02 December, 2024 10:53 AM IST | Mumbai | Jigisha Jain
અંગદાન કરનાર મૃત વ્યક્તિના પરિવારને સન્માનિત કરી રહેલા સંજય દત્ત અને ડૉ. ભરત શાહ.
નર્મદા કિડની ફાઉન્ડેશન દ્વારા આયોજિત ૨૭મા ઑર્ગન ડોનર્સ ડેમાં સંજુબાબાએ સુનીલ દત્તને યાદ કરીને કહ્યું કે પપ્પા આજે જ્યાં હશે ત્યાંથી મને જોઈ રહ્યા હશે અને ખુશ થતા હશે કે આ સારા કામ માટે હું આજે અહીં છું: પહેલા ઑર્ગન ડોનર્સ ડેએ દત્તસાહેબે કર્યું હતું અંગદાન કરનારાઓનું બહુમાન
નર્મદા કિડની ફાઉન્ડેશન દ્વારા આયોજિત ૨૭મા ઑર્ગન ડોનર્સ ડે નિમિત્તે ગયા વર્ષે અંગદાન કરનાર જીવિત અને મૃત લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે જાણીતા ફિલ્મ-ઍક્ટર સંજય દત્ત ઉપસ્થિત રહ્યા હતા જેમના હાથે ૪૧ જેટલા મૃત લોકોના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. સંજય દત્તની સાથે-સાથે અભિનેત્રી મીરા ચોપરા અને ફિલ્મ-ડિરેક્ટર સાહિલ શિરવાઇકર પણ ઉપસ્થિત રહ્યાં હતાં, જેમના હસ્તે બીજા ડોનર્સનું સન્માન થયું હતું.
આ બાબતે નર્મદા કિડની ફાઉન્ડેશનના પ્રણેતા અને ટ્રસ્ટી નેફ્રોલૉજિસ્ટ ડૉ. ભરત શાહે કહ્યું હતું કે ‘પહેલાં જે લોકોએ હિંમત કરી પોતાના શરીરનું અંગ આપીને બીજા લોકોનો જીવ બચાવ્યો હતો તેમનાં હિંમત અને પ્રેમને બિરદાવવા માટે કોઈ જ પ્લૅટફૉર્મ નહોતું. ત્યારે ૨૭ વર્ષ પહેલાં અમે પહેલો ઑર્ગન ડોનર્સ ડે શરૂ કર્યો. એ વખતે ડોનર્સનું સન્માન માનનીય સ્વ. સુનીલ દત્તસાહેબના હાથે થયું હતું અને આજે એ જ સન્માન તેમના દીકરાના હાથે થયું છે એ બદલ અમે ઘણી ખુશી અનુભવીએ છીએ.’
આ પ્રસંગે હાજર રહેલા સંજય દત્તે પણ અત્યંત ભાવુક બનીને કહ્યું હતું કે ‘પપ્પા આજે જ્યાં હશે ત્યાંથી મને જોઈ રહ્યા હશે અને ખુશ થતા હશે કે આ સારા કામ માટે હું આજે અહીં છું. અંગદાન કરવું જ જોઈએ, એનું મહત્ત્વ હું સમજ્યો છું અને હું પ્રતિબદ્ધ થઉં છું કે હું પણ મારાં અંગોનું દાન કરીશ.’
સંજય દત્તે એ જ સમયે ઑર્ગન-ડોનર બનવા માટેનું ફૉર્મ ભર્યું અને કાર્ડ પર સાઇન કરી. એટલું જ નહીં, ત્યાં હાજર બધા જ અતિથિવિશેષ પોતાનાં અંગોનું દાન કરવા માટે પ્રતિબદ્ધ થયા અને એ જ ઑર્ગન ડોનર્સ કાર્ડ બનાવ્યું હતું.
આ પ્રસંગ નિમિત્તે નર્મદા કિડની ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી ડાયાબેટૉલૉજિસ્ટ ડૉ. મીતા શાહ કહે છે, ‘જે વ્યક્તિ બ્રેઇન-ડેડ થાય તે વ્યક્તિ તેનાં કિડની, લિવર અને હાર્ટ જેવાં અંગોનું દાન કરી શકે છે, પરંતુ એ ઘડીએ પોતાના સ્વજનને બચાવી શકશે કે નહીં એવો આઘાત પરિવાર પર હોય એ સમયે તેમનાં અંગોનું દાન કરવાનો નિર્ણય લેવા માટે ઘણી હિંમત જોઈએ. આ હિંમતને અમારે બિરદાવવી હતી, જેથી ભવિષ્યમાં તેમને જોઈને બીજા પરિવારો પણ પ્રેરણા લે અને આવી હિંમત દાખવી બીજા લોકોને નવજીવન આપે.’
કિડની અને લિવર બન્ને અંગો એવાં હોય છે જે જીવિત વ્યક્તિ પણ દાનમાં આપી શકે. ભારતના કાનૂન પ્રમાણે તમારો લોહીનો સંબંધ હોય તો જ તમે દરદીને લિવર કે કિડની દાનમાં આપી શકો. ગયા વર્ષે કુલ ૫૯ લોકોની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. તેમની સાથે બીજા એવા લોકો છે જે છેલ્લાં ૨૦ વર્ષથી ટ્રાન્સપ્લાન્ટ સાથે એક સારું જીવન જીવવા સક્ષમ બન્યા છે, તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ વિશે વાત કરતાં ડૉ. ભરત શાહ કહે છે, ‘વિશ્વમાં એવી વ્યક્તિઓ પણ છે જે ટ્રાન્સપ્લાન્ટ પછી ૫૦ વર્ષથી પણ વધુ જીવી હોય. ટ્રાન્સપ્લાન્ટ પછી એક તદ્દન સામાન્ય જીવન શક્ય છે; જે અંગદાન આપે છે તેમના માટે પણ અને જે અંગદાન લે છે તેમના માટે પણ પહેલાં જેવું જ નૉર્મલ જીવન શક્ય છે. અહીં આવેલા દરેક દરદી એ વાતના સાક્ષી છે કે કોઈ અંગ ફેલ થઈ જાય એટલે જીવન ફેલ થતું નથી. જીવન તો પાસ જ થવાનું છે. ઊલટું એ નવજીવન હોય છે એટલે લોકો એને બમણી ખુશીથી જીવતા હોય છે.’
૩૧૦ વ્યક્તિઓએ લીધો જુદી-જુદી રમતોમાં ભાગ
નર્મદા કિડની ફાઉન્ડેશન દ્વારા ૨૭મી નૅશનલ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સ ઘાટકોપરના જૉલી જિમખાનામાં યોજાઈ હતી. એમાં ફક્ત મુંબઈથી જ નહીં, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી, ગુજરાત, તેલંગણ અને મહારાષ્ટ્રના બીજા વિસ્તારોમાંથી અંગદાન કરનાર અને અંગદાન લેનાર બન્ને પ્રકારની કુલ ૩૧૦ વ્યક્તિઓએ પોતાના સારા સ્વાસ્થ્યનું પ્રમાણ આપતાં જુદી-જુદી રમતોમાં ભાગ લીધો હતો. અહીં, લિવર, કિડની, આંતરડાં અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના દરદીઓએ ૧૦૦ મીટર રિલે રેસ, નેટ ક્રિકેટ, પિકલ બૉલ, બૅડ્મિન્ટન કૅરમ જેવી રમતોમાં ભાગ લીધો હતો.