24 January, 2025 02:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
લોન આપવાના બહાને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવીને છેતરપિંડી કરતી ગૅન્ગનાં ચાર પુરુષ અને ત્રણ મહિલાની સાંતાક્રુઝ પોલીસે મંગળવારે પવઈમાંથી ધરપકડ કરી હતી. પવઈના પવઈ પ્લાઝામાં આરોપીઓ કૉલ-સેન્ટર ચલાવીને લોકોને લોન આપવાના નામે લલચાવીને વિવિધ ચાર્જિસરૂપે પૈસા પડાવતા હતા. સાંતાક્રુઝમાં રહેતા પ્રવીણ સોલંકી પાસેથી સાડાસાત લાખ રૂપિયાની લોન આપવાની લાલચે આરોપીઓએ ૨.૬૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા જેની ફરિયાદ સાંતાક્રુઝ પોલીસે ૧૫ જાન્યુઆરીએ નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી ત્યારે આરોપીનું ફોન-લોકેશન પવઈમાં નીકળ્યું હતું.
ઘર લેવા માગતા પ્રવીણ સોલંકી પાસેથી વિવિધ ચાર્જિસ તરીકે ૨.૬૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા એમ જણાવતાં સાંતાક્રુઝના પોલીસ-ઇન્સ્પેક્ટર વિજય સરદેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાંતાક્રુઝના જુહુતારા રોડ પરની એક સોસાયટીમાં રહેતા પ્રવીણ સોલંકીને નવું ઘર લેવા માટે પૈસાની જરૂર હતી અને એ દરમ્યાન આરોપીની ગૅન્ગના એક મેમ્બરે પ્રવીણને ફોન કરીને લોન માટેની ઑફર કરી હતી. ત્યાર બાદ તેની પાસેથી તમામ દસ્તાવેજો લેવામાં આવ્યા હતા. અંતમાં પ્રવીણને કહ્યું હતું કે તમને સાડાસાત લાખ રૂપિયાની લોન મળશે અને એ લેવા તૈયાર થતાં ફ્રૅન્કિંગ ચાર્જિસ, લોન ઍગ્રીમેન્ટ ચાર્જિસ, પ્રોસેસિંગ ચાર્જિસ સહિતના વિવિધ ચાર્જની માગણી કરીને ત્રણથી ચાર દિવસમાં ૨.૬૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા. ત્યાર બાદ આરોપીઓએ મોબાઇલ-નંબર બંધ કરી દીધો હતો. એ પછી ઘટનાની ફરિયાદ ૧૫ જાન્યુઆરીએ અમારી પાસે આવી હતી.’
આ કેસમાં ગૅન્ગના માસ્ટરમાઇન્ડને અમે શોધી રહ્યા હતા જેણે પવઈમાં ટીનેજર્સને ટ્રેઇનિંગ આપીને ઑનલાઇન છેતરપિંડી કરવા માટેની ટીમ તૈયાર કરી હતી એમ જણાવતાં વિજય સરદેસાઈએ કહ્યું હતું કે ‘ફરિયાદ નોંધાયા પછી અમે તપાસ કરવા માંડ્યા હતા. આ કેસમાં છેતરપિંડીના તમામ રૂપિયા વારાણસીની બૅન્કમાં ટ્રાન્સફર થયા હતા, પણ જે નંબરથી ફોન આવ્યો હતો એની માહિતી કઢાવી એનું લોકેશન ચેક કરતાં એ પવઈમાં હોવાનું જાણવા મળ્યું હતું એટલે અમે ગુપ્ત સૂત્રોની મદદથી જે વિસ્તારમાં લોકેશન ટ્રેસ થયું હતું ત્યાંની વધુ માહિતી કઢાવી ત્યારે એ જગ્યાએ કૉલ-સેન્ટર ચાલતું હોવાની માહિતી મળી હતી એટલે અમે ત્યાં જઈને તપાસ કરતાં છેતરપિંડી કરતી ગૅન્ગનો પર્દાફાશ થયો હતો. આ કૉલ-સેન્ટરમાંથી ૬૦ સિમ-કાર્ડ, ૨૦ મોબાઇલ અને ૧૦ લૅપટૉપ જપ્ત કર્યાં છે. આ કેસમાં માસ્ટરમાઇન્ડ હજી વૉન્ટેડ છે જેને અમે શોધી રહ્યા છીએ.’