14 October, 2024 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બાંદરા (વેસ્ટ)માં બાબા સિદ્દીકીના ઘરેથી નીકળતો સલમાન ખાન. (તસવીરો : અનુરાગ અહિરે)
બાબા સિદ્દીકીની હત્યાને પગલે ભાઈજાન દહેશતમાં, તેના ઘર પાસેની સિક્યૉરિટીમાં વધારો, આગામી કેટલાક દિવસોની બધી અપૉઇન્ટમેન્ટ કૅન્સલ કરી હોવાની ચર્ચા
બિશ્નોઈ ગૅન્ગ આ પહેલાં સલમાન ખાનને ધમકી આપી ચૂકી છે એટલું જ નહીં, તેના ગૅલૅક્સી અપાર્ટમેન્ટના ઘર પર ફાયરિંગ પણ કરાવી ચૂકી છે. સલમાન ખાન પર જ્યારે કોઈ પણ મુસીબત આવે ત્યારે બાબા સિદ્દીકી તેને મદદ કરવા પહોંચી જતા અને તેને ફુલ સપોર્ટ આપતા. એથી હવે જ્યારે બાબા સિદ્દીકીની જ બિશ્નોઈ ગૅન્ગે હત્યા કરી હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે હત્યાના સમાચાર સાંભળ્યા બાદ સલમાન શનિવારે રાતે ઊંઘી જ નહોતો શક્યો, તેની ઊંઘ હરામ થઈ ગઈ છે એવા અહેવાલ આવ્યા છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ હવે સલમાન ખાનની સિક્યૉરિટીમાં પણ વધારો કરાવામાં આવ્યો છે. સલમાનના પરિવાર દ્વારા તેમના ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના સાથીકલાકારો અને મિત્રોને અપીલ કરતાં કહેવામાં આવ્યું છે કે હાલ તેઓ સલમાનને મળવા ન આવે.
બાબા સિદ્દીકીની હત્યાના સમાચાર મળ્યા બાદ સલમાન ખાન લીલાવતી હૉસ્પિટલ પહોંચી ગયો હતો. તેણે બાબા સિદ્દીકીના દીકરા ઝીશાનને મળીને સાંત્વન આપ્યું હતું અને ફરી પોતાના ઘરે આવી ગયો હતો. જોકે ઘરે આવ્યા બાદ પણ તેની ઊંઘ ઊડી ગઈ હતી. આખી રાત તે આ ઘટનાને લઈને વાઇરલ થઈ રહેલી વિગતો, સમાચાર જોતો રહ્યો હતો. તે ઝીશાન અને તેનો પરિવાર બાબા સિદ્દીકીની અંતિમ વિધિ ક્યાં કરવાના છે એની પણ પૂછપરછ કરી રહ્યો હતો.
ગઈ કાલે સલમાન ખાનના બાંદરાના ઘરની બહાર પોલીસ-બંદોબસ્ત. તસવીરો : સતેજ શિંદે
સલમાન અને તેનો પરિવાર બાબા સિદ્દીકીની બહુ ક્લોઝ હતા. અરબાઝ ખાન અને સોહેલ ખાન પણ અવારનવાર બાબા સિદ્દીકીને મળતા રહેતા. બાબા સિદ્દીકી દ્વારા આપવામાં આવતી ઇફ્તાર પાર્ટીઓમાં પણ તેમની હંમેશાં હાજરી રહેતી. એ જ પ્રમાણે સલમાન ખાનના ઘરે પણ બાબા સિદ્દીકી આવતા-જતા રહેતા હતા.