નથી. કેટલાક લોકો સમાજમાં વિવાદ ઊભો કરે છે, આંદોલન કરે છે, જેથી સમાજ વિચલિત થાય છે. શરદ પવારે આવા લોકોને રોકવાને બદલે તેઓ મહારાષ્ટ્રમાં મણિપુરવાળી કરવા માગે છે એવો સવાલ થાય છે.’
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરેએ પણ ગઈ કાલે શરદ પવારના નિવેદન વિશે કહ્યું હતું કે ‘મણિપુરની હિંસાને મહારાષ્ટ્ર સાથે ન જોડવી જોઈએ. આવું બોલીને અહીંનું વાતાવરણ ખરાબ ન કરો.’