શાપુરજી પાલનજીની કંપની બુલેટ ટ્રેન માટે ૨૧ કિલોમીટર લાંબી ટનલ બનાવશે

08 April, 2023 09:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એફકૉન્સ નામની કંપનીએ એલ ઍન્ડ ટીને પાછળ રાખીને ૬૩૯૭.૨૮ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ મેળવ્યો

પ્રતિકાત્મક તસવીર


મુંબઈ ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બુલેટ ટ્રેનના ડ્રીમ-પ્રોજેક્ટ માટે મહત્ત્વની માહિતી જાણવા મળી છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે થાણેમાં ખાડીની નીચેથી ૭ સહિત કુલ ૨૧ કિલોમીટરની ટનલ બનાવવામાં આવશે. આ માટેનો કૉન્ટ્રૅક્ટ શાપુરજી પાલનજીની કંપની એફકૉન્સે મેળવ્યો છે. ટનલ બનાવવા માટે એલ ઍન્ડ ટી અને એફકૉન્સ એમ બે કંપનીએ બીડ કર્યું હતું. એફકૉન્સે એલ ઍન્ડ ટી કંપની કરતાં ઓછું ટેન્ડર ભર્યું હોવાથી આ કામ આ કંપનીને સોંપવામાં આવશે.
મુંબઈ-અમદાવાદ વચ્ચેના ૫૦૮ કિલોમીટર લંબાઈના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રમાં ૨૧ કિલોમીટર ટનલનું કામ કરવાનું છે. આમાંથી સાત કિલોમીટર ટનલ ખાડીની નીચે બનાવવામાં આવશે. આ કામ માટે એફકૉન્સ અને એલ ઍન્ડ ટી કંપનીઓએ રસ દાખવ્યો હતો. એફકૉન્સ કંપનીએ ૬૩૯૭.૨૮ કરોડ રૂપિયાનું ટેન્ડર ભર્યું હતું જે એલ ઍન્ડ ટી કંપનીના ટેન્ડર કરતાં ઓછું હતું એટલે આ કામ એફકૉન્સ કંપનીને સોંપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
થાણેની ખાડીમાં ૨૧ કિલોમીટર લાંબી ટનલ બનાવવાનું કામ પડકારજનક છે. બીજું, ખાડીમાં અંદર સાત કિલોમીટર લંબાઈની ટનલ બનાવવાનો અનુભવ ધરાવતી હોય એવી કંપનીઓ જ અહીં સિવિલ કામ કરી શકે છે. એફકૉન્સ અને એલ ઍન્ડ ટી કંપનીઓ વિદેશમાં આવા કામનો અનુભવ ધરાવે છે. ખાડીમાં ટનલ બનાવવાનું કામ ૬૦ મહિનામાં પૂરું કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં જમીન મેળવવાની સમસ્યા હતી એટલે ૨૦૧૯માં ટનલ બનાવવા માટે મગાવવામાં આવેલાં ટેન્ડર રદ કરવામાં આવ્યાં હતાં. જોકે ગયા વર્ષે મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થયા બાદ સરકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની જમીન આપવાની મંજૂરી આપી દીધી છે એટલે ટનલ બનાવવા માટેનું ટેન્ડર જારી કરવામાં આવ્યું હતું.
મુંબઈ-અમદાવાદ વચ્ચેનો દેશનો પહેલવહેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આ વર્ષે પૂરો થવાનો લક્ષ્યાંક અગાઉ રખાયો હતો, પરંતુ હવે કામ આંશિક રીતે ૨૦૨૬ સુધીમાં પૂરું થઈ શકે છે અને એ પછીનાં બે વર્ષમાં પહેલી બુલેટ ટ્રેન દોડવાની શક્યતા છે.

mumbai news narendra modi ahmedabad