27 September, 2023 11:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શૈલેષ ગુપ્તા, જાગરણ પ્રકાશન લિમિટેડના હોલટાઇમ ડિરેક્ટર
મીડિયા રિસર્ચ યુઝર કાઉન્સિલ ઇન્ડિયા (એમઆરયુસીઆઇ)ની ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ૨૯મી વાર્ષિક બેઠક (એજીએમ) યોજાઈ હતી, જેમાં ‘જાગરણ પ્રકાશન લિમિટેડ’ના હોલટાઇમ ડિરેક્ટર શૈલેશ ગુપ્તાને સર્વસંમતિથી એમઆરયુસીઆઇના ચૅરમૅન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. એની સાથે જ મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના સિનિયર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (સેલ્સ ઍન્ડ માર્કેટિંગ) શશાંક શ્રીવાસ્તવને એમઆરયુસીઆઇના વાઇસ ચૅરમૅન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. વાર્ષિક સામાન્ય બેઠક બાદ એમઆરયુસીઆઇની બોર્ડ-મીટિંગમાં આ ઘોષણા કરવામાં આવી હતી. આ સાથે જ બોર્ડ ઑફ ગવર્નર્સમાં નવા બે સભ્યના રૂપમાં ‘એચટી મીડિયા લિમિટેડ’ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજીવ બેઓત્રા અને ‘પબ્લિક ગ્રુપ’નાં સીઈઓ (સાઉથ એશિયા) અનુપ્રિયા આચાર્યને નિયુક્ત કર્યાં હતાં. શૈલેશ ગુપ્તા ભારતમાં મીડિયા બ્રૅન્ડ્સના સીઈઓ શશિધર સિંહા પાસેથી આ કમાન સંભાળશે, જેઓ (વર્ષ ૨૦૨૧-’૨૨ અને ૨૦૨૨-’૨૩) સુધી એમઆરયુસીઆઇના ચૅરમૅન રહ્યા હતા.
કાર્યભાર સોંપતાં શશિધર સિંહાએ કહ્યું હતું કે ‘મને ખુશી થાય છે કોવિડ બાદ ફરી એક વાર આઇઆરએસને ફરી શરૂ કરી રહ્યા છે.’
અભિનંદન પ્રસ્તાવમાં શૈલેષ ગુપ્તાએ કહ્યું હતું કે ‘હું એમઆરયુસીઆઇના નેતૃત્વ અને આઇઆરએસને પુનર્જીવિત કરવામાં આગળ આવવા માટે શશિધર સિંહાને અભિનંદન આપું છું. મારો પ્રયાસ એક મજબૂત થર્ડ પાર્ટી રિસર્ચ તૈયાર કરવાનો છે જે તમામ ઘટકોને મદદ કરશે અને જૂથરૂપે ઇન્ડસ્ટ્રીને આગળ લઈ જશે.’
‘જાગરણ પ્રકાશન લિમિટેડ’ના શૈલેષ ગુપ્તા ભારતીય મીડિયા ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ જાણીતાં નામોમાંથી એક છે. છેલ્લાં ૨૫ વર્ષમાં શૈલેષ ગુપ્તાએ જાગરણની માર્કેટિંગ સ્ટ્રૅટેજીને એક નવી ઊંચાઈએ પહોંચાડી છે તેમ જ સમગ્ર જાગરણ ગ્રુપમાં જે ફેરબદલ આવ્યો છે એના મહત્ત્વના ઘટક સમાન છે. તેઓ ‘મ્યુઝિક બ્રૉડ્કાસ્ટ લિમિટેડ’ અને ‘મિડ-ડે ઇન્ફોમીડિયા લિમિટેડ’ના ડિરેક્ટરના પદ પર પણ કાર્યરત છે. તેમની શાનદાર કારકિર્દી દરમિયાન તેઓ અનેક ઉદ્યોગ-સંસ્થાઓમાં અગ્રેસર રહ્યા છે તેમ જ વ્યાવસાયિકતા અને દેશના મીડિયા ઉદ્યોગ વિશેની તેમની અનોખી સમજ માટે ખૂબ આદરણીય છે. તેઓ ૨૦૧૯-’૨૦માં ‘ઇન્ડિયન ન્યુઝપેપર સોસાયટી’ (આઇએનએસ)ના પ્રમુખ રહી ચૂક્યા છે. શૈલેષ ગુપ્તા ૨૦૦૪-’૦૫ માટે ‘ઑડિટ બ્યુરો ઑફ સર્ક્યુલેશન’ (એબીસી)ની મૅનેજિંગ કમિટીના સૌથી યુવા સભ્ય તરીકે ચૂંટાયા હતા અને ૨૦૧૨-’૧૩ માટે એના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. ૨૦૨૧માં તેમણે ‘મીડિયા રિસર્ચ યુઝર્સ કાઉન્સિલ’ (એમઆરયુસી)ના ઉપાધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો, જે દેશમાં સચોટ, સમયસર અને કાર્યક્ષમ મીડિયા ઉદ્દેશ સાથે રચાયેલી દેશની અગ્રણી સંશોધન સંસ્થાઓમાંની એક છે. રોટરી ક્લબ, ઇન્ડિયા દ્વારા ‘યંગેસ્ટ ઑન્ટ્રપ્રનર ઑફ ધ યર’ તરીકે ઓળખાતા શૈલેષ ગુપ્તાને ‘ઇન્ડિયન ન્યુઝપેપર સોસાયટી’ (આઇએનએસ) દ્વારા વર્લ્ડ અસોસિએશન ઑફ ન્યુઝપેપર્સ, પૅરિસના બોર્ડમાં પણ નામાંકિત કરવામાં આવ્યા હતા. આ બધા ઉપરાંત શૈલેષ ગુપ્તાને ૨૦૧૪માં વર્લ્ડ માર્કેટિંગ કૉન્ગ્રેસ દ્વારા યુપીના મર્ચન્ટ્સ ચેમ્બર દ્વારા એક્સલન્સ અવૉર્ડ ફૉર કમ્યુનિકેશન ઍન્ડ માસ એન્ટરટેઇનમેન્ટ અને ભારતના મોસ્ટ ટૅલન્ટેડ સીએમઓથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
શશાંક શ્રીવાસ્તવ, મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના સિનિયર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, સેલ્સ ઍન્ડ માર્કેટિંગ
શશાંક શ્રીવાસ્તવ, મારુતિ સુઝુકીના સિનિયર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, એક જાણીતા બિઝનેસ લીડર છે અને દેશના સૌથી પ્રભાવશાળી માર્કેટર્સની યાદીમાં સામેલ છે. તેમણે કોવિડ રોગચાળાના પડકારજનક સમયમાં મારુતિ સુઝુકીમાં માર્કેટિંગ અને વેચાણ સંબંધિત કાર્યોનું નેતૃત્વ અને સંચાલન કર્યું છે. મારુતિ સુઝુકીમાં ત્રણ દાયકાથી વધુની કારકિર્દીમાં શશાંક શ્રીવાસ્તવે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં કામ કર્યું છે અને ભારતીય ઑટોમોટિવ ઉદ્યોગના શરૂઆતના દિવસોથી લઈને આજના અત્યંત સ્પર્ધાત્મક યુગ સુધીના વિકાસના સાક્ષી બન્યા છે. શશાંક શ્રીવાસ્તવ પ્રતિષ્ઠિત આઇઆઇએમ, અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. સીઆઇઆઇ નૅશનલ કમિટી ઑન માર્કેટિંગ, ઍડ્વર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા, ઇન્ડિયન સોસાયટી ઑફ ઍડ્વર્ટાઇઝર્સ જેવી વિવિધ ઉદ્યોગ-સંસ્થાઓના તેઓ સભ્ય રહી ચૂક્યા છે. ઑડિટ બ્યુરો ઑફ સર્ક્યુલેશન, બ્રૉડ્કાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ અને મીડિયા રિસર્ચ યુઝર્સ કાઉન્સિલ ઇન્ડિયાના સભ્ય શશાંક શ્રીવાસ્તવને ઑટોમોટિવ ઉદ્યોગમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.