07 May, 2022 07:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે દાદા બન્યા બાદ તેમણે ગઈ કાલે પહેલી વખત તેમના પૌત્ર કિઆન અને પુત્ર અમિત ઠાકરે સાથે ફોટો શૅર કર્યો હતો. તેમની પાછળ રાજ ઠાકરેના દાદા પ્રબોધનકાર ઠાકરે, કાકા બાળાસાહેબ ઠાકરે અને પિતા શ્રીકાંત ઠાકરેના ફોટો છે.
મસ્જિદો પરનાં લાઉડસ્પીકર હટાવવાનો મુદ્દો ઉઠાવીને અત્યારે જેમને લીધે રાજકીય ગરમાવો વર્તાઈ રહ્યો છે એ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરે સામે પરળીની કોર્ટે બીજી વખત બિનજામીનપાત્ર વૉરન્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ ઠાકરે આ વખતે કોર્ટમાં હાજર ન થાય તો તેમની ગમે ત્યારે ધરપકડ થવાની શક્યતા છે. ૨૦૦૮માં રાજ ઠાકરેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે રાજ્યભરમાં એમએનએસ દ્વારા બંધ જાહેર કરીને તોડફોડ કરવામાં આવી હતી. આ મામલામાં બીડમાં આવેલી પરળી કોર્ટે તેમને હાજર થવાનું ફરમાન કર્યું છે.
બીડની પરળી કોર્ટે એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરે સામે ફરી એક વખત બિનજામીનપાત્ર વૉરન્ટ જારી કર્યું છે. આ પહેલાં કોર્ટે ૧૦ ફેબ્રુઆરીએ વૉરન્ટ કાઢીને તેમને ૧૩ એપ્રિલ સુધીમાં કોર્ટમાં હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. જોકે રાજ ઠાકરે કોર્ટમાં હાજર નહોતા થયા એટલે તેમની સામે ફરી વખત વૉરન્ટ કાઢવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે સાંગલી જિલ્લાના શિરાળા ખાતેની ફર્સ્ટ ક્લાસ કોર્ટે રાજ ઠાકરે સામે ૬ એપ્રિલે એક વૉરન્ટ જારી કર્યું હતું. એ મુજબ મુંબઈના પોલીસ કમિશનરને એમએનએસના પ્રમુખને કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આ મામલામાં કોર્ટે પોલીસને ૮ જૂન પહેલાં વૉરન્ટની અમલબજાવણી કરીને રાજ ઠાકરે અને એમએનએસને અન્ય એક નેતાને કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે.
ઑક્ટોબર ૨૦૦૮માં મુંબઈમાં રાજ ઠાકરેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજ્યભરમાં અનેક સ્થળે તોડફોડ અને પથ્થરમારો કરવામાં આવ્યાં હતાં. બીડમાં આવેલા પરળીમાં આવી ઘટનાઓ બન્યા બાદ રાજ ઠાકરે સહિત એમએનએસના કેટલાક કાર્યકરો સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પરળી પોલીસે આ મામલે કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું હતું. બાદમાં આ મામલામાં બધાના જામીન મંજૂર કરાયા હતા. જોકે આ કેસની સુનાવણીમાં રાજ ઠાકરે હાજર ન રહેતાં તેમની સામે ફરી વૉરન્ટ જારી કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.