સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનારની મુંબઈ પોલીસે કરી ધરપકડ

07 November, 2024 10:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Salman Khan Death Threat: બિશ્નોઈનો ભાઈ ગણાવતા વ્યક્તિની કર્ણાટકમાંથી ધરપકડ, બૉલિવૂડ અભિનેતા સલમાન ખાન પાસેથી માંગ્યા હાત પાંચ કરોડ રુપિયા

સલમાન ખાનની ફાઇલ તસવીર

મુંબઈ પોલીસ (Mumbai Police) બુધવારે કર્ણાટક (Karnataka)ના એક વ્યક્તિની બૉલિવૂડ અભિનેતા સલમાન ખાનને ધમકીભર્યો સંદેશ (Salman Khan Death Threat) મોકલવા અને પાંચ કરોડ રૂપિયાની માંગણી કરવા બદલ ધરપકડ કરી છે. આરોપીએ મુંબઈ ટ્રાફિક પોલીસ (Mumbai Traffic Police)ની હેલ્પલાઈન પર ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો. આરોપીની ઓળખ ૩૫ વર્ષીય બિકારામ જલારામ બિશ્નોઈ (Bikaram Jalaram Bishnoi) તરીકે થઈ છે, જે કર્ણાટકમાં હાવેરી (Haveri)માં રહેતો હતો. પરંતુ તે મૂળ રાજસ્થાન (Rajasthan)ના જાલોર (Jalore)નો છે.

બૉલિવૂડ અભિનેતા સલમાન ખાન ને ધમકી આપનાર આરોપીની મુંબઈ પોલીસે કર્ણાટકના હાવેરી જિલ્લામાંથી ધરપકડ કરી છે. આરોપીનું નામ બિકારામ જલારામ બિશ્નોઈ છે. આ વ્યક્તિએ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. આ ધરપકડ સાથે પોલીસને મહત્વની સફળતા મળી છે.

આરોપી બિકારામ જલારામ બિશ્નોઈએ સોમવારે રાત્રે મુંબઈ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમની વોટ્સએપ (Whatsapp) હેલ્પલાઈન પર ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તે અમારા મંદિરમાં જઈને માફી માંગે અથવા પાંચ કરોડ રૂપિયા આપે. જો તે આવું નહીં કરે તો અમે તેને મારી નાખીશું. અમારી ગેંગ હજુ પણ સક્રિય છે.’ આરોપીનો દાવો છે કે તે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi)નો ભાઈ છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી વિરુદ્ધ વર્લી (Worli) પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન તે કર્ણાટકમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી તેની ધરપકડ કરવા માટે પોલીસની ટીમ મોકલવામાં આવી હતી. મંગળવારે મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ વર્લી પોલીસે તેની ધરપકડ કરી હતી. તેને સ્થાનિક કોર્ટમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. આ પછી પોલીસ તેને મુંબઈ લઈ જઈ રહી છે.

બિકારામ જલારામ બિશ્નોઈ રાજસ્થાનના જાલોરનો રહેવાસી છે અને કર્ણાટકમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતો હતો. તે હાવેરીના ગૌદર વિસ્તારમાં અન્ય મજૂરો સાથે એક રૂમમાં રહેતો હતો. તેની ધરપકડ બાદ મુંબઈ પોલીસ આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈ લાવી છે, જ્યાં તેની વધુ પૂછપરછ ચાલી રહી છે. ઉપરાંત, મુંબઈ પોલીસ આરોપીઓ પાસેથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સંભવિત જોડાણો વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે, સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ તરફથી સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. સલમાન અને લોરેન્સ વચ્ચે વર્ષ ૧૯૯૮માં વિવાદ શરૂ થયો હતો. તે સમયે અભિનેતા વિરુદ્ધ કાળા હરણના શિકાર (Blackbuck Hunting)નો કેસ નોંધવામાં આવ્યો હતો. લોરેન્સે વર્ષ ૨૦૧૮માં જોધપુર (Jodhpur)માં કોર્ટમાં હાજરી દરમિયાન અભિનેતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારપછી સલમાનને જાનથી મારી નાખવાની ઘણી ધમકીઓ મળી છે. એક વખત સલમાન ખાનના ઘર પર ગોળીબાર પણ થયો છે.

Salman Khan salman khan controversies lawrence bishnoi mumbai police mumbai traffic police karnataka mumbai mumbai news