12 September, 2024 02:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સીસીટીવી ફૂટેજ
ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેના પુત્રના નામે રજિસ્ટર કરવામાં આવેલી આઉડી કારના અકસ્માતના મામલામાં ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે ચોંકાવનારો દાવો કર્યો છે. સંજય રાઉતે કહ્યું છે કે ચંદ્રશેખર બાવનકુળેના પુત્ર સંકેતે તેના ફ્રેન્ડ્સ સાથે નાગપુરની હોટેલમાં દારૂ પીવાની સાથે બીફ પણ ખાધું હતું, આના પરથી ખ્યાલ આવે છે કે BJPનું હિન્દુત્વ નકલી છે. જોકે નાગપુર પોલીસે ગઈ કાલે કહ્યું હતું કે સંકેત બાવનકુળેએ અને તેના ચાર ફ્રેન્ડ્સે ડ્રિન્ક કરવાની સાથે બારમાં મટન અને ચિકનની ડિશનો જ ઑર્ડર આપ્યો હોવાનું તપાસમાં જણાઈ આવ્યું છે. નાગપુરના ધરમપેઠ વિસ્તારમાં આવેલા લા હુરી બારનાં બિલ ચકાસવામાં આવ્યાં છે જેમાં સંકેત બાવનકુળે કે તેના ફ્રેન્ડ્સે બીફની કોઈ ડિશ નહોતી મગાવી.
BJP બાદ હવે કૉન્ગ્રેસનું કનેક્શન
સંકેત બાવનકુળેના નામે રજિસ્ટર કરવામાં આવેલી આઉડી કારે ત્રણ કાર અને એક ટૂ-વ્હીલરને અડફેટે લેવાથી અકસ્માત થયો હતો. સંકેત બાવનકુળેનો ફ્રેન્ડ અર્જુન હવારે કાર ચલાવતો હતો એટલે પોલીસે તેની ધરપકડ કરી હતી. અર્જુન કૉન્ગ્રેસના નેતા જિતેન્દ્ર હાવરેનો પુત્ર છે. જિતેન્દ્ર હાવરેએ નાગપુર મહાનગરપાલિકાની ચૂંટણી લડી હતી. જોકે બાદમાં તેઓ પાર્ટીમાં ઓછા સક્રિય થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. નાગપુર પોલીસે અર્જુન હાવરેનાં બ્લડ-સૅમ્પલ લીધાં હતાં, જેમાં તેણે નશો ન કર્યો હોવાનું જણાઈ આવ્યું છે. આથી આ મામલો ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવનો ન હોવાનું પોલીસનું માનવું છે.