MNSના વડા રાજ ઠાકરેનો આક્ષેપ- મરાઠા આરક્ષણની આડમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે રમખાણ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે

11 August, 2024 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે ‘શરદ પવારે મહારાષ્ટ્રમાં મણિપુરવાળી થવાની શંકા વ્યક્ત કરી છે.`

રાજ ઠાકરે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ ગઈ કાલે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પર ગંભીર આરોપ કર્યો હતો. છત્રપતિ સંભાજીનગરમાં પ્રેસ-કૉન્ફરન્સમાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘વિધાનસભાની ચૂંટણી પહેલાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે જેવા લોકો મરાઠા આરક્ષણની આડમાં રાજ્યમાં રમખાણ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ નેતાઓ જાત-પાતનું રાજકારણ કરીને સમાજમાં અસંતોષ ફેલાવી રહ્યા છે. બીડમાં મારી કાર પર સોપારી ફેંકનારા ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસૈનિકો હતા જેમની પોલીસે ધરપકડ કરી છે. મારી યાત્રામાં અડચણ કરવામાં આવશે તો મરાઠવાડામાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેના પક્ષ એક પણ રૅલી નહીં કરી શકે. તેમને મારો મેસેજ છે કે મારી નાદમાં ન લાગો.’

રાજ ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે ‘શરદ પવારે મહારાષ્ટ્રમાં મણિપુરવાળી થવાની શંકા વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રના આ નેતાને મહારાષ્ટ્રમાં શાંતિ રહે એની ચિંતા થવી જોઈએ. એને બદલે તેઓ લોકોને ભડકાવવાની વાત કરે છે. હું મહારાષ્ટ્રમાં આરક્ષણનો વિરોધી નથી, પણ જાતિને બદલે આર્થિક સ્થિતિ મુજબ આરક્ષણ મળે એવું હું માનું છું. આથી મારા આ સંબંધના નિવેદન પર હું કાયમ છું. મરાઠા સમાજને આરક્ષણ આપવા માટે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંબંધ બગાડ્યા છે. ૨૦૧૪થી ૨૦૧૯ સુધી ઉદ્ધવ ઠાકરે ભારતીય જનતા પાર્ટી સાથે યુતિમાં હતા ત્યારે તેમણે એક પણ વખત મરાઠા સમાજને આરક્ષણ આપવાની વાત નહોતી કરી કે દિલ્હી સરકારમાં આ સંબંધી રજૂઆત નહોતી કરી.’

mumbai news mumbai raj thackeray maharashtra navnirman sena political news maharashtra news sharad pawar uddhav thackeray