07 April, 2024 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય શિરસાટે રાજ ઠાકરેના ઘરે જઈને મુલાકાત
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરે અને તેમના પુત્ર અમિતે દિલ્હીમાં જઈને અમિત શાહ અને જે. પી. નડ્ડાની મુલાકાત લીધી હતી અને બાદમાં રાજ ઠાકરેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમ જ બન્ને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે બેઠક કરી હતી. આથી રાજ ઠાકરે સત્તાધારી મહાયુતિમાં જોડાવાની ચર્ચા શરૂ થઈ હતી. જોકે આ બાબતે કોઈ તરફથી હજી સુધી સ્પષ્ટતા કરવામાં નથી આવી. એવામાં ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના વિશ્વાસુ વિધાનસભ્ય સંજય શિરસાટે રાજ ઠાકરેના ઘરે જઈને મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સંજય શિરસાટે કહ્યું હતું કે ‘રાજ ઠાકરે સાથેની મારી આજની મુલાકાત રાજકીય નહોતી. રાજ ઠાકરે વરિષ્ઠ નેતા છે. તેઓ મહાયુતિમાં જોડાશે કે નહીં એ બોલવાનો અમને કોઈ અધિકાર નથી. જો તેઓ સાથે આવશે તો તેમનું સ્વાગત રેડ કાર્પેટ પર કરવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ૯ એપ્રિલે આવી રહેલા ગુઢી પાડવાએ તેમની શિવાજી પાર્કમાં જાહેરસભા છે એમાં રાજ ઠાકરે મહત્ત્વની જાહેરાત કરી શકે છે.’
સંજય શિરસાટની રાજ ઠાકરે સાથેની મુલાકાત અને તેમનું શિવસેના સ્વાગત કરશે એવા નિવેદનથી ફરી ચર્ચા શરૂ થઈ છે કે મહાયુતિમાં સામેલ થવા માટે તેઓ પૉઝિટિવ છે.