હું પપ્પુ કાલાણી છું મેં ચાર હત્યા કરી છે

07 June, 2024 09:30 AM IST  |  Mumbai | Mehul Jethva

સોસાયટીમાં ચાલતી ગેરરીતિની ફરિયાદ કરવા જતાં સાંતાક્રુઝના ગુજરાતી સિનિયર સિટિઝનને મળ્યો આવું લખેલો ધમકીનો લેટર અને ઍસિડની બૉટલ : એનાથી ડરી ગયેલા ચંદ્રેશ દેસાઈ અને તેમનાં પત્ની અમે​રિકા જતાં રહ્યાં

ચંદ્રેશ દેસાઈ અને તેમને મળેલો પત્ર

સાંતાક્રુઝ-વેસ્ટમાં જુહુતારા રોડ પરના ક્વીન્સ અપાર્ટમેન્ટમાં રહેતા ૬૫ વર્ષના ચંદ્રેશ દેસાઈના ઘરે ઉર્દૂ ભાષામાં ધમકીના પત્ર સાથે ઍ​સિડની બૉટલ મોકલવામાં આવી હોવાની ફરિયાદ સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનમાં બુધવારે નોંધાઈ છે. ઍ​સિડની બૉટલ અને પત્ર બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતાં જાણવા મળ્યું હતું કે ચંદ્રેશભાઈએ મે મહિનામાં સોસાયટીમાં ચાલતી ગેરરીતિની ફરિયાદ BMCમાં કરી હતી જેનો રોષ રાખીને એ જ સોસાયટીમાં રહેતા ૮૦ વર્ષના સિનિયર સિટિઝને ચંદ્રેશભાઈને ધમકાવવા માટે પત્ર મોકલ્યો હતો.

આ ઘટના બાદ હું અને મારી પત્ની એટલાં ગભરાઈ ગયાં હતાં કે અમે અમેરિકાના બૉસ્ટનમાં રહેતી મારી પુત્રીના ઘરે આવી ગયાં છીએ એમ જણાવતાં ચંદ્રેશ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૯ મેએ સવારે અમારી સોસાયટીનો સિક્યૉરિટી ગાર્ડ મારા ઘરે એક બૉક્સ આપી ગયો હતો. એના સફેદ કાગળ પર અંગ્રેજીમાં મારું નામ અને રૂમ-નંબર લખ્યાં હતાં અને એની નીચે અંગ્રેજીમાં પપ્પુ કાલાણી, ઉલ્હાસનગર લખેલું હતું. મેં એ બૉક્સ ખોલ્યું ત્યારે એમાં ઉર્દૂ અક્ષરોમાં લખેલા પત્રની ઝેરોક્સ હતી અને એક નાની પ્લાસ્ટિકની બૉટલ હતી જેમાં પીળા રંગનું પ્રવાહી હતું. એ બૉટલમાં શું છે એ જોવા માટે મેં એનું ઢાંકણું ખોલીને એની વાસ લીધી ત્યારે ખૂબ જ ખરાબ વાસ આવી રહી હતી. એટલે મેં પ્લાસ્ટિકની બૉટલમાં રહેલા પ્રવાહીનું એક ટીપું બાથરૂમમાં નાખ્યું ત્યારે એમાંથી પરપોટા અને ધુમાડો નીકળતા દેખાયા હતા એટલે એ પ્રવાહી ઍસિડ હોવાનું સ્પષ્ટ થયું હતું. ઉર્દૂ અક્ષરોના પત્રને મોબાઇલમાં ગૂગલ ટ્રાન્સલેટરની મદદથી વાંચવાનો પ્રયાસ કર્યો ત્યારે એમાં લખ્યું હતું કે શ્રી ચંદ્રેશ દેસાઈ, હું પપ્પુ કાલાણી છું, મેં ચાર હત્યા કરી છે, તમે સોસાયટીની વિરુદ્ધમાં કરેલી ફરિયાદ પાછી લઈ લો. અંતે મેં ઘટનાની ફરિયાદ નોંધાવીને સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ-પત્ર આપ્યો હતો જેની પોલીસે તપાસ કરીને બુધવારે ઍ​સિડ અને પત્ર મોકલનારની વિરુદ્ધમાં FIR નોંધ્યો છે.’

ઍ​સિડની બૉટલ અને પત્ર નાઇટ વૉચમૅનને રાત્રે સાડાત્રણ વાગ્યે આપવામાં આવ્યાં હતાં એમ જણાવતાં સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આવી રીતે પત્ર મળવાથી ફરિયાદી ખૂબ ગભરાઈ ગયા હતા એટલે અમે પહેલાં તપાસ કરી હતી. એમાં સમજાયું હતું કે એ જ સોસાયટીમાં રહેતા ૮૦ વર્ષના સિનિયર સિટિઝને આ પત્ર અને બૉટલ નાઇટ વૉચમૅનને આપ્યાં હતાં અને સવારે આવેલા વૉચમૅને બૉક્સ પર ફરિયાદીનું નામ અને ઍડ્રેસ જોતાં તેમના ઘરે એ ડિ​લિવર કર્યું હતું. સોસાયટીમાં મે મહિનામાં થયેલા વિવાદમાં આવું કૃત્ય આરોપી સિનિયર સિટિઝને કર્યું હોવાની કબૂલાત અમારી સામે કરી છે.’

santacruz gujarati community news united states of america mumbai police mumbai mumbai news mehul jethva