27 March, 2025 02:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ચેમ્બુરમાં સેક્સ-રૅકેટ ચાલી રહ્યું હોવાની માહિતી મળતાં મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO) સાથે મળીને અને છટકું ગોઠવીને આ સેક્સ-રૅકેટનો પર્દાફાશ કર્યો હતો.
પોલીસને માહિતી મળી હતી કે આ સેક્સ-રૅકેટમાં દલાલની ભૂમિકા ભજવતા બે આરોપીઓ રેસ્ટોરાંમાં ગ્રાહકોને બોલાવીને તેમની મુલાકાત મહિલાઓ સાથે કરાવે છે. એથી મંગળવારે છટકું ગોઠવવામાં આવ્યું હતું. દલાલનો સંપર્ક કરીને બનાવટી ગ્રાહકને ચેમ્બુર-ઈસ્ટની સદાનંદ હોટેલમાં મોકલવામાં આવ્યો હતો. એ વખતે સોદો કરવા આવેલા બે દલાલ હરિલાલ બંડુ ચૌધરી અને આફતાબ આલમ અન્સારીને ઝડપી લેવામાં આવ્યા હતા. દલાલોને ઝડપી લીધા બાદ તેમની પૂછપરછ કરીને આ વ્યવસાય સાથે સંકળાયેલી ચાર મહિલા અને એક સગીરાને પકડીને તેમને માનખુર્દના રેસ્ક્યુ સેન્ટરમાં મોકલી દેવામાં આવી હતી. આ બધા મુંબઈ અને નવી મુંબઈના રહેવાસીઓ છે. બન્ને દલાલો સામે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની પ્રિવેન્શન ઑફ ઇમૉરલ ટ્રાફિકિંગ ઍક્ટ અને પ્રોટેક્શન ઑૅફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.