બોરીવલીના બાવીસ માળના ટાવરમાં લાગેલી આગે લીધો સિનિયર સિટિઝનનો જીવ

26 July, 2024 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગૂંગળામણને લીધે મહેન્દ્ર શાહનું મૃત્યુ થયું, ત્રણ જણ ઈજાગ્રસ્ત

બોરીવલીના હાઇરાઇઝમાં લાગેલી આગમાં મહેન્દ્ર શાહનું મૃત્યુ થયું હતું.

બોરીવલી-ઈસ્ટમાં માગાથાણે મેટ્રો રેલ સ્ટેશન સામે આવેલા બાવીસ માળના કાણકિયા સમર્પણ ટાવરની ‘એ’ વિન્ગમાં ગઈ કાલે બપોરે સાડાઅગિયાર વાગ્યે અચાનક ઇલેક્ટ્રિકલ ડક્ટમાં આગ લાગી હતી. આગની લપેટોએ થોડી વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગના ધુમાડા આખા પરિસરમાં ફેલાઈ ગયા હતા.

આગના ધુમાડામાં ગૂંગળામણને કારણે ચાર જણને પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, પણ ગૂંગળામણને લીધે ૭૦ વર્ષના મહેન્દ્ર શાહ મૃત્યુ પામ્યા હતા. ૫૯ વર્ષનાં રંજના રાજપૂત, ૨૬ વર્ષની શિવાની રાજપૂત અને ૭૦ વર્ષનાં શોભા સાવલેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ફાયર-બ્રિગેડે ૨૦ મિનિટમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ બનાવ વિશે ‘એ’ અને ‘બી’ વિન્ગના સેક્રેટરી દૈવત છાયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સવારના સમયે હું ઑફિસ જતો હતો ત્યારે વાયર બળવાની વાસ આવતી હતી. ડક્ટ એરિયામાં જોયું તો આગ લાગી હતી. હું તરત જ હાઉસકીપિંગ, સિક્યૉરિટી અને બીજા રહેવાસીઓ સાથે મળીને ફાયર-એક્સ્ટિંગ્વિશર લઈને આગ ઓલવવા પહોંચી ગયો હતો. એની સાથે બિલ્ડિંગના રહેવાસીઓને મેસેજ અને ફોન કરીને સતત જાણ કરી રહ્યા હતા કે ઘરની વિન્ડો ખુલ્લી રાખજો, ભીના નૅ‌પ્કિનનો ઉપયોગ કરજો, ઘરનો દરવાજો ખોલતા નહીં. જોકે અમુક રહેવાસીઓ ગભરાઈને ટેરેસ પર કે બિલ્ડિંગ નીચે દોડી જતાં થોડી ભાગદોડ મચી ગઈ હતી. આગમાં ૧૯મા માળે રહેતા અને મૃત્યુ પામેલા મહેન્દ્ર શાહ છેલ્લા ૬ મ‌હિનાથી બીમાર હતા અને તેઓ ચાલી પણ શકતા નહોતા એથી આ બનાવમાં તેઓ ઉંમરના હિસાબે વધુ પૅનિક થયા હશે. જ્યારે અન્ય બે રહેવાસીઓને ડૉક્ટર એક દિવસમાં ડિસ્ચાર્જ આપશે. શોભા સાવલે ‌વિલે પાર્લે રહે છે અને તેઓ ગેસ્ટ હોવાથી બિલ્ડિંગના એક રહેવાસીના ઘરે આવ્યાં હતાં. તેમને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે.’

mumbai news mumbai borivali fire incident gujaratis of mumbai