એપીએમસીમાં બેમુદત બંધના ભણકારા

01 February, 2024 07:30 AM IST  |  Mumbai | Rohit Parikh

ગઈ કાલે નવી મુંબઈની મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિની રચના કરીને વેપારીઓ અને માથાડીઓએ ચીમકી આપી કે અમારી સમસ્યાઓનું નિરાકરણ લાવો, નહીંતર બેમુદત બંધ માટે તૈયાર રહો

વેપારી પ્રતિનિધિઓ અને માથાડી કામદારોના પ્રતિનિધિઓ વચ્ચે મીટિંગ યોજાઈ હતી.

મુંબઈ : નવી મુંબઈસ્થિત મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં સમાવિષ્ટ દાણાબજાર અને અન્ય બજારોમાં કામ કરતા વેપારીઓ અને માથાડી કામદારો, મહિલા પાલાવાળી કામદારો, વારનાર, માથાડી તથા અન્ય ઘટકો સંબંધિત વિવિધ પ્રશ્નો અને વારાઈની સમસ્યા બાબત પર ચર્ચા‌-વિચારણા કરવા માટે ગઈ કાલે ૧૧.૩૦ વાગ્યે નવી મુંબઈના વાશીમાં આવેલા માથાડી ભવનમાં બધી જ બજારોના વેપારીઓ, પ્રતિનિધિઓ અને માથાડી કામગારના નેતાઓની એક સંયુક્ત મી‌ટિંગ રાખવામાં આવી હતી. એમાં વેપારીઓને વિશ્વાસમાં લીધા વગર બહાર પાડવામાં આવેલા પરિપત્રક જેમાં ટ્રાન્સપોર્ટરો પાસેથી વારાઈ વસૂલ કરવા બાબતે રાજ્ય સરકાર તરફથી સતત દુર્લક્ષ થતું હોવાનું જણાવાયું હતું તેમ જ મહારાષ્ટ્રભરના એપીએમસી માર્કેટના વેપારીઓ અને માથાડીઓની સમસ્યાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ સમિતિ ટૂંક સમયમાં સરકાર સમક્ષ તેમના સળગતા પ્રશ્નોની રજૂઆત કરીને એના નિરાકરણ માટેની માગણી કરશે. જો સરકાર આ માગણીઓ પૂરી કરવામાં નિષ્ફળ નીવડશે તો મહારાષ્ટ્રભરની એપીએમસી માર્કેટ બેમુદત બંધ રાખવામાં આવશે એવો સંકેત ગઈ કાલની મીટિંગમાં આપવામાં આવ્યો હતો. 
આ અતિ મહત્ત્વની સભામાં માથાડી કામદારોના નેતા નરેન્દ્ર પાટીલ, શ​શિકાંત શિંદે, દાણાબજારની ધ ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન (ગ્રોમા)ના ઉપપ્રમુખ અમૃત જૈન, મંત્રીઓ ભીમજી ભાનુશાલી, જયંત ગંગર, મનીષ દાવડા, ચેમ્બર ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડના ચૅરમૅન મોહન ગુરનાણી, એપીએમસીના સદસ્ય સંજય પાનસરે, શંકર પિંગળે અને મૂડીબજારના અગ્રણી અમરીશ બારોટ વગેરે હાજર રહ્યા હતા. આ સભામાં વેપારીઓ અને માથાડી કામદારો તથા અન્ય ઘટકો સંબંધિત વિવિધ સળગતા પ્રશ્નો બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં રાજ્ય સરકાર તરફથી સતત દુર્લક્ષ થતું હોવાથી વિગતવાર ચર્ચા–વિચારણા કરવામાં આવી હતી. ત્યાર બાદ માથાડી કામદારોના નેતાઓ અને વેપારીઓની એક કૃતિ સમિતિની રચના કરીને મજકૂર બાબતે યોગ્ય રજૂઆત કરવાની તેમ જ એના પર કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી. સરકાર આમાં નિષ્ફળ જાય તો એપીએમસીની બધી જ માર્કેટોનાં કામકાજ બેમુદત બંધ કરવાની તૈયારી માથાડી કામદારો અને વેપારીઓએ સાથે મળીને કરવાનો આ મીટિંગમાં નિર્દેશ આપ્યો હતો.

