લોકસભાના ૪૫ પ્લસ મિશન માટે બીજેપી સાત લોકપ્રિય વિધાનસભ્યોને મેદાનમાં ઉતારશે?

01 October, 2023 08:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યની બેઠકોમાં પક્ષના લોકપ્રિય અને શક્તિશાળી ઉમેદવારોને જવાબદારી સોંપાવાની શક્યતા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ ઃ લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ આ વખતે મહારાષ્ટ્ર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું જણાઈ આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સહિતના ટોચના નેતાઓની મુંબઈ-મહારાષ્ટ્રની મુલાકાતો વધી રહી છે ત્યારે લોકસભામાં ૪૫ પ્લસ બેઠકો મેળવવા માટે બીજેપીએ આ વખતે લોકપ્રિય અને શક્તિશાળી એવા સાત વિધાનસભ્યોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.‍
આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં બીજેપી દ્વારા રાજ્યની તમામ ૪૮ બેઠકમાં વિજય મેળવવા માટે મિશન ૪૫ પ્લસ હાથ ધરવામાં આવ્યું છે. સો ટકા સફળતા મેળવવા માટે આ વખતે સાત વિધાનસભ્યોને લોકસભાના મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. 
બીજેપીના લોકપ્રિય અને મજબૂત ગણાતા વિધાનસભ્યોમાં સુધીર મુનગંટીવાર, રવીન્દ્ર ચવાણ, રામ સાતપુતે, રાહુલ નાર્વેકર, ચંદ્રશેખર બાવનકુળે અને વિનોદ તાવડેનો સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે. આવા નેતાઓમાં ગિરીશ મહાજન, આકાશ ફુંડકર અને સંજય કેળકરની પણ ગણના થાય છે. 
સૂત્રો મુજબ આથી ચંદ્રપુર, થાણે, સોલાપુર, દક્ષિણ મુંબઈ, વર્ધા અને મધ્ય મુંબઈમાંથી બીજેપીના આ વિદ્યમાન વિધાનસભ્યોમાંથી પસંદગી થવાની શક્યતા છે. બીજેપીના કેટલાક સાંસદોના રિપોર્ટ સારા નથી એટલે તેમની જગ્યાએ નવા ઉમેદવાર આપીને સત્તાવિરોધી લહેરને ખાળવાના પ્રયાસ કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. 
સુધીર મુનગંટીવારે આ વિશે કહ્યું હતું કે ‘આવતી કાલે હું છત્રપતિ શિવાજી મહારાજના વાઘનખ ભારત લાવવા માટેની પ્રક્રિયા કરવા માટે લંડન જઈ રહ્યો છું. ત્યાંથી આવ્યા બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાને મળવાનો છું. તેમના તરફથી આ વિશે કંઈ કહેવામાં આવશે તો હું માહિતી આપીશ.’ 

Lok Sabha mumbai news maharashtra news bharatiya janata party