22 March, 2023 09:00 AM IST | Mumbai | Anurag Kamble
સોમવારે સુમેર મર્ચન્ટને ભોઈવાડા કોર્ટમાં લઈ જવાયો હતો (તસવીર : અતુલ કાંબળે)
વરલી પોલીસે રોડ-અકસ્માતની ઘટનામાં ફરી એક વાર નિષ્કાળજી દર્શાવી છે. રવિવારે જૉગિંગ દરમ્યાન કારે અડફેટે લેતાં મૃત્યુ પામેલી રાજલક્ષ્મી રામક્રિષ્ણનના મિત્રોએ આક્ષેપ કર્યો હતો કે ૨૩ વર્ષના આરોપીની આલ્કોહૉલ ટેસ્ટ કરવામાં પોલીસે અંદાજે પાંચ કલાકનો વિલંબ કર્યો હતો. અગાઉ ઑક્ટોબર ૨૦૨૨માં બાદરા-વરલી સી-લિન્ક પર સાત લોકોને કચડી નાખનાર વાહનચાલકની તપાસના મામલે પણ પોલીસ પર આવા જ આક્ષેપ થયા હતા. રાજલક્ષ્મીના મિત્ર જિગ્સ આશરે કહ્યું હતું કે ‘આ કેસના ઘણા સવાલોના જવાબો મળ્યા નથી. પરિણામે અમે અમારી ચિંતા ડેપ્યુટી પોલીસ કમિશનરને જણાવી છે. પોલીસનો એવો દાવો છે કે આ અકસ્મતાનું કોઈ સીસીટીવી ફુટેજ નથી, કારણ કે આ એક વીઆઇપી રૂટ છે. ફુટેજના આધારે કાર કેટલી સ્પીડમાં હતી તેમ જ કયા કારણથી અકસ્માત થયો એ જાણી શકાય. આરોપીની ધરપકડ સવારે સાત વાગ્યા પહેલાં કરાઈ હતી. સૅમ્પલ આઠ વાગ્યા પહેલાં લઈ લેવાં જોઈએ.’
અન્ય એક મિત્ર અને રનર આશિષ ચંદકે કહ્યું હતું કે ‘ડ્રાઇવરે દારૂ પીધો હતો કે નહીં એ જાણવા પોલીસે બ્રેથ-ઍનૅલાઇઝરનો ઉપયોગ કરે છે, પરંતુ આ કેસમાં શા માટે તરત એનો ઉપયોગ ન કરાયો? દરેક પોલીસ સ્ટેશનમાં બ્રેથ-ઍનૅલાઇઝર હોય જ છે. અમે કોઈ આરોપ નથી મૂકી રહ્યા. પરંતુ આ સવાલનો જવાબ મળવો જ જોઈએ.’
મરનાર રાજલક્ષ્મી રામક્રિષ્ણન
ટેસ્ટમાં વિલંબ
તાડદેવમાં રહેતા સુમેર મર્ચન્ટે રવિવારે સવારે ૬.૩૦ વાગ્યે રાજલક્ષ્મીને અડફેટમાં લીધી હતી. ત્યાં હાજર લોકોએ તેને પકડીને વરલી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે કહ્યુ હતું કે સુમેરે આખી રાત પાર્ટી કરી હતી તેમ જ તે પોતાના મિત્રને શિવાજી પાર્કમાં મૂકવા જઈ રહ્યો હતો. તે નશામાં હોઈ શકે છે. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપીને અકસ્માતના ચાર કલાક બાદ સવારે ૧૦ વાગ્યે મેડિકલ ટેસ્ટ માટે જે. જે. હૉસ્પિટલમાં લઈ જવાયો હતો.
સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ કોળીએ આ આરોપોને પાયા વિનાના ગણાવતાં કહ્યું હતું કે ‘તેને સવારના જ લઈ જવાયો હતો. એક વખત રિપોર્ટ આવશે એટલે બધાને ખબર પડી જશે.’
જોકે તેમણે ક્યા સમયે લઈ જવાયો હતો એ જણાવ્યું નહોતું. અગાઉ ૨૦૨૨માં પાંચમી ઑક્ટોબરે ઇરફાન અબ્દુલ રહીમ બિલકિયાએ સી-લિન્ક પર સાત લોકોને ટક્કર મારી હતી. એમાંથી પાંચ જણનાં મૃત્યુ થયાં હતાં. અકસ્માત વહેલી સવારે ૨.૩૦ વાગ્યે થયો હતો, જ્યારે તેને ૧૪ કલાક બાદ સાંજે ૪.૩૦ વાગ્યે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયો હતો.
ઝોકું આવી ગયું હતું?
સુમેરના મિત્રોના જણાવ્યા પ્રમાણે તેના પેરન્ટ્સ ઘરે નહોતા એટલે તેના ઘરે બધાએ વૉડકા પીધો હતો. સુમેરે પોતે શું પીધું હતું એ જાહેર કર્યું નહોતું. તેના મિત્રોએ કહ્યું હતું કે સુમેર વધુ પીતો નથી. અકસ્માત થયો ત્યારે સુમેરની સાથે કારમાં તેના બે મિત્રો હતા. સુમેરે પોલીસ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે તેને ઝોકું આવી ગયું હતું એટલે કઈ રીતે અકસ્માત થયો એ યાદ નથી.
પોલીસે કહ્યું હતું કે ‘તમામ લોકોએ સીટ-બેલ્ટ પહેર્યા હતા એટલે તેમને બહુ જ થોડી ઈજા થઈ હતી. સુમેરના હાથ અને ચહેરા પર ઉઝરડા થયા છે. તેના મિત્રોને સીટ-બેલ્ટને કારણે ગરદન પર થોડા ઉઝરડા છે.’