પોલીસની દરિયાદિલી

14 April, 2023 10:00 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

સાંતાક્રુઝમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કૉન્સ્ટેબલનું અવસાન થતાં રાહત ભંડોળ જમા કરીને પરિવારને સન્માન સાથે આપ્યું : પોલીસ ક્રેડિટ સોસાયટી પાસેથી ૨૦ લાખની લીધેલી લોન પણ માફ કરાઈ

સાંતાક્રુઝના સિનિયર પોલીસ અધિકારી રાજેન્દ્ર કાણે દ્વારા એક કાર્યક્રમમાં રેણુકા સુજિત પવારને રૂપિયા આપવામાં આવ્યા હતા

સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનના પોલીસ કૉન્સ્ટેબલ સુજિત પવારનું વિધાનભવનમાં બંદોબસ્ત માટે ફરજ પર હતો ત્યારે હૃદયરોગનો હુમલો થવાથી ૧૭ માર્ચે અવસાન થયું હતું. સુજિત પવારના પરિવારમાં પત્ની, એક સગીર પુત્ર અને એક પુત્રી છે. સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ અધિકારી રાજેન્દ્ર કાણેએ પહેલ કરીને તમામ અધિકારીઓ અને અમલકર્તાઓને રાહત ભંડોળ એકઠું કરવા વિનંતી કરી હતી. સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને અમલકર્તાઓએ ૬,૦૬,૬૬૬ રૂપિયા એકઠા કર્યા હતા અને ગયા અઠવાડિયે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં સુજિત પવારની પત્ની રેણુકા પવારને રાહત ભંડોળ સન્માન સાથે સિનિયર પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિનિયર પોલીસ અધિકારી રાજેન્દ્ર કાણેએ રેણુકા પવારને ખાતરી આપી હતી કે સમગ્ર મુંબઈ પોલીસ દળ હંમેશાં સુજિત પવારના પરિવારની સાથે છે. સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન તરફથી આટલી મોટી મદદ મળતાં સુજિત પવારના પરિવારે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કર્યો હતો.

સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારી રાજેન્દ્ર કાણેએ આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુજિત પવાર મહેનતુ કૉન્સ્ટેબલ હતો. હાર્ટ-અટૅક આવવાથી તેમનું અવસાન થતાં એક મહેનતું કૉન્સ્ટેબલ ગુમાવ્યાનું અમને દુઃખ છે. તેમના પરિવારને મદદ થઈ શકે એ માટે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનના સ્ટાફે તેમ જ જે કર્મચારીઓની બદલી થઈ હતી તે લોકોએ પણ યથાશક્તિ ફાળો આપ્યો હતો અને તેમની મદદથી અમે ૬,૦૬,૬૬૬ રૂપિયા જમા કર્યા હતા. એને અમે મંગળવારે એક કાર્યક્રમ યોજીને સન્માન સાથે સુજિત પવારની પત્ની રેણુકા પવારને આપ્યા હતા. આ સિવાય સુજિત પવારે પોલીસ ક્રેડિટ સોસાયટી પાસેથી ૨૦ લાખ રૂપિયાની લોન લીધી હતી એ પણ માફ કરવામાં આવી છે.’

mumbai mumbai news mumbai police santacruz urvi shah-mestry