બે કલાક પછી પણ લોકો ‘અમને બહાર કાઢો, અમને બહાર કાઢો’ની દર્દનાક બૂ​મ પાડતા રહ્યા

14 May, 2024 06:45 AM IST  |  Mumbai | Rohit Parikh

ઘાટકોપરમાં ગેરકાયદે હોર્ડિંગ એના સ્ટ્રક્ચર સાથે મોત બનીને જમીનદોસ્ત થયું પેટ્રોલ પમ્પ પર

ઘાયલોને હૉસ્પિટલમાં લઈ જતી ઍમ્બ્યુલન્સ (સમીર માર્કન્ડે)

ગઈ કાલે સાંજે સવાચારથી સાડાચાર વાગ્યા દરમ્યાન જોરદાર વંટોળ સાથે તૂટી પડેલા વરસાદથી બચવા લોકો અને બાઇકર્સ ઘાટકોપરના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આવેલા ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશનના પમ્પના છાપરા નીચે દોડી ગયા હતા. જોકે એ જ સમયે પેટ્રોલ પમ્પની બહાર લગાડવામાં આવેલું ૧૨૦X૧૨૦ સ્ક્વેર ફીટનું હોર્ડિંગ એના સ્ટ્રક્ચર સાથે પેટ્રોલ પમ્પ પર તૂટી પડતાં એની નીચે તેઓ દટાઈ જતાં હાહાકાર મચી ગયો હતો. આમાંથી અનેક ઈજાગ્રસ્ત લોકો ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જોકે એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જૅમ થઈ જતાં દુર્ઘટનાના બે કલાક પછી પણ નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સની ટીમને પ્રૉપર મશીનરી ન મળતાં હોર્ડિંગ અને એના સ્ટ્રક્ચર નીચે ‘અમને બહાર કાઢો, અમને બહાર કાઢો’ની બૂમ પાડી રહેલા લોકોને બહાર કાઢી શકી નહોતી. એક અંદાજ પ્રમાણે રાતે સાડાઆઠ વાગ્યા ત્યાં સુધી ૩૦થી ૪૦ લોકો દબાયેલા હતા જેને બચાવવા માટે રેસ્ક્યુ ટીમ અને પરાગ શાહના કન્સ્ટ્રક્શન-સાઇટના ૪૦ માણસોની ટીમ સતત પ્રયાસ કરી રહી હતી. આ દુર્ઘટનામાં ઘાટકોપર-વેસ્ટના ગણેશચોક ખાતે રહેતા ૨૪ વર્ષના મહારાષ્ટ્રિયન યુવક ભરત રાઠોડ સહિત ચાર જણનાં મોત થયાં હતાં. મૃત્યુ પામેલા અન્ય લોકોનાં નામ છે મોહમ્મદ અકરમ, દિનેશ જાયસવાલ અને ચંદ્ર​મણિ પ્રજાપતિ.

દરમ્યાન મહાનગરપાલિકાએ ગઈ કાલે BJPના ઈશાન મુંબઈના ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાની એપ્રિલની ફરિયાદના આધારે મુલુંડની ઈગો મીડિયા કંપનીના ભાવેશ ભિંડેને ૨૦૨૧નું આ હોર્ડિંગ ગેરકાયદે છે કહીને ૧૦ દિવસમાં એને હટાવવાની નોટિસ આપી હતી. મહાનગરપાલિકાના કહેવા પ્રમાણે આ જગ્યાએ લગાડવામાં આવેલું આ હોર્ડિંગ અને એની સાથે લગાડવામાં આવેલાં બીજાં ૩ હોર્ડિંગ્સ રેલવે-પોલીસની હદમાં આવે છે જે સંપૂર્ણપણે ગેરકાયદે છે. એની સામે મહાનગરપાલિકાના ‘એન’ વૉર્ડના ગાર્ડન ડિપાર્ટમેન્ટે પંતનગર પોલીસ-સ્ટેશનમાં ગુનો પણ નોંધાવ્યો હતો. ભાવેશ ભિંડે સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૪ હેઠળ બિનઇરાદાપૂર્વકની હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં આજીવન કારાવાસની જોગવાઈ છે. 
ગઈ કાલે રાતે ૯.૩૦ વાગ્યે મળેલી માહિતી પ્રમાણે હોર્ડિંગના સ્ટ્રક્ચરની ચે એક ટૅન્કર અને અન્ય વાહનો પણ દબાયેલાં હતાં.


