બાંદરાની આગમાં ભંગારનાં વાહનો બળીને ખાખ, જ્યારે કામાઠીપુરાની આગમાં કોઈ જાનહાનિ નહીં

07 February, 2024 07:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીએમસીના જણાવ્યા અનુસાર અંદાજે ૧૦૦૦ સ્ક્વેર ફુટના વિસ્તારમાં પાર્ક કરાયેલાં અંદાજે ૧૦૦થી ૧૫૦ જેટલાં ભંગારનાં વાહનોમાં આગ લાગી

કામાઠીપુરામાં લાગેલી આગને બાજુના બિલ્ડિંગની ટેરેસ પરથી પાણી નાખીને ઓલવવાના પ્રયાસ કરાયા હતા.

બાંદરા-ઈસ્ટમાં ટીચર્સ કૉલોની સામે સર્વિસ રોડ પાસે સ્મશાનભૂમિ નજીક ગઈ કાલે સાંજે ૬.૩૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. બીએમસીના જણાવ્યા અનુસાર અંદાજે ૧૦૦૦ સ્ક્વેર ફુટના વિસ્તારમાં પાર્ક કરાયેલાં અંદાજે ૧૦૦થી ૧૫૦ જેટલાં ભંગારનાં વાહનોમાં આગ લાગી હોવાની જાણ થતાં તરત જ ફાયર એન્જિન ધસી ગયાં હતાં. આગ શા કારણે લાગી એ જાણી શકાયું નહોતું. આગમાં કોઈ જાનહાનિ થવાના કે કોઈના જખમી થવાના અહેવાલ નથી. આગની બીજી ઘટના ગઈ કાલે સવારે ગ્રાન્ટ રોડના કામાઠીપુરા વિસ્તારમાં બની હતી. કામાઠીપુરાની ગલી નંબર ત્રણના એક મકાનમાં આગ લાગી હતી. ગીચ વિસ્તારમાં આગ લાગી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડનાં પાંચ ફાયર એન્જિન આગ ઓલવવા ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. આજુબાજુનાં મકાનોની ટેરેસ પરથી પણ પાણી નાખીને આગ ઓલવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. થોડા વખત માટે એ રોડ પરનો ટ્રાફિક ડાઇવર્ટ કરી દેવાયો હતો. આગ પર ટૂંક સમયમાં કાબૂ મેળવી લેવાયો હતો.

mumbai news mumbai fire incident bandra kamathipura