16 September, 2024 08:30 AM IST | Mumbai | Alpa Nirmal
જરૂરિયાતમંદને સુખડી આપી રહેલો સંભવ શાંતિ યુવા ગ્રુપનો કાર્યકર
બોરીવલી-ઈસ્ટના જૈન યુવાનોનું સંભવ શાંતિ યુવા ગ્રુપ છેલ્લાં ત્રણ વર્ષથી વિવિધ રીતે પરોપકારની પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. એમાંથી તેમના અનુકંપા દાનનો કન્સેપ્ટ બિરદાવવા જેવો છે. પર્યુષણ પર્વ બાદ તેઓ બોરીવલી-ઈસ્ટના કાર્ટર રોડ પર આવેલા દેરાસરમાં, ઉપાશ્રયમાં આવતા ભાવિકોને અનુરોધ કરે છે કે અનુકંપા દાન (અન્ય ધર્મના કોઈ પણ જરૂરિયાતમંદની નિ:સ્વાર્થભાવે યથાશક્તિ મદદ કરવી) માટે ઘરે ગોળપાપડી બનાવીને તેમને આપે, આ ગ્રુપ જાતે ઝૂંપડાંઓ અને બસ્તીઓમાં જઈને જરૂરિયાતમંદોમાં એ મીઠાઈનું વિતરણ કરશે.
આ આઇડિયા વિશે સંભવ શાંતિ યુવા ગ્રુપના મુખ્ય કાર્યકર રાહુલ કટારિયા ‘મિડ-ડે’ને કહે છે, ‘આ રીતે અનુકંપા દાન કરવાનો આઇડિયા અમને ત્રણ વર્ષ પહેલાં અમારા સંઘમાં ચાતુર્માસ અર્થે પધારેલા આચાર્ય શ્રી કુલબોધિસૂરીશ્વરજી મહારાજસાહેબે આપ્યો હતો. એમાં પહેલા વર્ષે અમે દિવાળી પહેલાં જરૂરિયાતમંદ ૫૦૦ પરિવારોમાં સુખડીના ડબ્બા વહેંચ્યા હતા. ત્યાર પછી ૨૦૨૩માં ૮૦૦ બૉક્સ અને આ વર્ષે અમે ૧૨૦૦ બૉક્સ ગિફ્ટ કર્યાં.’
હાલમાં ઇન્દોરમાં બિરાજમાન ફુલબોધિસૂરીશ્વરજી આ સંદર્ભમાં ‘મિડ-ડે’ને કહે છે, ‘અનુકંપા દાનમાં થતી અન્નદાનની સેવામાં મોટા ભાગે જૈન સંઘોના રસોડામાં તૈયાર થતી વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. જૈન શ્રાવકો આ વ્યવસ્થામાં દિલ ખોલીને ફાળો લખાવે છે; પરંતુ મને થયું કે એ ભક્તિમાં જો શ્રાવક-શ્રાવિકાઓ ફિઝિકલી જોડાય, તેમનો પર્સનલ ટચ મળે તો બનાવનાર અને ખાનાર બેઉને વધુ આત્મસંતોષ મળે. આથી મેં વ્યાખ્યાન દરમ્યાન ભાઈઓ અને બહેનોને ઘરે જાતે સુખડી બનાવવાની હાકલ કરી અને કહ્યું કે એ મીઠાઈ બનાવતી વખતે મનમાં એવો ભાવ રાખજો કે ખાનારાઓનું ભલું થાય અને ક્યારેય તેમણે કોઈની પાસે હાથ ન લંબાવવો પડે. આ વાત સંઘના સભ્યોને સ્પર્શી ગઈ અને તેમણે ખૂબ પ્રેમથી વધાવી લીધી. એ સાથે જ યુવાનોની એક ટીમ તૈયાર કરી જે આ મીઠાઈઓનાં બૉક્સ જે-તે વ્યક્તિને જાતે જઈને સામેથી આપે.’
