08 November, 2024 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાન, લોરેન્સ બિશ્નોઈની ફાઇલ તસવીરનો કોલાજ
સલમાન ખાનને નામે અવારનવાર ધમકીભર્યા મેસેજ આવતા હોય છે. હવે ફરી એકવાર સલમાન ખાન ધમકી (Salman Khan Death Threat) આપવામાં આવી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. કહેવાય છે કે આ ધમકી પાછળ લૉરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ છે.
મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમમાં આપવામાં આવ્યો મેસેજ- તપાસ ચાલુ
પ્રાપ્ત અહેવાલો અનુસાર ગુરુવારે મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમમાં સલમાન ખાન માટે ધમકી આપતો મેસેજ આપવામાં આવ્યો હતો. આ મેસેજમાં હંમેશા માફક સલમાન ખાનને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. ‘સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ’ નો ઉલ્લેખ કરતા સોંગ બદલ માફ કરવામાં નહીં આવે એવા ઉલ્લેખ સાથે આ મેસેજ આપવામાં આવ્યો છે.
સોન્ગનો ઉલ્લેખ કરવામાં આવ્યો, `સલમાનમાં જો હિંમત હોય તો...`
મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમને જે મેસેજ (Salman Khan Death Threat) મળ્યો હતો તેમાં સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ બંનેનો ઉલ્લેખ કરતા ગીતનો સંદર્ભ ટાંકવામાં આવ્યો હતો.
07/11/2024ની રાત્રે અભિનેતા સલમાન ખાન અને ગીત `મેં સિકંદર હૂ`ના ગીતકારને ટ્રાફિક હેલ્પલાઇન પર ધમકીભર્યો સંદેશ મળ્યો. આ અંગે મુંબઈ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે જ ચેતવણી આપવામાં આવી હતી કે આ ગીતકારને એકાદ મહિનાની અંદર જ ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. એટલું જ નહીં આ ગીતકારને માટે એવો પણ ઉલ્લેખ છે કે ગીતકારની હાલત એટલી ખરાબ હશે કે તેઓ હવે કોઈ ગીતો લખી શકશે નહીં. જો સલમાન ખાનમાં હિંમત હોય, તો તે ગીતકારને બચાવવાનો પ્રયાસ કરે" એ રીતે આ મેસેજ આપવામાં આવ્યો હતો. આ ચેતવણી દ્વારા એક પ્રકારે સલમાન ખાનને ધમકી આપવામાં આવી છે. અત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ પોલીસ આ આખા જ મામલે તપાસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 5 નવેમ્બરના રોજ એક પોલીસ અધિકારી દ્વારા મળતી માહિતી અનુસાર સલમાન ખાનને ફરી એકવાર ધમકી (Salman Khan Death Threat) આપવામાં આવી હતી. જોકે, આ ધમકી પણ મુંબઈ ટ્રાફિક પોલીસની હેલ્પલાઈન પર આપવામાં આવી હતી. હેલ્પલાઈન પર દેખરેખ રાખનારા અધિકારીએ અડધી રાત્રે આ ધમકીભર્યો મેસેજ વાંચ્યો હતો. આ મેસેજ મળતાંની સાથે જ અધિકારીઓએ સલમાન ખાનની સુરક્ષામાં વધારો કર્યો છે. અત્યારે મુંબઈ પોલીસ આ ધમકી અને જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ વચ્ચે સંભવિત કડીઓ શોધી રહી છે.
થોડા સમય પહેલા જ એનસીપીના નેતા બાબા સિદ્દિકીની હત્યા કરવામાં આવી હતી, જેની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. હવે જ્યારે સલમાન ખાનને આ રીતે વારંવાર ધમકી (Salman Khan Death Threat) મળી રહી છે ત્યારે પોલીસ ધમકી વિશેની માહિતી ધરાવનાર કોઈપણને આગળ આવવા અને તપાસમાં મદદ કરવા માટે સજ્જ થઈ છે.
તાજેતરમાં જ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને પણ ધમકી આપવામાં આવી હતી. બાંદ્રા પોલીસને રૂ. 50 લાખની ખંડણીની માગણી કરતો ધમકીભર્યો ફોન કૉલ આવ્યો હતો. કૉલ કરનારે ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી હતી અને જો તેઓની માંગણી પૂરી નહીં થાય તો શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી સુદ્ધાં આપવામાં આવી હતી.