રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે શ્રી યોગીનગર સંઘમાં યોજાઈ સંઘ ઊર્જા શિબિર

10 June, 2024 08:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રી સમસ્ત બોરીવલી, કાંદિવલી, મલાડના ૧૭થી વધુ શ્રી સંઘ પ્રતિનિધિઓની ઉપસ્થિતિ સાથે વિશાળ સંખ્યામાં ભાવિકો આવ્યા હતા.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, યોગીનગર ખાતે સંઘ ઊર્જા શિબિર યોજાઈ હતી. બોરીવલીસ્થિત માતુશ્રી મંજુલાબેન શાંતિલાલ વીરચંદ મોટાણી જૈન ઉપાશ્રયના આંગણે આયોજિત આ અવસરે અજરામર સંપ્રદાયનાં પૂજ્ય રોહિણીબાઈ મહાસતીજી, પૂજ્ય નિમગ્નાજી મહાસતીજી, બોટાદ સંપ્રદાયનાં પૂજ્ય વંદનાબાઈ મહાસતીજી, ગોંડલ સંપ્રદાયનાં પૂજ્ય પૂર્વીબાઈ મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ સૌમ્યાજી મહાસતીજી આદિ અનેક સતીવૃંદની ઉપસ્થિતિમાં શ્રી સમસ્ત બોરીવલી, કાંદિવલી, મલાડના ૧૭થી વધુ શ્રી સંઘ પ્રતિનિધિઓની ઉપસ્થિતિ સાથે વિશાળ સંખ્યામાં ભાવિકો શ્રી સંઘની અનુમોદના કરવા તેમ જ સેંકડો યુવાનો પરમ ગુરુદેવના શ્રીમુખેથી લાઇફને સક્સેસફુલ બનાવવાની ગાઇડલાઇન પામવા ઉત્સાહ ભાવથી જોડાઈ ગયા હતા.

મહાપ્રભાવક ઉવસગ્ગહરં સ્તોત્રની બ્રહ્મ સ્વરમાં જપસાધના સાથે પરમ ગુરુદેવે પ્રેરક બોધવચન ફરમાવતાં સમજાવ્યું હતું કે ‘ભગવાનનું નામ લેનારા તો આ જગતમાં અનેક હોય છે, પરંતુ ભગવાનનું કામ કરનારા સર્વશ્રેષ્ઠ હોય છે. એવા ભગવાનનું કામ કરનારા પ્રતિનિધિઓથી સંઘ હંમેશાં જાગતો રહે છે. શ્રી સંઘમાં જે રજ બનીને સેવા અર્પણ કરે છે તેના મસ્તકે અંતે તાજ મુકાય છે.’
આ અવસરે પરમ ગુરુદેવની પ્રેરણાથી શ્રી સંઘ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા નૂતન પ્રમુખ શ્રી સંજયભાઈ મોટાણી આદિ યુવાન પ્રતિનિધિઓ દ્વારા આગમ ગ્રંથને કરકમલમાં ધારણ કરીને ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં શ્રી સંઘ પ્રત્યેની નિષ્ઠાની શપથવિધિ ગ્રહણ કરવામાં આવી હતી. 

mumbai news mumbai jain community borivali malad gujaratis of mumbai gujarati community news