ગ્રુપના સ્થાપક આચાર્ય મહારાજ એ વિશે વિસ્તારથી સમજાવતાં કહે છે, ‘એની પાછળ મુખ્ય બે કારણો હતાં. અહીં બોલાવીને તેમને બૉક્સ આપીએ એના કરતાં આપણે સામે ચાલીને તેમને મીઠાઈ આપવા જઈએ એમાં લેનારનું માન જળવાય અને બીજું કારણ એ કે સુખી-સંપન્ન ઘરના છોકરાઓ એવા વિસ્તારોમાં જાય, ત્યાં રહેતા લોકોની પરિસ્થિતિ જુએ-જાણે તો એ લોકોની હાલાકીનો ગુલાબી જીવન જીવતા યુવાઓને ખ્યાલ આવે અને તેમને પૈસાની કિંમત સમજાય તથા એની સાથે વંચિતો પ્રત્યે સદ્ભાવની લાગણી થાય એ માટે આ પ્રકારની વ્યવસ્થા ગોઠવી.’
સંભવ શાંતિ યુવા ગ્રુપના નિધિશ છાજેડ આખી વ્યવસ્થા સમજાવતાં કહે છે, ‘પર્યુષણ બાદ અમે અહીંના જૈનો માટે બે દિવસ ખાલી ડબ્બાઓ દેરાસરમાંથી લઈ જવાનું પ્રયોજન ગોઠવીએ. કોઈ ઘરદીઠ એક ડબ્બો લઈ જાય તો કોઈ-કોઈ ૮થી ૧૦ પણ લઈ જાય.’
નિધિશ છાજેડની વાતમાં સુર પુરાવતાં ભાગ્ય શાહ કહે છે, ‘પર્યુષણના વ્યાખ્યાન દરમ્યાન ચોમાસામાં પધારેલા મહારાજસાહેબ પણ આ કાર્યમાં ઇન્વૉલ્વ થવાની પ્રેરણા કરે. ડબ્બા લઈ ગયા પછી ૮થી ૧૦ દિવસ બાદ બે દિવસ દરમ્યાન એમાં ગોળપાપડી ભરીને અમને આપી જવાના. એ તારીખ પણ અમે નક્કી કરી હોય. આ દરમ્યાન અમારા ગ્રુપના જૈનમ-જેનિલ અને અન્ય સભ્યો ઝૂંપડપટ્ટી વગેરે વિસ્તારોનો સર્વે કરી આવે અને એ સંખ્યા પ્રમાણે અમે જે-તે વિસ્તારમાં કેટલા ડબ્બાની જરૂર પડશે, ટીમના કેટલા સભ્યો ક્યાં જશે એ નક્કી કરી લઈએ અને એ પ્રમાણે એક સ્પેસિફિક સન્ડે દરેક ટીમ-મેમ્બર એ રીતે વહેંચાઈ જાય.’
‘સુખડી જ કેમ?’ એના જવાબમાં રાહુલ કટારિયા કહે છે, ‘એક તો એક જ ફિક્સ આઇટમ રાખવાથી મેળવનારને એમ ન થાય કે તેને મોહનથાળ મળ્યો ને મને લાડવા. દરેકને એકસરખી મીઠાઈ મળે. બીજું, અન્ય મીઠાઈઓની સરખામણીએ ગોળપાપડીની સેલ્ફ-લાઇફ સારી અને પોષણની દૃષ્ટિએ પણ એ ઉત્તમ. વળી જૈનાના ઘરમાં આ આઇટમ બનતી જ હોય એટલે સારી ન બની, બનાવતાં નથી આવડતી એવો પ્રશ્ન જ ન રહે. આથી સુખડી ફિક્સ રાખી. એ સાથે અમે ડબ્બાની સાઇઝ પણ નિયત રાખી છે. એક ડબ્બામાં ૧૫૦ ગ્રામ મીઠાઈ સમાય.’
સંભવ શાંતિ ગ્રુપે ગઈ કાલે નીકળેલી બોરીવલીના સમસ્ત જૈન સંઘોની સંયુક્ત રથયાત્રા દરમ્યાન યાત્રારૂટ પર ૮૦૦ જેટલા સુખડીના ડબ્બાનું વિતરણ કર્યું અને ૪૦૦ ડબ્બાઓ બોરીવલીના દત્તપાડા, દેવીપાડા, માગઠાણે, દૌલતનગર, સુકરવાડીની બસ્તીમાં જઈને વહેંચ્યા હતા.