વિવાદમાં સપડાયેલાે ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ શોનો કર્તાહર્તા સમય રૈના કોણ છે?

13 February, 2025 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અશ્લીલ ટિપ્પણી કરવા બદલ પોલીસે રણવીર અલાહાબાદિયા ઉપરાંત ‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોના કર્તાહર્તા સમય રૈના સામે પણ ફરિયાદ નોંધી છે. આથી રણવીરની સાથે સમયની પણ અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે. 

સમય રૈના

અશ્લીલ ટિપ્પણી કરવા બદલ પોલીસે રણવીર અલાહાબાદિયા ઉપરાંત ‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોના કર્તાહર્તા સમય રૈના સામે પણ ફરિયાદ નોંધી છે. આથી રણવીરની સાથે સમયની પણ અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે. 

સમય રૈનાનો જન્મ જમ્મુમાં રહેતા કાશ્મીરી પંડિત પરિવારમાં થયો છે. સમયે પુણેની કૉલેજમાં પ્રિન્ટ એન્જિનિયરિંગ કરવા માટે ઍડ્મિશન લીધું હતું. જોકે સમયે અધવચ્ચે કૉલેજ છોડી દીધી હતી અને ઇવેન્ટ્સમાં કૉમેડી કરવાની શરૂઆત કરી હતી. ૨૦૧૭ના ઑગસ્ટમાં સમય રૈનાએ પુણેમાં પહેલી વખત કૉમેડિયન તરીકે પર્ફોર્મ કર્યું હતું. કૉમેડિયન આકાશ ગુપ્તાએ કૉમેડીના શોમાં ભાગ લેવાની સલાહ આપતાં સમય રૈનાએ કૉમિકસ્તાન-2 સ્પર્ધામાં ઝંપલાવ્યું હતું અને તે અશોક ગુપ્તા સાથે જૉઇન્ટ વિનર રહ્યો હતો.

કોવિડના સમયમાં લૉકડાઉન હતું ત્યારે સમય રૈનાએ ટોચના ચેસના ખેલાડી અને ઇન્ફ્લુઅન્સરોના સહયોગથી YouTube ચૅનલમાં ઑનલાઇન ચેસ રમાડવાની શરૂઆત કરી હતી જેમાં વિશ્વનાથન આનંદ સહિતના ખેલાડીઓને સામેલ કર્યા હતા. સમય રૈનાએ બાદમાં અનેક ઑનલાઇન ચેસ-ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. ૨૦૨૧માં ચેસડૉટકૉમની ઇવેન્ટમાં સમય રૈનાએ ૧૦,૦૦૦ અમેરિકન ડૉલરનું ઇનામ મેળવ્યું હતું.

૨૦૨૪ના જૂનમાં સમયે ‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ રિયલિટી શો લૉન્ચ કર્યો હતો. આ એક એવો શો છે જેમાં ગાળો અને બીભત્સ વાતો વધુ કરવામાં આવે છે જેના પર લોકો હસે છે. યુવાનોને આ શો ખૂબ પસંદ આવતાં ઝડપથી ફેમસ થઈ ગયો હતો.

બધા સોશ્યલ મીડિયાનાં પ્લૅટફૉર્મ મળીને સમયના ૧૦ મિલ્યન એટલે કે એક કરોડથી વધુ ફૉલોઅર્સ છે. સમય રૈનાની ગણના અત્યારે ભારતના ટૉપ સ્ટૅન્ડઅપ કૉમેડિયનમાં થાય છે. તેની પાસે ૧૪૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે અને તે મહિને દોઢ કરોડ રૂપિયાની કમાણી કરતો હોવાનું કહેવાય છે.

ઉલ્લેખનીય છે કે સમય રૈના અત્યારે કૅનેડા અને અમેરિકાની ટૂર પર છે. કૅનેડા અને અમેરિકામાં સમય ‘સમય રૈના અનફિલ્ટર્ડ’ના નામે સ્ટૅન્ડઅપ કૉમેડી શો કરી રહ્યો છે. ૯ ફેબ્રુઆરીએ સીએટલમાં તેનો શો હતો. ૧૬ માર્ચ સુધી સમયના શો લાઇન-અપ હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai news mumbai united states of america international news social media youtube