12 October, 2024 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મરાઠી અભિનેતા સયાજી શિંદેને ગઈ કાલે મુંબઈમાં અજિત પવારે પક્ષપ્રવેશ કરાવ્યો હતો. (તસવીર: અતુલ કાંબળે)
મહારાષ્ટ્ર સરકારની બુધવારની કૅબિનેટની બેઠકમાંથી દસ જ મિનિટમાં નીકળી ગયા બાદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ અજિત પવારે ગઈ કાલે સાંજે પ્રેસ-કૉન્ફરન્સ બોલાવી હતી. આથી અજિત પવાર નવાજૂની કરશે કે તેઓ મહાયુતિમાં બેઠકોની સમજૂતી થયા વિના વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરશે એવી ચર્ચા આખો દિવસ ચાલી હતી. પ્રેસ-કૉન્ફરન્સમાં અજિત પવારની સાથે સુનીલ તટકરે, પ્રફુલ પટેલ અને છગન ભુજબળ હાજર રહેવાના હતા એટલે પણ અજિત પવાર શું જાહેર કરે છે એની ઉત્સુકતા જોવા મળી હતી. સાંજે સાત વાગ્યે મુંબઈમાં પ્રેસ-કૉન્ફરન્સ બોલાવવામાં આવી હતી ત્યારે અજિત પવારે બારામતીમાંથી ચૂંટણી લડશો કે નહીં એવા સવાલના જવાબમાં કહ્યું હતું કે મહાયુતિમાં બેઠકોની સમજૂતી થશે એમાં અમારે ફાળે આ બેઠક આવશે તો જરૂર લડીશ.
આ સમયે મરાઠી અભિનેતા સયાજી શિંદેનો NCPમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. પક્ષના પ્રદેશાધ્યક્ષ સુનીલ તટકરેએ કહ્યું હતું કે સયાજી શિંદેએ સામાજિક ક્ષેત્રમાં સારું કામ કર્યું છે એથી અમે તેમને સાથે લીધા છે.
સયાજી શિંદેને NCPમાં પ્રવેશ આપ્યા બાદ તેમને આગામી વિધાનસભાની ચૂંટણીમાં સ્ટાર-પ્રચારકની જવાબદારી આપવામાં આવી હતી. અજિત પવારે કહ્યું હતું કે ‘સયાજી શિંદેને વૃક્ષો પ્રત્યે ખૂબ લગાવ છે. સહ્યાદ્રિ દેવરાઈ માટે તેઓ સારું કામ કરી રહ્યા છે. સિદ્ધિવિનાયક, દગડુશેઠ ગણપતિ અને સાંઈબાબાનાં દર્શને જતા લોકોને પ્રસાદના રૂપમાં રોપા આપવા જોઈએ. આ રોપા બાદમાં મોટાં વૃક્ષ બનશે. એનાથી પર્યાવરણનું રક્ષણ થશે.’