24 November, 2024 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય રાઉત
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના પ્રવક્તા સંજય રાઉતે મુંબઈ અને મહારાષ્ટ્રના વેપારી વર્ગ પર આક્ષેપ કર્યો હતો કે વેપારીઓ પોતાના ફાયદા માટે ખોટું બોલે છે, ભેળસેળ કરે છે અને ગ્રાહકોને છેતરે છે. આ નિવેદનથી વેપારીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. વેપારી સંગઠનોએ ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતને આ નિવેદનને પાછું ખેંચવા અને વેપારીઓની માફી માગવા માટે અનુરોધ કર્યો હતો. વેપારી સંગઠનોએ આ નિવેદનની નિંદા કરતાં કહ્યું હતું કે ‘જો તમે આમ નહીં કરો તો વેપારીઓએ ૨૦ નવેમ્બરના મતદાન કરતી વખતે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને મત આપવો કે નહીં એના પર વિચારવું પડશે. ફક્ત વેપારીઓ વિચારશે જ નહીં, ખુલ્લેઆમ તમારી પાર્ટીને મત આપવાનો વિરોધ કરશે અને તમારી પાર્ટીને મત નહીં આપવાની જનતાને અપીલ કરશે.’
જોકે ઉદ્ધવ ઠાકરે કે મહા વિકાસ આઘાડી (MVA)ના કોઈ રાજનેતાએ માફી માગવાની કે નિવેદન પાછું લેવાની તસદી લીધી નહોતી જેને પરિણામે વેપારી વર્ગ દ્વારા MVAના વિરોધમાં મતદાન કરીને રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો જે ગઈ કાલે આવેલાં પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું હતું.
જિતેન્દ્ર શાહ - ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્રના પ્રમુખ
લોકલ બૉડી ટૅક્સ વખતે વેપારી સમુદાયની એકતાને કારણે પૃથ્વીરાજ ચવાણ સરકારને વેપારીઓએ બહારનો રસ્તો બતાવ્યો હતો અને આજે વેપારીઓએ સંજય રાઉત અને MVAને તેમની ખોટી નીતિઓ અને શબ્દો સામે કરારા જવાબ આપીને બતાવી દીધું છે કે વેપારીઓની શક્તિને ક્યારે પણ ઓછી નહીં સમજતા. આ જીત ફક્ત એક ચૂંટણીનું પરિણામ નથી પણ એક સંદેશ છે કે વેપારી સમુદાય એકજૂટ થઈને ઊભો રહે ત્યારે તે અસંભવને પણ સંભવ બનાવી શકે છે. આ અમારી એકતા, સંઘર્ષ અને સંકલ્પની જીત છે. વેપારીઓએ ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિનાં વિકાસ કાર્યો પર ભરોસો જતાવીને સ્થિર સરકાર લાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે જે કોઈ પણ રાજ્ય/પ્રદેશના વિકાસ માટે આવશ્યક છે. આ સ્પષ્ટ કરે છે કે વેપારી સમુદાય ફક્ત આર્થિક વિકાસમાં જ નહીં, સામાજિક અને રાજનીતિક સ્થિરતામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હું વેપારીભાઈઓનો તેમની આ અદ્ભુત એકતા અને વિજય માટે હૃદયપૂર્વક આભાર માનું છું. અમારી એકતા હંમેશાં અતૂટ બની રહે અને વેપારીઓનું સ્વાભિમાન હંમેશાં ઊચું રહે. વ્યાપારી એકતા ઝિંદાબાદ.’
મુંબઈ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના થોડા દિવસ પહેલાં જ શિવસેના (UBT)ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે ભાષાની મર્યાદા ભૂલીને વેપારીઓને ચોર, જુઠ્ઠા અને ગ્રાહકોને ફસાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો જેનાથી વેપારીઓમાં જબરદસ્ત રોષ અને આક્રોશ ફેલાયો હતો. ત્યાર પછી વેપારીઓએ તેમને માફી માગવાનો અને આ મુદ્દે સ્પષ્ટતા કરવાનો અનુરોધ કર્યો હતો જેને તેમણે ગણકાર્યો નહોતો, જેથી વેપારી સંગઠનોએ શિવસેના (UBT) અને MVAના વિરોધમાં મતદાન કરવાની અપીલ કરી હતી. મતદાનમાં વેપારીઓએ તેમની તાકાતનો પરચો બતાવ્યો હતો. અમારા અંદાજ પ્રમાણે મુંબઈ અને મહારાષ્ટ્રના ૯૦ ટકા વેપારીઓએ મતદાનમાં તેમનો રોષ પ્રગટ કર્યો હતો. ભવિષ્યમાં જે કોઈ રાજકીય પક્ષ વેપારીઓ માટે હલકા શબ્દોનો ઉપયોગ કરશે તો તેમને પણ આ રીતનો જ જવાબ આપવામાં આવશે.’
મહારાષ્ટ્રના વેપારીઓએ ફરીથી એક વાર સાબિત કરી દીધું છે કે જ્યારે પણ વેપારીઓની ઉપેક્ષા કરવામાં આવી છે ત્યારે વેપારીઓએ સંગઠિત થઈને એનો મજબૂતીથી જવાબ આપ્યો છે.