કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર વાધવાની ભાઈઓની ધરપકડ

19 January, 2024 08:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈઓડબ્લ્યુએ બંનેની ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે શનિવાર સુધીની કસ્ટડી આપી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : મુલુંડમાં રહેતા અને ઍડ્વર્ટાઇ​ઝિંગ એજન્સી ચલાવતા મનીષ ઠક્કરે ચેમ્બુ​રમાં રહેતા અને રિયલ એસ્ટેટની તથા બૉલીવુડની અને પૉ​લિટિકલ પર્સનાલિટીને પ્રમોટ કરતી મીડિયા ટેક કંપની ચલાવતા અમિત વાધવાની અને તેના ભાઈ વિકી વાધવાની સામે છેતરપિંડીની ફરિયાદ કરતાં ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (ઈઓડબ્લ્યુ)એ બંનેની ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે શનિવાર સુધીની કસ્ટડી આપી હતી. મનીષ ઠક્કરે આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બંને ભાઈઓ ચેમ્બુરમાં રહે છે અને કન્સ્ટ્રક્શન અને મીડિયા ટેક કંપની ચલાવે છે. ૨૦૧૭થી લઈને ૨૦૧૯ સુધી અમે તેમની સાથે કામ કર્યું હતું. તેમની અનેક ઍડ્વર્ટાઇઝ અમે જાણીતા ન્યુઝપેપરમાં આપી હતી. આ સમય દરમ્યાન ૧૭.૦૭ કરોડ રૂપિયાનું તેમનું બિલિંગ થયું હતું. એમાંથી તેમણે ૫.૯૫ કરોડ રૂપિયાનું પેમેન્ટ કર્યું છે અને બાકીના પૈસા આપતા નથી. અમે ઘણી વાર તેમને એ પેમેન્ટ આપવા કહ્યું હતું, પણ તેઓ ગલ્લાંતલ્લાં કરતા હતા. ત્યાર બાદ અમે તેમની ઑફિસે પણ જતા હતા. જોકે તેમણે ઑફિસ નીચે જ બાઉન્સર ઊભા રાખ્યા છે જે અમને ઉપર તેમને મળવા જેવા દેતા નહીં અને અમને ધક્કા મારીને ત્યાંથી ચાલ્યા જવાનું કહેતા. એથી અમે આ સંદર્ભે નૅશનલ કંપની લૉ ​ટ્રિબ્યુનલમાં વાધવાની બ્રધર્સ દ્વારા છેતરપિંડી કરાયેલી અન્ય એક ઍડ એજન્સી સાથે અમારી પણ ફરિયાદ કરી હતી. જોકે એ કેસ ચાલી જ રહ્યો છે. એ પછી પણ પેમેન્ટ ન મળતાં ફેબ્રુઆરી ૨૦૨૩માં અમે રકમ વધુ હોવાથી ઈઓડબ્લ્યુમાં ફરિયાદ કરી હતી. ઈઓડબ્લ્યુના ઑફિસરોએ એફઆઇઆર નોંધતાં પહેલાં તપાસ કરી હતી. તેમણે અમારાં સ્ટેટમેન્ટ્સ લીધાં હતાં, સામેવાળાનાં સ્ટેટમેન્ટ્સ લીધાં હતાં અને આમ અંદાજે એક વર્ષ સુધી માત્ર તપાસ ચાલી હતી. ત્યાર બાદ ઈઓડબ્લ્યુએ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ કરી હતી અને એ પછી હવે ઈઓડબ્લ્યુએ એફઆઇઆર નોંધ્યો છે. તેમને એ તપાસમાં જણાઈ આવ્યું કે વાધવાની બ્રધર્સે ખોટું કર્યું છે એટલે તેમની હવે ધરપકડ કરાઈ છે.’

mulund mumbai news mumbai mumbai crime news