22 May, 2023 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન, સમીર વાનખેડે
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે ગઈ કાલે બીજા દિવસે પણ બીકેસીમાં આવેલી સીબીઆઇની ઑફિસમાં પૂછપરછ માટે હાજર થયા હતા. કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં અભિનેતા શાહરુખ ખાનના દીકરાને છોડવા ૨૫ કરોડ રૂપિયાની લાંચ માગી હોવાનો તેમના પર આક્ષેપ છે. જોકે ગઈ કાલે એનસીબીએ કહ્યું હતું કે સમીર વાનખેડેએ શાહરુખ સાથે વાતચીત અને ચૅટ કરીને નિયમોનો ભંગ કર્યો છે.
એનસીબીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર આર્યન ખાનની ધરપકડ કરાઈ ત્યારે શાહરુખ ખાન સાથે વાતચીત અને ચૅટ કરીને સમીર વાનખેડેએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ઇન્વેસ્ટિગેશન ઑફિસર આરોપીના પરિવારના સભ્યો વાતચીત ન કરી શકે. બીજું, સમીર વાનખેડેએ ચૅટ પણ કરી અને એને જાણીજોઈને સાચવી અને હવે એને પોતાના બચાવ માટે કોર્ટમાં રજૂ કરી એ યોગ્ય ન કહેવાય. આમ કરીને તેમણે નિયમોનો ભંગ કર્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર તે ઑફિસરે તો ત્યાં સુધી કહ્યું હતું કે ‘સમીર વાનખેડેએ શાહરુખ સાથે તેમણે વાત કરી છે એ તેમના સિનિયર્સને ત્યારે જણાવ્યું નથી. આ ઉપરાંત એ ચૅટને રકૉર્ડ પર પણ લીધી નથી. એટલું જ નહીં, તેમની સામે તપાસ કરનાર વિજિલન્સ ટીમને પણ તેમણે આ બાબતે જણાવ્યું નથી.’
આમ સીબીઆઇને ફેસ કરી રહેલા સમીર વાનખેડે સામે હવે એનસીબીએ પણ મોરચો ખોલ્યો છે.