13 November, 2022 05:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Shiv Sena MP Sanjay Raut) રવિવારે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં રાજકીય (Maharashtra Politics) વાતાવરણ ખરાબ થઈ ગયું છે અને ઘણા લોકો એકબીજાને સમાપ્ત કરવા માટે બહાર આવ્યા છે. રાઉતે કહ્યું કે 9 નવેમ્બરે જેલમાંથી બહાર આવ્યા બાદ તેમને ફરીથી આવો અનુભવ થયો. રાજ્યસભાના સભ્ય રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મની લોન્ડરિંગના કેસમાં 1 ઑગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને 9 નવેમ્બરના રોજ મુંબઈની અદાલતે તેમને જામીન આપ્યા હતા.
રવિવારથી, રાઉતે પાર્ટીના મુખપત્ર `સામના`માં તેમની કોલમ `રોકઠોક` ફરીથી લખવાનું શરૂ કર્યું છે. રાઉતે દાવો કર્યો કે, “નફરતની ભાવના ધરાવતા નેતાઓ હવે એવા તબક્કે પહોંચી ગયા છે જ્યાં તેઓ નથી ઈચ્છતા કે તેમના વિરોધીઓ ટકી રહે. મહારાષ્ટ્રનું રાજકીય વાતાવરણ મેલું બની ગયું છે, જ્યાં લોકો એકબીજાને હંમેશ માટે બરબાદ કરવા નીકળી પડ્યા છે.” તેમણે દાવો કર્યો કે, “જ્યારે મને (મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને બીજેપી નેતા) દેવેન્દ્ર ફડણવીસની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું કે રાજનીતિમાં કડવાશ સમાપ્ત થવી જોઈએ, ત્યારે મેં જવાબ આપ્યો કે તેઓ સત્ય કહી રહ્યા છે, જેના પર મીડિયાએ કહેવાનું શરૂ કર્યું કે મેં નરમ વલણ અપનાવ્યું છે.”
શિવસેનાના નેતાએ દાવો કર્યો કે, “લોકશાહી અને સ્વતંત્રતા હવે અસ્તિત્વમાં નથી, તેઓ માત્ર નામના છે. રાજકારણ ઝેરી બની ગયું છે. અંગ્રેજોના શાસનમાં પણ આવું નહોતું.” તેમણે આરોપ લગાવ્યો કે, “દિલ્હીના વર્તમાન શાસકો જે ઈચ્છે છે તે સાંભળવા માગે છે. જેઓ આવું નથી કરતા તેમને દુશ્મન માનવામાં આવે છે." રાઉતે કહ્યું કે, "ચીન, પાકિસ્તાન દિલ્હીના દુશ્મન નથી, પરંતુ જેઓ સત્ય બોલે છે તેમને દુશ્મન માનવામાં આવે છે અને આવા રાજકારણીઓ દેશનું કદ ઘટાડે છે."
આ પણ વાંચો: તમારા સંતાનને મોબાઇલમાં ગેમ રમવાનું ગાંડપણ નથીને?