વસઈમાં પોલીસ ઍકૅડેમીમાં યુવતીઓનું જાતીય શોષણ

11 August, 2023 02:20 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

રેલવે પોલીસમાંથી બેની ધરપકડ કરાઈઃ યુવતીઓએ હિંમત કરીને ફરિયાદ નોંધાવી

વસઈ રેલવે પોલીસમાં કાર્યરત પોલીસની ધરપકડ કરવામાં આવી હતી

વસઈમાં રેલવે પોલીસ દ્વારા યુવતીઓનું શારીરિક શોષણ કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ પોલીસ નાલાસોપારા ખાતે પોલીસ ભરતી તાલીમ (પ્રશિક્ષણ)ના ક્લાસિસ ચલાવતો હતો. બે યુવતીઓની ફરિયાદના આધારે પોલીસે વિનયભંગ અને પૉક્સો હેઠળ કેસ નોંધ્યા બાદ પોલીસ અને તેની ફ્રેન્ડની ધરપકડ કરવામાં આવી છે. યુવતીઓએ આ ફ‌રિયાદ નોંધાવવા ખૂબ હિંમત દાખવી હતી.

વસઈ રેલવે પોલીસ સ્ટેશન (જીઆરપી)માં ૨૮ વર્ષનો આરોપી સમાધાન ગાવડે અને તેની ૨૫ વર્ષની ફ્રેન્ડ અનુજા શિંગાડે કાર્યરત છે. સમાધાન ગાવડે નાલાસોપારામાં વિજય ભવ નામની પોલીસ ઍકૅડેમી ચલાવે છે. તેના પર ક્લાસમાં આવતી યુવતીઓનું જાતીય શોષણ કરવાનો આરોપ કરવામાં આવ્યો છે. આ મામલે બે યુવતીઓએ નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ આરોપી સમાધાન ગાવડે યુવતીઓને અશ્લીલ મેસેજિસ મોકલતો હતો અને વિડિયો કૉલ કરીને અશ્લીલ હરકતો પણ કરતો હતો. શીખવવાના નામે તે જાણીજોઈને ખોટી જગ્યાએ આ યુવતીઓના શરીરને સ્પર્શ કરતો હતો એટલું જ નહીં, એમ પણ આરોપમાં જણાવાયું છે કે તે ઘણી વાર યુવતીઓની પાછળ તેમના ઘરે જતો અને તેમને ફરવા માટે આમંત્રિત કરતો હતો. તેની ફ્રેન્ડ અનુજા પર આરોપ છે કે તેણે આ કૃત્યને સમર્થન આપ્યું હતું. તેણે પીડિત યુવતીઓમાંથી એક યુવતીનું વૉટ્સઍપ સ્કૅન કર્યું હતું અને આરોપી સમાધાન ગાવડે સાથે અપમાનજનક વાતચીત કરી હતી. આ બધા કારણે યુવતીઓએ વર્ગમાં જવાનું બંધ કરી દીધું હતું, કારણ કે તેમના માટે આ અસહ્ય બન્યું હતું.

આ પ્રકારનો માનસિક ત્રાસ થવા લાગતાં યુવતીઓએ તેમના પરિવારને આ ઘટના વિશે જણાવીને નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે નાલાસોપારા પોલીસે આરોપી પોલીસ-કૉન્સ્ટેબલ સમાધાન ગાવડે અને તેની પોલીસ-કર્મચારી ફ્રેન્ડ અનુજા શિંગાડે સામે વિવિધ કલમ અને પૉક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો.

નાલાસોપારા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર વિલાસ સુપેએ ‘મ‌િડ-ડે’ને માહિતી આપી હતી કે ‘આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા બે દિવસની પોલીસ કસ્ટડી આપવામાં આવી છે. આ કેસમાં વધુ યુવતીઓનું શારીરિક શોષણ થયું હોવાની શક્યતા છે અને એ સંદર્ભે પોલીસ તપાસ કરી રહી છે.’

vasai mumbai police sexual crime Crime News mumbai crime news mumbai mumbai news preeti khuman-thakur