17 March, 2020 07:32 AM IST | Mumbai
કોરોનાના ડરથી મહાબળેશ્વરની ખાલીખમ માર્કેટ.
મુંબઈગરાઓના ફેવરિટ હિલ સ્ટેશન મહાબળેશ્વરને કોરોનાનો જબરદસ્ત ફટકો પડ્યો છે. ઉનાળુ વેકેશનની શરૂઆતમાં અહીં મોટી સંખ્યામાં ટૂરિસ્ટો આવે છે એની સામે અત્યારે કોરોનાના ડરથી લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે. પરિણામે અહીંના પ્રવાસીઓ આધારિત સ્થાનિક બિઝનેસ ઠપ થઈ ગયા છે.
મહારાષ્ટ્રના મિની કાશ્મીર તરીકે ઓળખાતા મહાબળેશ્વરમાં દર વર્ષે દેશ-વિદેશના લાખો ટૂરિસ્ટ આવે છે. જોકે છેલ્લા ૧૦ દિવસમાં અહીં આવનારાઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. દેશભરની તુલનાએ મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોનાના શંકાસ્પદ દરદીઓ હોવાથી આ જીવલેણ વાઇરસના ડરથી મુસાફરોએ અહીં આવવાનું ટાળ્યું હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક નગરસેવક કુમાર શિંદેએ કહ્યું હતું કે ‘માર્ચ મહિનામાં અહીં મોટી સંખ્યામાં ટૂરિસ્ટો હોય છે, એની સામે એકલદોકલ લોકો જ જોવા મળી રહ્યા છે. અહીંની માર્કેટ, વેણા લૅક અને પંચગની ટેબલ ટૉપ સૂમસામ બન્યાં છે.
અહીંની હોટેલ, ટૅક્સીચાલકો, સ્ટ્રોબેરીની ખેતી કરતા ખેડૂતો બેકાર બન્યા છે. તેમની પાસે મોટા પ્રમાણમાં માલ પડ્યો હોવા છતાં કોઈ લેવાલ નથી. સાતારાના કલેક્ટર અને મહાબળેશ્વર નગરપાલિકાએ પર્યટકો અને નાગરિકોને અફવા પર વિશ્વાસ ન કરવાનું આહ્વાન કર્યું હોવા છતાં અહીં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
એક અંદાજ મુજબ મહાબળેશ્વરમાં દર વર્ષે ૨૦ લાખ દેશી-વિદેશી ટૂરિસ્ટો ફ્રેશ થવા માટે આવે છે. આ ટૂરિસ્ટો પર મોટા ભાગના લોકોનો રોજગાર ચાલે છે. કોરોનાને લીધે ૧૦ દિવસથી કામધંધા રીતસરના બંધ થઈ ગયા હોવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળ્યું હતું.