ઘાટકોપરની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ભરત રાઠોડ

અસહાય પબ્લિક

બનાવ બનતાં આસપાસના વિસ્તારના અને ત્યાંથી પસાર થતા હજારો લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા, પણ તેઓ કોઈ રીતે અસરગ્રસ્તોને મદદરૂપ થઈ શકે એમ નહોતા. જોકે પોલીસ તરફથી સતત ‘ધીરજ રાખો, રેસ્ક્યુ ઑપરેશન ચાલી રહ્યું છે. તમે પોલીસ, ફાયરબ્રિગેડ અને રેસ્ક્યુ ટીમને કામ કરવા દો. અહીંથી દૂર થઈ જાઓ’નું અનાઉસમેન્ટ થતું હોવા છતાં ત્યાંથી કોઈ હટવા તૈયાર નહોતું.

આ જગ્યા કોની? 
આ બાબતે માહિતી આપતાં મહાનગરપાલિકાના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારત પેટ્રોલિયમનો પમ્પ અને જાહેરાતનાં ૪ હોર્ડિંગ્સ જે જમીન પર છે એ જમીન કલેક્ટરની છે જે અત્યારે મહારાષ્ટ્ર સરકારના પોલીસ હાઉસિંગ વેલ્ફેર કૉર્પોરેશનના હાથમાં છે. હોર્ડિંગ્સ લગાડવાની પરવાનગી રેલવેના પોલીસ-કમિશનરે આપી હતી. આને માટે મુંબઈ મહાનગરપાલિકાની પરવાનગી કે નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ લેવામાં આવ્યું નહોતું. ત્યાર પછી મહાનગરપાલિકાને માહિતી મળી હતી કે આ જમીન પરનાં ૧૪૦થી વધુ વૃક્ષોનું ઝેરનાં ઇન્જેક્શન આપીને નિકંદન કાઢવામાં આવી રહ્યું છે એટલે તાજેતરમાં બીજી મેએ મહાનગરપાલિકાના ‘એન’ વૉર્ડે રેલવે-પોલીસને તેમણે આપેલી બધી પરવાનગી રદ કરવા જણાવ્યું હતું, પણ એના પર કોઈ ઍક્શન લેવાઈ નહોતી. મહાનગરપાલિકા જો પરવાનગી આપે તો એ ફક્ત ૪૦X૪૦ ફીટના હોર્ડિંગની આપે છે, પણ આ જગ્યાએ લગાડાયેલા હોર્ડિંગની સાઇઝ ૧૨૦X૧૨૦ ફીટની હતી જે ગેરકાયદે છે.

બનાવ જોનાર શું કહે છે?
આ બનાવ વખતે હાજર અરવિંદ શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે અંદાજે તોફાની હવા સાથે વરસાદ શરૂ થયો હતો એને કારણે એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થઈ રહેલા બાઇકર્સ અને રાહદારીઓ વરસાદથી બચવા પેટ્રોલ પમ્પ પર દોડી ગયા હતા. થોડી વારમાં જોરદાર પવનને કારણે આખું સ્ટ્રક્ચર જાણે ધરતીકંપ આવ્યો હોય એ રીતે હલવા માંડ્યું હતું અને કોઈ કાંઈ વિચારે કે કહે એ પહેલાં જ આખું સ્ટ્રક્ચર હોર્ડિંગની સાથે ફાઉન્ડેશનમાંથી ઊખડીને ધરાશાયી થઈ ગયું હતું. થોડી વારમાં તો ‘બચાવો બચાવો’ની ચિચિયારીથી અમારો વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો. એ પછી તો ફાયરબ્રિગેડ, પોલીસ અને ઍમ્બ્યુલન્સની સાયરન ગુંજવા માંડી હતી. જેઓ બહારની બાજુએ ઊભા હતા એવા ૧૦થી ૧૫ જણ ત્યાંથી જીવ બચીને ભાગ્યા હતા. થોડી વારમાં જ નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સની ટીમ આવી પહોંચી હતી જેણે ચાર ક્રેન મગાવીને ઑપરેશન શરૂ કર્યું હતું, પણ તેમને જે જોઈતી હતી એ મોટી ક્રેન ઘટનાસ્થળે મોડે સુધી આવી નહોતી.’

પોલીસ શું કહે છે?
ઝોન-૭ના ડેપ્યુટી પોલીસ-કમિશનર પુરુષોત્તમ કરાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના અંદાજે ૪.૨૨ વાગ્યાની આસપાસ બની હતી. ત્યાર પછી પોલીસ, ફાયરબ્રિગેડ અને NDRFની ટીમે રેસ્ક્યુ ઑપરેશન શરૂ કર્યું હતું જેમાં પહેલાં ૩૫ લોકોને મામૂલી ઈજા સાથે બહાર કાઢ્યા હતા. આ લખાતું હતું ત્યારે રેસ્ક્યુ ઑપરેશન હજી ચાલી રહ્યું હતું. નીચે કેટલા લોકો દબાયા છે એનો અત્યારે આંકડો કહેવો મુશ્કેલ છે.’

