શિક્ષકો BMCની સામે શા માટે થયા છે?

31 March, 2024 08:06 AM IST  |  Mumbai | Dipti Singh

સ્કૂલના ટીચર્સે ઇલેક્શન-ડ્યુટી અને ટૉઇલેટ-સર્વેથી લઈને વસ્તી-ગણતરી જેવાં બિનશૈક્ષણિક કાર્યોના ભાર હેઠળ દબાઈ ગયા હોવાની ફરિયાદ કરી

ઇલેક્શન-ડ્યુટી બજાવી રહેલાં શિક્ષિકા અરુણા ભટ્ટ મીરા રોડમાં આવેલા તેમના ઘરે. અનુરાગ અહિરે

૪૦ વર્ષનાં અરુણા ભટ્ટ બે દાયકાથી સ્કૂલ-ટીચર છે, પરંતુ ઇલેક્શન-ડ્યુટીને કારણે તેઓ છ વર્ષથી ક્લાસરૂમમાં સરખી હાજરી આપી શક્યાં નથી. આવી સ્થિતિ ઘણાબધા શિક્ષકોની છે જેમના માથે મુખ્ય જવાબદારીઓ ઉપરાંત નૉન-ઍકૅડેમિક વર્કલોડ પણ છે. રાજ્યભરના શિક્ષકોએ ઇલેક્શન-ડ્યુટી, ટૉઇલેટ-સર્વે, મરાઠા વસ્તીગણતરી, નિરક્ષરતા સર્વે, મદરેસાનું જિયો-મૅપિંગ જેવી શિક્ષણ સિવાયની અનેક જવાબદારીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. BMC પરીક્ષા દરમ્યાન પણ શિક્ષકોને આવી ફરજો પર તહેનાત કરી રહ્યું છે ત્યારે શિક્ષકોએ સુધરાઈના નિર્ણયનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે.

તાજેતરમાં BMCના શિક્ષણ વિભાગે શિક્ષકોને અઠવાડિયામાં બે દિવસ (મંગળવાર અને શનિવાર) બૂથ-લેવલ ઑફિસર (BLO) તરીકે ફરજ બજાવવાનો નિર્દેશ આપ્યો છે જેને કારણે વિવાદ સર્જાયો છે. શિક્ષણ સાથે સંબંધિત ન હોય એવી ૧૩૦ જેટલી જવાબદારીઓ શિક્ષકોના માથે છે જેમાં તેઓ વિલેજ કન્સ્ટ્રક્શન સર્વે કરવાથી માંડીને વિવિધ ગૂગલ-ફૉર્મ ભરી રહ્યા છે તેમ જ મધ્યાહન ભોજનની માહિતી અને તમામ પ્રકારનાં પોર્ટલ અપડેટ કરવાનાં કામ પણ તેમના માથે છે. આ શિક્ષકો દરરોજ અથવા પખવાડિયાના ધોરણે લગભગ ૫૦થી ૬૦ જેટલાં કાર્યો કરે છે. BLO તરીકે તેમણે તહસીલ કચેરીમાં મીટિંગમાં પણ હાજરી આપવી પડે છે.

મહારાષ્ટ્ર સ્કૂલ પ્રિન્સિપાલ અસોસિએશનના રાજ્ય-પ્રવક્તા મહેન્દ્ર ગાનપુલેએ જણાવ્યું હતું કે ‘કેટલીક વખત સ્કૂલનો ૫૦થી ૬૦ ટકા સુધીનો સ્ટાફ નૉન-ઍકૅડેમિક ડ્યુટીમાં વ્યસ્ત હોય છે. ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષકોને વિદ્યાર્થીઓનાં આધાર કાર્ડ વેરિફિકેશન અને બૅન્ક-અકાઉન્ટ મૅનેજ કરવાનાં કામ સોંપવામાં આવે છે. એ પણ નોંધનીય છે કે રાજ્યમાં ૩૦ ટકા શિક્ષકોની અછત છે.’
ટીચર ડેમોક્રૅટિક ફ્રન્ટના રાજેશ પંડ્યાએ જણાવ્યું હતું કે આ વર્ષે પરીક્ષકો પર કામનો ભાર વધારે છે અને તેમને ૨૦૦-૨૫૦ જેટલાં પેપર ચેક કરવાનાં રહે છે તો BLOની ડ્યુટી પણ મળતી હોવાથી તેઓ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે કે નહીં એ પણ પ્રશ્ન છે.

વિલે પાર્લે-વેસ્ટની ગોકળીબાઈ સ્કૂલનાં શિક્ષિકા અરુણા ભટ્ટે કહ્યું હતું કે ‘મને ૨૦૧૯થી ઇલેક્શનની ડ્યુટી સોંપવામાં આવી રહી છે. હું માત્ર નામની ટીચર છું. હું ક્યારેક ક્લર્ક કે ક્યારેક તો પ્યુન તરીકે કામ કરતી હોઉં એવું લાગે છે. હું આના માટે શિક્ષક નથી બની.’ અન્ય એક શિક્ષિકા શીતલા પ્રસાદ બડગુજરે જણાવ્યું હતું કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોની સ્થિતિ વધુ ખરાબ છે.

mumbai news mumbai brihanmumbai municipal corporation