15 January, 2024 07:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંજય રાઉત (ફાઈલ તસવીર)
શિવસેના (યૂબીટી)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે સોમવારે બીજેપી પર આકરા કટાક્ષ કર્યા છે. તેમણે પીએમ મોદી પર રાજનૈતિક ફાયદા માટે માલદીવ સાથે ઝગડો કરવાનો આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું, "પાકિસ્તાન સાથે લડાઈનો મુદ્દો ખતમ થઈ ગયો છે, તો બીજેપીની સરકાર લોકસભા ચૂંટણી પહેલા માલદીવ સાથે ઝગડો કરી રહી છે, જેની પાસે પોતાની આર્મી અને પોલીસ ફૉર્સ પણ નથી. માલદીવ સાથે સંઘર્ષ વધારશે અને ચૂંટણીમાં તેના નામે વોટ માગશે. ત્યાં ચીન ઘુસી ગયું છે, પહેલા તેમને બહાર કાઢો તમે."
મણિપુરમાં `ભારત જોડો ન્યાય યાત્રા` દરમિયાન બીજેપીને લઈને રાહુલ ગાંધીના નિવેદનનો બચાવ કરતા સંજય રાઉતે કહ્યું, "રાજકારણની વાત ન હોત તો શું વડાપ્રધાન લક્ષદ્વીપ ગયા હોત, એક સીટનો હિસાબ કરવા માટે. પણ દોઢ વર્ષ થઈ ગયો, પીએમ મણિપુર નથી જઈ શક્યા. રાહુલ ગાંધી મણિપુર પહોંચી ગયા, વિપક્ષના અન્ય નેતા પણ ત્યાં જઈ ચૂક્યા. અહીં લોકો સાથે વાતચીત કરી, તેમની વેદના સમજી. પણ આપણાં દેશના વડાપ્રધાન લક્ષદ્વીપ જઈને બેસે છે. ત્યાં માલદીવ સાથે ઝગડો કરે છે."
BJP-RSSમાં ચીનનો સામનો કરવાની હિંમત નથી: સંજય રાઉત
સંજય રાઉતે કહ્યું, "ચીન ઘુસી ગયું છે. તેની સામે પંગો લેવાની હિંમત બીજેપી અને આરએસએસમાં નથી. રાહુલ ગાંધીએ શું ખોટું કહ્યું છે. આ રાજકારણ દેશહિતનું નથી. આ માત્ર ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીની રાજનીતિ છે. શિવસેના (યૂબીટી)ના નેતાઓ રામ મંદિર ઉદ્ઘાટનનું નિમંત્રણ ન મળવાના સવાલ પર સંજય રાઉતે કહ્યું, "ભગવાન રામ બીજેપીની પ્રાઈવેટ પ્રૉપર્ટી નથી. જેમને બોલાવ્યા છે, તેમને તો જવું જ ન જોઈએ અને જેમને નથી બોલાવ્યા, તેમણે પણ જવું જોઈએ. રામ બધાના છે."
સંજય રાઉતે આરોપ મૂક્યો છે કે જે ભૂમિ માટે વર્ષો સુધી વિવાદ રહ્યો, રામ મંદિરનું નિર્માણ તે જગ્યા પર નથી થયું. શિવસેના (યૂબીટી)ના રાજ્યસભા સાંસદે કહ્યું, "ભાજપનો નારો હતો કે મંદિર વહીં બનાએંગે. જઈને જુઓ કે મંદિર ત્યાં બની ગયું છે કે નહીં. જે જગ્યા પર મંદિર બનાવવાની વાત ચાલી રહી હતી, ત્યાં મંદિર નથી બન્યું. ત્યાંથી 4 કિલોમીટર દૂર બન્યું છે. ત્યાં તો કોઈપણ બનાવડાવી શક્યું હોત, પણ અમે તેમાં ભેદ નહોતા કરવા માગતા. તે વિવાદિત જગ્યા આજે પણ જેમની તેમ છે. ભાજપે આ મામલે વાત કરવી જોઈએ."
`રાહુલ ગાંધીની યાત્રા સાથે જોડાશે ઈન્ડિયા બ્લૉકના બધા નેતા`
રાહુલ ગાંધીની `ભારત જોડો ન્યાય યાત્રા`ને લઈને સંજય રાઉતે કહ્યું કે આમાં ઈન્ડિયા બ્લૉકના બધા નેતા સામેલ થશે. પ્રિયંકા ગાંધીનાં આ યાત્રામાં સામેલ ન થવાને લઈને બીજેપી દ્વારા પ્રશ્ન ઉઠાવવા પર સંજય રાઉતે કહ્યું કે, "ભારતીય જનતા પાર્ટીને આથી શું કરી લેવું છે. તેમણે લાલકૃષ્ણ અડવાણીને રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બોલાવ્યા કે શું? પ્રિયંકા ગાંધી કૉંગ્રેસ પાર્ટીની એક પ્રમુખ નેતા છે. મને લાગે છે કે આ યાત્રા ખૂબ જ લાંબી અને મોટી છે. અમે બધાં કોઈક ને કોઈક સમયે આ યાત્રામાં સામેલ થશું." જણાવવાનું કે કૉંગ્રેસની `ભારત જોડો ન્યાય યાત્રા` 14 જાન્યુઆરીથી મણિપુરથી શરૂ થઈ હતી અને 20 માર્ચના મુંબઈમાં પૂરી થશે.