26 March, 2023 11:24 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
કેન્દ્રમાં રાહુલ ગાંધી (Rahul Gandhi)નું લોકસભાનું સભ્યપદ રદ થયા બાદ જે રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે તેવા એક નવો વિવાદ ખાડો થવાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં વિશેષાધિકાર ભંગના પ્રસ્તાવ પર નોટિસને લઈને સંજય રાઉત (Sanjay Raut) વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. મળતી માહિતી મુજબ, વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે (Rahul Narvekar) શનિવારે માહિતી આપી છે કે સંજય રાઉત વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ રાજ્યસભામાં મોકલવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ સંજય રાઉતની તે વિવાદાસ્પદ ટિપ્પણીથી સંબંધિત છે, જેમાં તેમણે વિધાન પરિષદને ચોર મંડળ તરીકે ઓળખાવ્યું હતું. જોકે, રાઉતે પાછળથી તેમની સ્પષ્ટતામાં કહ્યું કે તેમણે આવી ટિપ્પણી માત્ર શિંદે જૂથ માટે કરી હતી.
રાહુલ નાર્વેકરે માહિતી આપી હતી
મહારાષ્ટ્ર વિધાનસભાએ પ્રથમ દૃષ્ટીએ શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતને વિશેષાધિકાર પ્રસ્તાવના ભંગ બદલ દોષી ઠેરવ્યા છે. વિધાનસભામાં ચોરોની ટોળકી છે, આવી ટીપ્પણી બાદ તેમની સામે ભંગની દરખાસ્ત કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે કહ્યું કે તેઓ રાઉત દ્વારા આપવામાં આવેલી ચોખવટથી સંતુષ્ટ નથી. તે જ સમયે, રાઉતે વિશેષાધિકાર પ્રસ્તાવના ભંગ પર નિર્ણય લેતી સમિતિ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. સંજય રાઉત પણ રાજ્યસભાના સભ્ય છે, તેથી રિપોર્ટ રાજ્યસભાના પ્રમુખ/ઉપપ્રમુખને આગળની કાર્યવાહી માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.
રાઉતે કોલ્હાપુરમાં આપ્યું હતું નિવેદન
સંજય રાઉતે 1 માર્ચે તેમના કોલ્હાપુર પ્રવાસ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં વિધાનસભાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે “આ વિધાનસભા નથી, પરંતુ `ચોર વર્તુળ` છે.” આ પછી ધારાસભ્ય અતુલ ભાટખલકરે તેમની સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવવાની માગ કરી હતી. તેમના પર મહારાષ્ટ્ર વિધાનસભા, મુખ્યપ્રધાન અને અન્ય મંત્રીઓનું અપમાન કરવાનો આરોપ હતો.
તે જ દિવસે રાઉત વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ મોકલવામાં આવી હતી. આ મામલે સંજય રાઉતે કહ્યું કે તેમણે વિધાનસભા વિશે નહીં, પરંતુ વિધાનસભામાં બેઠેલા એક જૂથ વિશે નિવેદન આપ્યું છે. હવે સંજય રાઉત વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો આ પ્રસ્તાવ રાજ્યસભા અને ઉપરાષ્ટ્રપતિને વિચારણા માટે મોકલવામાં આવ્યો છે. હવે જોવાનું છે કે રાજ્યસભા આ મામલે શું કાર્યવાહી કરે છે.
આ પણ વાંચો: પાડોશીઓ કાનભંભેરણી કરી રહ્યા હોવાનું ચેતન ગાલાને લાગી રહ્યું હતું
વિશેષાધિકાર ભંગ એટલે શું?
વિશેષાધિકાર ઉલ્લંઘન પ્રસ્તાવ એ સંસદ અથવા વિધાનસભામાં આપવામાં આવેલા વિશેષ અધિકારોના ઉલ્લંઘન સામે આપવામાં આવેલ અધિકાર છે. જો કોઈ વ્યક્તિ વ્યક્તિગત રીતે અથવા સભાનો સામૂહિક રીતે અનાદર કરે છે, અથવા ટિપ્પણી દ્વારા ભાવનાને ઠેસ પહોંચાડે છે, તો તેને વિશેષાધિકારનો ભંગ કહેવામાં આવે છે. આ સાથે, ગૃહ દરમિયાન જો કોઈ સભ્ય એવી ટિપ્પણી કરે છે, જેનાથી ગૃહની ગરિમાને ઠેસ પહોંચે છે, તો આવી સ્થિતિમાં તે સભ્ય સામે ગૃહની અવમાનના અને વિશેષાધિકારના ભંગ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.