25 September, 2024 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૉસ્પિટલમાં એડ્મિટ સંજય શિંદે.
બદલાપુરના આરોપી અક્ષય શિંદેના એન્કાઉન્ટર સામે અનેક પ્રશ્નો થઈ રહ્યા છે ત્યારે તેને ગોળી મારનાર સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સંજય શિંદેએ કહ્યો સોમવારની સાંજનો ઘટનાક્રમ
બદલાપુરમાં બે બાળકીઓ પર જાતીય અત્યાચાર કરનારા આરોપી અક્ષય શિંદેનું સોમવારે સાંજે એન્કાઉન્ટર થયા બાદ એને લઈને અનેક પ્રશ્નો થઈ રહ્યા છે અને આ ઘટના ખરેખર ક્યાં, કેવી રીતે અને કેવા સંજોગોમાં બની એને લઈને જાતજાતના તર્કવિતર્ક થઈ રહ્યા છે ત્યારે અક્ષય શિંદેને ગોળી મારનાર સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સંજય શિંદેએ પોતાના સ્ટેટમેન્ટમાં આખી ઘટના બયાન કરી છે. તેણે પોલીસને આપેલું સ્ટેટમેન્ટ વાંચો તેના જ શબ્દોમાં...
સોમવારે અમે અક્ષય શિંદેને તળોજા જેલમાંથી સાંજના પાંચ વાગ્યાની આસપાસ અમારી થાણેમાં આવેલી ગણેશા-૧ ઑફિસમાં લઈ જઈ રહ્યા હતા. એ વખતે મારી સાથે અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર નીલેશ મોરે, પોલીસ હવાલદાર અભિજિત મોરે અને હરીશ તાવડે હતા. પોલીસ-વૅનમાં પાછળ અક્ષય શિંદે સાથે નીલેશ મોરે, અભિજિત મોરે અને હરીશ તાવડે બેઠા હતા. હું ડ્રાઇવરની બાજુમાં આગળની સાઇડ હતો. વૅન શીળ-ડાઇઘર (મુંબ્રા બાયપાસ) પાસે પહોંચી ત્યારે મને નીલેશ મોરેનો ફોન આવ્યો કે અક્ષય શિંદે જોર-જોરથી બૂમો પાડી રહ્યો છે. એથી મેં ગાડી રોકાવી અને હું પાછળ જઈને તેમની સાથે બેઠો.
મારી સામે નીલેશ મોરે, તેની બાજુમાં આરોપી અક્ષય શિંદે અને તેની બાજુમાં અભિજિત મોરે બેઠા હતા. અક્ષય ગાળો બોલી રહ્યો હોવાથી મેં તેને શાંત પાડવાની કોશિશ કરી હતી. એ પછી અમારી ગાડી મુંબ્રા શીળફાટાના વાય બ્રિજ પાસે પહોંચી હતી અને સાંજના ૬ વાગી રહ્યા હતા. અચાનક જ અક્ષય બાજુમાં બેસેલા નીલેશ મોરેની પિસ્ટલ ઝૂંટવવાનો પ્રયાસ કરવા માંડ્યો હતો અને કહી રહ્યો હતો કે મને છોડી દો, મને જવા દો. એ વખતે થયેલી ઝપાઝપીમાં નીલેશ મોરેની ગન લોડ થઈ ગઈ અને એક ગોળી ફાયર થઈને તેના પગમાં વાગી હતી. એથી તે ઘાયલ થઈને નીચે પડી ગયો. આ જોઈને તરત જ અક્ષયે પિસ્ટલ ઉપાડી લીધી હતી અને બૂમો પાડતાં કહ્યું કે હવે હું કોઈને જીવતા નહીં છોડું. તેણે હરીશ તાવડે સામે પિસ્ટલ તાકીને બે ગોળી ફાયર કરી હતી. સદ્ભાગ્યે બન્ને ગોળી તેને લાગી નહીં. હવે અક્ષય ખૂંખાર બની ગયો હતો. તેને જોઈને લાગી રહ્યું હતું કે તે અમને બધાને મારી નાખશે. એથી મેં મારી પિસ્ટલ કાઢીને મારી અને મારા સાથીદારોની રક્ષા માટે અક્ષય શિંદે પર એક ગોળી ચલાવી હતી. એ ગોળી તેને વાગી હોવાથી તે ઘાયલ થઈને નીચે પડી ગયો હતો અને તેના હાથમાંથી પિસ્ટલ છૂટી ગઈ હતી.
ત્યાર બાદ અમે અક્ષય શિંદે પર કાબૂ મેળવી લીધો હતો અને ડ્રાઇવરને ગાડીને કળવાની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલ લઈ જવા કહ્યું હતું. ત્યાં મેં નીલેશ મોરે અને અક્ષય શિંદેને સારવાર માટે દાખલ કર્યા હતા. ડૉક્ટરોએ તેમની સારવાર ચાલુ કરી હતી, પણ પછી મને ખબર પડી કે અક્ષયનું દાખલ કરતાં પહેલાં જ મૃત્યુ થઈ ગયું હતું.
