એકનાથ શિંદેએ કહ્યું, યહાં કે હમ સિકંદર

14 June, 2023 09:03 AM IST  |  Mumbai | Dharmendra Jore

એક સર્વેનો હવાલો આપીને ગઈ કાલે પોતે નાયબ મુખ્ય પ્રધાન કરતા વધારે પૉપ્યુલર હોવાની જાહેરખબર આપીને બીજેપીને આપ્યો જોરદાર આંચકોઃ બન્ને પક્ષે બંધબારણે સહ્યાદ્રિમાં બેઠક કરીને આ વિવાદને થાળે પાડવાનો પ્રયાસ કર્યો 

ફાઇલ તસવીર

રાજ્યમાં શાસક પક્ષો વચ્ચે તનાવની વાતોનો અંત આવ્યો નથી એવી પરિસ્થિતિમાં શિવસેનાએ એવો દાવો કર્યો હતો બીજેપીના દેવેન્દ્ર ફડણવીસ કરતાં પણ રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદે વધુ લોકપ્રિય છે. એક સર્વેના આધારે આ દાવો કરવામાં આવ્યો હોવાનું શિવસેનાના શિંદે ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું છે. ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શિવસેનાના એકનાથ શિંદે સાથે હોય એવા ફોટો સાથે એક આખા પેજની જાહેરાત રાજ્યભરનાં પેપરોને આપવામાં આવી હતી. એની હેડલાઇન હતી : દેશમાં મોદી, મહારાષ્ટ્રમાં શિદે - એક ડ્રીમ ટીમ જૈ સૌને પસંદ છે.

જેમ-જેમ દિવસ પસાર થતો ગયો તેમ-તેમ આ જાહેરાતની પ્રતિકૂળ પ્રતિક્રિયા બીજેપી અને વિપક્ષોએ આપી હતી. બીજેપીએ શરૂઆતમાં આને બાળરમત ગણાવીને પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું, પણ વિપક્ષે સવાલ પૂછ્યો હતો કે શિંદેના નેતૃત્વવાળી શિવસેના બાળાસાહેબ ઠાકરે પ્રત્યે વફાદાર છે ખરી? કારણ કે જાહેરાતમાં તેમને કોઈ સ્થાન નથી અને એને બદલે બધે મોદી જ જોવા મળે છે. ઉદ્ધવ ઠાકરેના નેતત્વવાળી શિવસેનાએ તો શિંદેના નેતૃત્વવાળી શિવસેનાને મોદી સેના જ ગણાવી હતી.

દેવેન્દ્ર ફડણવીસે આ વિશે કોઈ પ્રતિક્રિયા નહોતી આપી, પરંતુ સહ્યાદ્રિમાં મુખ્ય પ્રધાન એકનાથ​ શિંદે અને શિવસેનાના પ્રધાનો સાથે એક બેઠક કરી હતી. મીટિંગનું મહત્ત્વ એ કારણે પણ વધી જાય છે, કારણ કે બીજેપી હાઈ કમાન્ડે શિંદેને પાંચ પ્રધાનોને બિનકાર્યક્ષમ અને ભ્રષ્ટાચારી ગણાવીને પડતા મૂકવા કહ્યું હતું. જોકે શિંદેના નેતૃતવવાળી શિવસેનાએ આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ગઈ કાલની આ જાહેરાતને બન્ને પક્ષોના તનાવની આડપેદાશ તરીકે પણ જોવામાં આવી રહી છે.

શિવસેનાના પ્રવક્તા અને પ્રધાન દીપક કેસરકરે કહ્યું હતું કે ‘ડૉક્ટરોએ ફડણવીસને કાનના પડદાની તકલીફને કારણે હવાઈ મુસાફરી કરવાની ના પાડી હોવાથી ફડણવીસે કોલ્હાપુર જવાની યોજના પડતી મૂકી હતી. મુખ્ય પ્રધાન અને ડેપ્યુટી સીએમ ભાઈઓની જેમ મળીને કામ કરે છે.’

બીજેપીના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ શિવસેનાના દાવાને નકારી કાઢતાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રના લોકોએ ફડણવીસને બે વખત ટોચના પદ માટે પસંદ કર્યા છે. વળી આગામી ચૂંટણી મુખ્ય પ્રધાન નક્કી કરશે. કૅબિનેટ પ્રધાન તરીકે શિંદે લોકપ્રિય હતા અને હવે મુખ્ય પ્રધાન તરીકેની તેમની સ્વીકૃતિ વધી છે.’

બીજેપીના એક વરિષ્ઠ નેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શિંદની સલાહકાર ટીમ બેદરકાર, બેજવાબદાર અને અપરિપક્વ હતી એ ફરી સાબિત થયું છે. જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો હતો કે એક સર્વે મુજબ રાજ્યના ૩૦.૨ ટકા લોકો બીજેપીને તો ૧૬.૨ ટકા લોકો શિવસેનાને (એકનાથ શિંદેના નેતૃત્વવાળી) પસંદ કરે છે. આમ મહારાષ્ટ્રના ૪૬.૪ ટકા લોકો બીજેપી અને એકનાથ શિંદેના નેતૃત્વવાળા ગઠબંધનને પસંદ કરે છે. રાજ્યના ૨૬.૧ ટકા લોકો શિંદેને તો ૨૩.૨ ટકા લોકો ફડણવીસને આગામી મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરે છે. 

શિવસેના નહીં, મોદીસેના : સંજય રાઉત

ઉદ્ધવ ઠાકરે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે ‘શિંદેની પાર્ટી બાળાસાહેબની સેના છે કે મોદી-શાહની સેના? મને નથી લાગતું કે આ કોઈ સાચો સર્વે હોય. એ મુખ્ય પ્રધાનના બંગલામાં અથવા તો ગુજરાતમાં થયો હોવો જોઈએ. જાહેરાતમાં બાળાસાહેબ કેમ ગાયબ છે એ જાણવા માગીએ છીએ. તેથી હવે આ વાત ચોક્કસ છે કે આ મોદી-શાહ સેના છે.’

અજિત પવારે કહ્યું હતું કે ‘લોકપ્રિયતા પુરવાર કરવાની આ સ્પર્ધા છે. જો તે ખરેખર આટલા લોકપ્રિય છે તો સુધરાઈની ચૂંટણીમાં કેમ મોડું કરી રહ્યા છે?’

eknath shinde shiv sena devendra fadnavis bharatiya janata party political news mumbai mumbai news maharashtra news maharashtra dharmendra jore