29 November, 2024 02:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વનિતા ઉર્ફે આશા શૈલેન્દ્ર ગાયકવાડ
હાઇએન્ડ સોસાયટીઓને પોતાનો ટાર્ગેટ બનાવતી વનિતા ઉર્ફે આશા શૈલેન્દ્ર ગાયકવાડે અત્યાર સુધીમાં જેના ઘરે કામ કરતી હતી તે લોકોના કરોડો રૂપિયા ચાઉં કરી લીધા હોવાનું પોલીસનું માનવું છે
મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે એક એવી આરોપીને પકડી છે જે પૈસાવાળાઓના ઘરે કામવાળી બાઈ તરીકે નોકરીએ લાગીને ગણતરીના જ દિવસોમાં ઘર સાફ કરીને રફૂચક્કર થઈ જતી હતી. મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં તેની સામે ૫૦ જેટલા ચોરીના ગુના છે.
હંમેશાં પોતાનું નામ બદલીને કામ પર લાગતી વનિતા ઉર્ફે આશા શૈલેન્દ્ર ગાયકવાડે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની આ રીતે ચોરી કરી હોવાનું પોલીસનું માનવું છે. જે કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે એ નવી મુંબઈનો કેસ છે જેમાં વાશીના સેક્ટર-૯માં ૫૯ વર્ષના ઝાકીર અહેમદબાબા નામની વ્યક્તિના ઘરે કામે લાગ્યાના ચાર જ દિવસમાં સાડાત્રણ લાખ રૂપિયાના દાગીના અને રોકડ લઈને તે ભાગી ગઈ હતી. જોકે વાશી પોલીસે આપેલી ટિપને આધારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે તેને ચેમ્બુરની આરસીએફ કૉલોનીમાંથી પકડી પાડી હતી.
વનિતા હંમેશાં હાઇએન્ડ બિલ્ડિંગના રહેવાસીઓને પોતાના ટાર્ગેટ બનાવે છે. આવી સોસાયટીના વૉચમેન સાથે સંબંધ બનાવીને તેમની પાસેથી કોને કામવાળાની જરૂર છે એ જાણતી અને પછી ત્યાં કામ પર લાગી જતી હતી. દર વખતે તે પોતાનું નામ બદલી નાખતી હતી અને જેના ઘરે કામ પર લાગતી તેમને પણ પોતાનું ખોટું ઍડ્રેસ આપતી હતી. આને લીધે પોલીસને પણ તેને પકડવામાં તકલીફ થતી હતી. જેના ઘરે તે કામ કરતી ત્યાં શરૂઆતમાં વિશ્વાસ સંપાદન કરતી હતી અને એક વાર માલિકને તેના પર ભરોસો બેસી જાય પછી તે પોતાનો રંગ બતાવતી હતી.