04 June, 2024 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરુણ ગવળી
અન્ડરવર્લ્ડ ડૉન અરુણ ગવળીને જેલમાંથી સમય પહેલાં છોડવાના બૉમ્બે હાઈ કોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો છે. નગરસેવક કમલાકર જામસાંડેકરની ૨૦૦૭માં થયેલી હત્યાના કેસમાં ગવળી આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો છે.
અરુણ ગવળીએ તેની સજા પૂરી થાય એ પહેલાં જેલમાંથી છૂટવા માટે માગણી કરી હતી. ગવળીની આ અપીલ પર બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે વિચાર કરવા આદેશ આપ્યો હતો જેના પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. ગવળીએ દલીલ કરી છે કે તે ૬૫ વર્ષનો થઈ ગયો છે અને મેડિકલ બોર્ડે તેને કમજોર ગણાવ્યો છે એટલે સજા-માફી નીતિનો લાભ મને મળવો જોઈએ.
જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ સંદીપ મેહતાની વેકેશન બેન્ચે બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચના પાંચમી એપ્રિલના આદેશ પર સ્ટે આપી દીધો છે.
મહારાષ્ટ્ર સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આ આદેશ પર સ્ટે આપવામાં આવે, કારણ કે ગવળી હત્યાના કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો છે અને તે મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ હેઠળ દોષી જાહેર થયો છે, તેને આવો લાભ ન મળવો જોઈએ.