MNSની અધિકૃત પાર્ટી તરીકેની માન્યતા થઈ શકે છે રદ

26 November, 2024 01:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચૂંટણીમાં જરૂરિયાત કરતાં ઓછા મત અને એક પણ બેઠક ન મળી હોવાથી ઇલેક્શન કમિશન લઈ શકે છે નિર્ણય : જો માન્યતા રદ થશે તો એન્જિનની નિશાની પણ જતી રહેશે

રાજ ઠાકરે

વિધાસભાની ચૂંટણીમાં અકલ્પનીય પછડાટ ખાધા બાદ હવે ચૂંટણીપંચ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ની એક અધિકૃત પાર્ટી તરીકેની માન્યતા રદ કરી શકે છે. જો એવું થશે તો રાજ ઠાકરેની પાર્ટીએ એનું એન્જિન ચિહ્‍ન પણ ગુમાવવું પડશે. જોકે પાર્ટીના નામને કોઈ અસર નહીં થાય.

MNS આ વખતે ૧૨૮ બેઠક પર ચૂંટણી લડી હતી, પણ એમાં એનો એક પણ ઉમેદવાર વિજયી નથી થયો. રાજ્ય વિધિમંડળના ભૂતપૂર્વ સચિવ અનંત કાળસેએ આ બાબતે કહ્યું હતું કે ‘અધિકૃત પાર્ટી તરીકેની માન્યતા કાયમ રાખવા માટે કોઈ પણ પાર્ટીએ ઓછામાં ઓછી એક સીટ અને કુલ મતના ૮ ટકા મત અથવા બે સીટ અને ૬ ટકા મત અથવા ૩ સીટ અને ૩ ટકા મત મેળવવા જરૂરી છે. જો આ જરૂરિયાત પૂરી ન થાય તો ચૂંટણીપંચ એ પાર્ટીની અધિકૃત માન્યતા રદ કરી શકે છે.’

આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં MNSને માત્ર ૧.૮ ટકા જ મત મળ્યા છે અને એક પણ બેઠક પણ નથી મળી. અનંત કાળસેએ ઉમેર્યું હતું કે ‘ઇલેક્શન કમિશન એક સ્વતંત્ર સંસ્થા છે અને એ આ મુદ્દે પોતાની રીતે નિર્ણય લેશે. કમિશન MNSને નોટિસ મોકલીને એની માન્યતા રદ કરી શકે છે.’

raj thackeray maharashtra navnirman sena assembly elections political news maharashtra news maharashtra news mumbai mumbai news election commission of india