ધ ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન (ગ્રોમા)ના મંત્રી ભીમજી ભાનુશાલીએ ‌‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકાર ઘણાં વર્ષોથી માથાડી કામદારો અને વેપારીઓના જ્વલંત પ્રશ્નો સામે દુર્લક્ષ કરી રહી છે. એપીએમસી માર્કેટ આજે દેશની સૌથી મોટી બજાર છે. આ જ માર્કેટમાં આવેલી અનાજ, શાકભાજી, ફળ અને કાંદા-બટાટા માર્કેટમાં જર્જરિત ઇમારતો છે જેમને રીડેવલપ કરવાની જરૂર છે. આ બાબતની ઘણા લાંબા સમયની માગણી હોવા છતાં એપીએમસી કે સરકાર આના પર કોઈ જ કાર્યવાહી કરતાં નથી. આ માર્કેટને આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડની એપીએમસી માર્કેટ બનાવવામાં પણ સરકાર ઢીલ કરી રહી છે. આ સમસ્યાઓનું હજી નિરાકરણ કરવામાં આવ્યું નથી ત્યાં ટ્રાન્સપોર્ટરો પાસેથી વારાઈ વસૂલ કરવાની સમસ્યાનો વધારો થયો છે. એનાથી વેપારીઓમાં નારાજગી પ્રવર્તી રહી છે.’ 

એપીએમસી માર્કેટમાં અનેક સરકારી કાયદાઓ લાગુ પડે છે જેને કારણે વેપારીઓના માથે આર્થિક બોજો વધી રહ્યો છે એમ જણાવીને મૂડીબજારના અગ્રણી વેપારી અમરીશ બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા વિરોધ પછી પણ સરકાર એપીએમસીની બહાર કોઈ પણ જાતની રોકટોક વગર એપીએમસીના કાયદાના‌ નિયંત્રણ વગર ચાલી રહેલા વ્યાપારો સામે નિયંત્રણ લાવવા તૈયાર નથી. આની એપીએમસીના વેપારીઓના બિઝનેસ પર અસર થાય છે. વર્ષોથી માર્કેટના રીડેવલપમેન્ટ કે રિનોવેશન માટે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ મુદ્દે અગાઉ પણ એપીએમસી માર્કેટના વેપારીઓ અને માથાડી કામદારો માર્કેટ બંધ રાખી ચૂક્યા છે.’

કોરોના દરમિયાન લોકોને આવશ્યક સેવાઓ પહોંચાડવામાં આવે એ સુનિશ્ચિત કરવા માથાડીઓએ તેમના જીવનને જોખમમાં મૂક્યું હતું અને લગભગ ૩૦ માથાડીઓએ જીવ ગુમાવ્યા હતા એમ જણાવતાં માથાડી નેતા નરેન્દ્ર પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આમ છતાં સરકાર માથાડી કામદારોના પ્રશ્નો અને માગણીઓ પર લક્ષ આપતી નથી. આથી ગઈ કાલે માથાડી કામદારોના નેતાઓ અને વેપારીઓની એક કૃતિ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિ સરકાર સમક્ષ માથાડીઓ અને વેપારીઓની સમસ્યાઓ રજૂ કરશે. આમ છતાં સરકાર આ સમસ્યાઓના નિરાકરણ માટે કોઈ માર્ગ શોધશે નહીં તો ફક્ત નવી મુંબઈની વાશીની એપીએમસી માર્કેટ જ નહીં, પણ સમગ્ર મહારાષ્ટ્રની એપીએમસી માર્કેટ બેમુદત બંધ રાખવામાં આવશે, જેની રણનીતિ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે.’

mumbai news maharashtra news navi mumbai apmc market