મુંબઈગરાઓની જેમ સત્તાધારી પક્ષો માટે પણ સી-​લિન્ક ગેમ-ચેન્જર બનશે?

14 January, 2024 07:11 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

મુંબઈ સહિત થાણે, ભિવંડી, કલ્યાણ અને રાયગડમાં બીજેપી સહિત સત્તાધારી પક્ષોની તાકાત વધવાની શક્યતા

સી ફેસ

મુંબઈ ઃ લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે શિવડી-ન્હાવાશેવા સી-​લિન્કનું લોકાર્પણ બીજેપી અને સત્તાધારી પક્ષોને મોટો ફાયદો કરાવી શકે છે. ભારતના આ સૌથી લાંબા ટ્રાન્સ-હાર્બર બ્રિજથી મુંબઈ, થાણે, નવી મુંબઈ સહિત રાયગડ સુધીનો પ્રવાસ સરળ બન્યો છે. હવે આ વિસ્તારમાં લોકસભાની ૧૦ બેઠક છે. આ દસેય બેઠકના પરિણામ માટે સી-લિન્ક ગેમ-ચેન્જર બની શકે છે.

મુંબઈને નવી મુંબઈ સાથે માત્ર ૨૦ મિનિટમાં કનેક્ટ કરનારી અટલ બિહારી વાજપેયી શિવડી-ન્હાવાશેવા સી-લિન્કનું શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યા બાદ ગઈ કાલે જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.

મુંબઈથી નવી મુંબઈ અને નવી મુંબઈથી મુંબઈ પહોંચવા માટે બીજા રસ્તાઓથી જ્યાં દોઢથી બે કલાક લાગે છે એની સામે ગણતરીની મિનિટોમાં સરળતાથી પહોંચી જવાય છે એ જોવા માટે ગઈ કાલે મોટી સંખ્યામાં મુંબઈગરાઓ તેમની કાર લઈને સી-​લિન્ક પર પહોંચ્યા હતા અને તેમણે કાર ઊભી રાખીને ફોટો ખેંચ્યા હતા.

રાજકીય નિષ્ણાતોના મતે આ સી-લિન્ક મુંબઈગરાઓની સાથે સત્તાધારી પક્ષો માટે પણ ગેમ-ચેન્જર બનશે. મુંબઈની છ લોકસભા બેઠકમાંથી ત્રણમાં બીજેપી અને શિવસેનાની ત્રણમાંથી બે એકનાથ શિંદે જૂથ અને એક ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે છે. થાણેની બેઠક ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે, કલ્યાણની બેઠક એકનાથ શિંદે પાસે અને ભિવંડીની બેઠક બીજેપી પાસે છે, જ્યારે રાયગડની બેઠક એનસીપીના અજિત પવાર જૂથ પાસે છે. થાણે અને દક્ષિણ મુંબઈની લોકસભાની બેઠક સિવાય આઠ બેઠક સત્તાધારી પક્ષો પાસે છે. જોકે સી-લિન્ક સત્તાધારી પક્ષ માટે ગેમ-ચેન્જર બનીને બાકીની બંને બેઠક પણ તેઓ મેળવી શકે છે.

કયા પક્ષ પાસે કઈ બેઠક?

મુંબઈ સાઉથ- ઉદ્ધવ ઠાકરે જૂથ- અરવિંદ સાવંત
મુંબઈ સાઉથ સેન્ટ્રલ- એકનાથ શિંદે જૂથ  - રાહુલ શેવાળે
મુંબઈ નૉર્થ સેન્ટ્રલ    બીજેપી    પૂનમ મહાજન
મુંબઈ નૉર્થ ઈસ્ટ    બીજેપી    મનોજ કોટક
મુંબઈ નૉર્થ વેસ્ટ    એકનાથ શિંદે જૂથ    ગજાનન કીર્તિકર
મુંબઈ નૉર્થ    બીજેપી    ગોપાલ શેટ્ટી
થાણે    ઉદ્ધવ ઠાકરે જૂથ    રાજન વિચારે
કલ્યાણ    એકનાથ શિંદે જૂથ    શ્રીકાંત શિંદે
ભિવંડી    બીજેપી    કપિલ પાટીલ
રાયગડ    અજિત પવાર જૂથ    સુનીલ તટકરે

mumbai news mumbai navi mumbai thane political news Lok Sabha