કિરીટ સોમૈયા શું કહે છે?
દુર્ઘટના બની કે તરત ઘાટકોપર-ઈસ્ટના BJPના વિધાનસભ્ય પરાગ શાહ અને તેમની ટીમ, કિરીટ સોમૈયા અને ઈશાન મુંબઈના લોકસભાના ઉમેદવારો BJPના ઉમેદવાર મિહિર કોટેચા અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ઉમેદવાર સંજય દીના પાટીલ તેમ જ મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે આવી પહોંચ્યા હતા. આ દુર્ઘટના બાબતે કિરીટ સોમૈયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ જાહેરાતનું સ્ટ્રક્ચર ગેરકાયદે હોવાની ફરિયાદ મેં મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરને બે મહિના પહેલાં કરી હતી. તેમણે તરત સંબંધિત જાહેરાત કંપનીના માલિકને નોટિસ પણ આપી હતી. જોકે એના પર કોઈ કાર્યવાહી થાય એ પહેલાં ગઈ કાલે આ દુર્ઘટના બની ગઈ. તેમના પર કડક કાર્યવાહી કરવાની મેં માગણી કરી છે.’

રેલવે શું કહે છે?
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ રેલવે-પોલીસે હોર્ડિંગ ઊભું કરવાની પરમિશન આપી હોવાનો દાવો કર્યો છે એને સેન્ટ્રલ રેલવેએ ફગાવી દીધો છે. એણે સોશ્યલ મીડિયામાં કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે હોર્ડિંગ સાથે રેલવેને કંઈ લેવાદેવા નથી, કારણ કે એ રેલવેની જમીનમાં ઊભું નહોતું કરવામાં આવ્યું.

BMCની પરમિશન વિના જ ઘાટકોપરનું હોર્ડિંગ ઊભું કરી દેવામાં આવેલું, ૪૦x૪૦ ફીટ સામે ૧૨૦x૧૨૦ ફીટ

ઘાટકોપર-ઈસ્ટના પંતનગરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગઈ કાલે તૂટી પડેલા વિશાળ હોર્ડિંગ બાબતે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ સ્પષ્ટતા કરી છે. BMCની પ્રેસનોટમાં જણાવાયું હતું કે ‘મુંબઈમાં વધુમાં વધુ ૪૦X૪૦ ફીટના હોર્ડિંગની જ પરવાનગી આપવામાં આવે છે. એની સામે તૂટી પટેલું હોર્ડિંગ ૧૨૦X૧૨૦ ફીટનું હતું. હોર્ડિંગ ઊભું કરવામાં આવ્યું છે એ કલેક્ટર લૅન્ડ છે અને મહારાષ્ટ્ર સરકારના પોલીસ હાઉસિંગ વેલ્ફેર કૉર્પોરેશનના પઝેશનમાં છે. અહીં તૂટી પડેલા હોર્ડિંગ સહિત કુલ ચાર હોર્ડિંગ ઊભાં કરવામાં આવ્યાં છે. હોર્ડિંગ્સ ઊભાં કરવા માટેની પરમિશન રેલવે-પોલીસના અસિસ્ટન્ટ પોલીસ-કમિશનરે આપી હતી. આ માટે રેલવે અને એજન્સી દ્વારા BMCની પરવાનગી કે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) લેવામાં નથી આવ્યાં. તૂટી પડેલું હોર્ડિંગ મુલુંડમાં આવેલી ઈગો મીડિયા નામની એજન્સીનું હતું. હોર્ડિંગની સામેના ભાગનાં વૃક્ષો અડચણરૂપ હતાં એટલે એમને ઝેર આપીને ખતમ કરવાની ફરિયાદ મળ્યા બાદ BMCએ એજન્સી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી એટલું જ નહીં, BMCએ આ હોર્ડિંગને તાત્કાલિક હટાવવા માટે બાર દિવસ પહેલાં જ રેલવે-પોલીસને નોટિસ મોકલી હતી. આ ઉપરાંત BMCના એન વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનરે એજન્સીને ૧૩ મેએ તમામ હોર્ડિંગ્સ તાત્કાલિક હટાવવાની નોટિસ આપી છે, કારણ કે આ હોર્ડિંગ્સ માટે એજન્સી પાસે યોગ્ય મંજૂરી નથી.’

mumbai news mumbai ghatkopar brihanmumbai municipal corporation mumbai rains