સંજય શિંદેની કારકિર્દી વિવાદાસ્પદ
અક્ષય શિંદે પર ગોળી ચલાવનાર સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સંજય શિંદે પહેલાં મુંબઈ પોલીસમાં કામ કરી ચૂક્યા છે. તે એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ પ્રદીપ શર્માની ટીમમાં હતા. પ્રદીપ શર્માએ ૧૦૦ કરતાં વધુ એન્કાઉન્ટર કર્યાં છે. કુખ્યાત ડૉન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની ધરપકડ જે ટીમે કરી હતી એમાં સંજય શિંદે એક હતા. ગૅન્ગસ્ટર વિજય પાલાંડે નાસી ગયો એ કેસમાં પણ સંજય શિંદેનું નામ બહાર આવ્યું હતું. જે વૅનમાં વિજય પાલાંડે ભાગી ગયો હતો એમાંથી સંજય શિંદેનો યુનિફૉર્મ મળી આવ્યો હતો. સંજય શિંદેએ તેને નાસી જવામાં મદદ કરી હોવાનો આરોપ થયો હતો. બીજા ગોળીબારના કેસમાં અન્ય પોલીસ ઑફિસરો સાથે તેનું પણ નામ જોડાયું હતું.
જ્યાં એન્કાઉન્ટર થયું એ વિસ્તારમાં CCTV કૅમેરા નથી
મુંબ્રા બાયપાસ પાસે જ્યાં અક્ષય શિંદેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું એ વિસ્તારના ત્રણ કિલોમીટરમાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા નથી. ૨૦૨૧માં આ ત્રણ કિલોમીટરના વિસ્તારમાં જ મુકેશ અંબાણીના ઍન્ટિલિયાની બહાર બૉમ્બકેસમાં પકડાયેલા સચિન વાઝે અને તેની ટીમે મનસુખ હિરણની હત્યા કરી હોવાનો આરોપ છે. આ વિસ્તાર લૂંટફાટ અને ગેરકાયદે પ્રવૃત્તિ માટે કુખ્યાત છે.
એન્કાઉન્ટરની ઘટનાની તપાસ માટે SIT
અક્ષય શિંદે પર થયેલા ગોળીબારની તપાસ કરવા થાણે પોલીસે હવે સ્પેશયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવી છે. ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પરાગ મનેરે એના હેડ રહેશે એવી જાણકારી મળી છે. આ ટીમમાં બે ડેપ્યુટી કમિશનર, બે અસિસ્ટન્ટ કમિશનર અને બે પોલીસ-ઇન્સ્પેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મારો દીકરો ફટાકડાથી પણ ડરતો હતો : અક્ષયનાં સ્વજન
અક્ષય શિંદેના પિતા અણ્ણા શિંદેએ કહ્યું છે કે મારા દીકરાના મૃત્યુની તપાસ થવી જોઈએ. તેની મમ્મી અને કાકાએ પણ આરોપ કરતાં કહ્યું હતું કે પોલીસ અને બદલાપુરની સ્કૂલનું આ કાવતરું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ‘અક્ષયે તેમને કહ્યું હતું કે પોલીસ-કસ્ટડીમાં તેની મારઝૂડ કરવામાં આવી હતી એટલું જ નહીં, તેણે પૈસા મગાવવા માટે ચિઠ્ઠી પણ મોકલી હતી. મારો દીકરો પહેલાં ફટકાડા ફોડતાં અને રસ્તો ક્રૉસ કરતાં પણ ડરતો હતો તે પોલીસ પર ફાયરિંગ કઈ રીતે કરી શકે?’
અક્ષય શિંદેના પિતાએ એન્કાઉન્ટરને હાઈ કોર્ટમાં પડકાર્યું
બદલાપુરમાં માસૂમ બાળકીઓના શારીરિક શોષણના આરોપી અક્ષય શિંદેનું પોલીસના એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું છે એને તેના પિતાએ બૉમ્બે હાઈ કોર્ટમાં પડકાર્યું છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીમાં અક્ષયના પિતાએ માગણી કરી છે કે આ ફેક એન્કાઉન્ટર છે એટલે એની તપાસ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરવામાં આવે. આ અરજીની આજે બૉમ્બે હાઈ કોર્ટમાં જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવાણની ખંડપીઠ સમક્ષ સુનાવણી થઈ શકે છે.
ફૉરેન્સિક ટીમે વૅનની તપાસ કરી
જે પોલીસ-વૅનમાં અક્ષય શિંદેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું એને હવે થાણે પોલીસ કમિશનરેટ ઑફિસની બાજુમાં આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રાખવામાં આવી છે. આ વૅનની ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીએ તપાસ કરી હતી. વૅનમાંથી તેમને ૪ ખાલી કાર્ટ્રિજ અને બે અલગ-અલગ લોહીનાં સૅમ્પલ મળી આવ્યાં હતાં. એક ગોળી નીલેશ મોરેને વાગી હતી. એે પછી અક્ષય શિંદેએ બે ગોળી ફાયર કરી હતી અને છેલ્લે સંજય શિંદેએ એક ગોળી અક્ષય શિંદે પર ચલાવી હતી. નીલેશ મોરેને ગોળી વાગતાં તે ઘાયલ થયો હતો અને અક્ષય પર સંજય શિંદેએ ગોળી ચલાવતાં તે પણ ઘાયલ થયો હતો. આમ નીલેશ મોરે અને અક્ષય શિંદે બન્નેના લોહીનાં સૅમ્પલ વૅનમાંથી મળી આવ્યાં છે.
તસવીરો : શાદાબ ખાન