નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યે ૪૫૦થી વધુ તપ કરનારા આરાધકોની અનુમોદના

17 November, 2024 12:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યે ૪૫૦થી વધુ ભાવ સંયમ ઉપધાન તપ કરનારા આરાધકોની અનુમોદનાનો અવસર આજે પરમધામના આંગણે યોજાશે

શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યે સંયમ ભાવ સાધના ઉપધાન તપની આરાધના કરનારા ભાવિકોની અનુમોદનાનો અવસર

દુબઈ, અમેરિકા, ઑસ્ટ્રેલિયા, સિંગાપોર આદિ વિદેશનાં તેમ જ ભારતનાં અનેક ક્ષેત્રોથી પધારેલા ભાવિકો ૧૧ દિવસની સાધુ જીવનશૈલીની આરાધના કરી ભાવ સંયમ ઉપધાન તપ કરી ધન્ય બન્યા

પરમધામ સાધના સંકુલના પ્રાંગણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યે સંયમ ભાવ સાધના ઉપધાન તપની આરાધના કરનારા ભાવિકોની અનુમોદનાનો અવસર આજે સવારે ૯ વાગ્યાથી આયોજિત કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે પરમ ગુરુદેવના સાંનિધ્યે દર વર્ષે સાધુ જીવનશૈલીની આરાધના સ્વરૂપ સંયમ ભાવ સાધના ઉપધાન તપનું આયોજન કરવામાં આવે છે. એના અંતર્ગત સેંકડો ભાવિકો જોડાઈને સ્વયંની આત્મા પર સંયમ ભાવોનું સંસ્કરણ કરીને આત્મશુદ્ધિ કરી રહ્યા છે. આ જ સંયમ ભાવ સાધનાની શૃંખલામાં ફરીને આ વર્ષે પણ ૧૧ દિવસીય ઉપધાન તપ શિબિર આયોજિત થતાં દેશ-વિદેશના મળીને સાડાચારસોથી વધુ ભાવિકો જોડાઈને સાધુ જીવનશૈલીની આરાધના કરી ધન્ય બન્યા છે. અને ધન્ય બન્યો માતુશ્રી કંચનબહેન રમણીકલાલ શેઠ પરિવાર; જેમણે સંપૂર્ણ સંવેગ ચાતુર્માસ ૨૦૨૪ સહ આ ઉપધાન આરાધકોની આરાધનામાં સહાયક થતાં ઉપધાન તપ સાધનાનો પણ સંપૂર્ણ લાભ લીધો છે.

ઘર, પરિવાર, અનુકૂળતાઓ, સ્વજનો અને સમગ્ર સંસારના વ્યવહારોથી કટ-ઑફ થઈને પરમ ગુરુદેવના સાંનિધ્યે ૧૧ દિવસ સુધી પૂર્ણપણે સ્નાનનો ત્યાગ, કૉમ્બનો ત્યાગ, અરીસાનો ત્યાગ, ચંપલનો ત્યાગ જેવી અનેક અનુકૂળતાઓનો ત્યાગ કરી સાધુ જીવનશૈલીની આરાધના કરનારા આરાધક ભાવિકોના તપ-ત્યાગની અનુમોદનાના આયોજિત થયેલા આ અવસરમાં દરેક આરાધકોને ડોલીમાં બિરાજમાન કરીને તેમના તપનાં વધામણાં કર્યા બાદ પરમ ગુરુદેવના શ્રીહસ્તે ઉપધાન પરિપૂર્ણના પ્રતીક સ્વરૂપે માળાની અર્પણતા થશે.

ઉપધાન તપની શ્રેષ્ઠ આરાધના કરનારા આરાધક ભાવિકોની અનુમોદના કરવા તેમના સ્વજનો તો પધારશે, પણ આપ સૌ ધર્મપ્રેમી ભાવિકોને પણ પરમધામ, વાલકસ વિલેજ, તાલુકો–કલ્યાણ, જિલ્લો-થાણે, મહારાષ્ટ્ર ખાતે પધારવા ભાવભીનું આમંત્રણ ચાતુર્માસ લાભાર્થી તરફથી આપવામાં આવ્યું છે.

religion religious places jain community news mumbai mumbai news gujarati community news gujaratis of mumbai