સલમાન ખાન માટે માફી માગવી રાખી સાવંતને પડી ભારે, મેઈલ પર મળી ધમકી

19 April, 2023 06:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સલમાન ખાનને ફરી એકવાર જીવલેણ ધમકી મળી છે. આ વખતે સલમાન ખાન માટે માફી માગનારી રાખી સાવંત (Rakhi Sawant) પણ ગિરોહના નિશાને ચડી છે. જાણો સલમાન અને રાખીને ધમકીમાં શું કહેવાયું છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

બૉલિવૂડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan) પોતાની પ્રૉફેશનલ લાઈફને લઈને ચર્ચામાં છે. તો, તેમની પર્સનલ લાઈફ પણ જુદા જુદા કારણે ચર્ચાનો વિષય બની છે. ગેન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ તરફથી એકવાર ફરી સલમાન ખાનને જીવલેણ ધમકી મલી છે. આ વખતે સલમાન સિવાય રાખી સાવંત (Rakhi Sawant) પણ નિશાને ચડી છે. ગિરોહ તરફથી રાખી સાવંતને આખી ઘટનાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. સલમાનને લઈને લૉરેન્સ બિશ્નોઈની નારાજગી વિશે દરેક જણ જાણે છે, પણ અહીં જાણવાનું એ છે કે આખી ઘટનામાં રાખી સાવંતની એન્ટ્રી કેવી રીતે થઈ.

હકિકતે, સલમાન ખાન (Salman Khan Death Threat)ને થોડોક સમય પહેલા એક ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. જેમાં તેને કહેવાયું હતું કે તારે મામલો ખતમ કરવો છે તો બિશ્નોઈ સમાજના મંદિરમાં જઈને માફી માગી લે નહીંતર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજે. આ ધમકીના જવાબમાં રાખી સાવંતે મીડિયા સામે ઉઠ-બેસ કરીને સલમાન ખાન તરફથી માફી માગી હતી. રાખીએ કહ્યું કે સલમાન ભાઈ એક નેક માણસ છે. તે કોઈનું મન દુભાવી શકે નહીં. તેમ છતાં જો કોઈના મનને ઠેસ પહોંચી છે, તો હું બધાની માફી માગું છું.

મેઇલ પર રાખીને આપવામાં આવી આ ચેતવણી

મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, આજે સવારે રાખી સાવંતને મેઇલ આઈડી પર એક ધમકી મળી છે. જ્યારે મેઇલ ખોલ્યો તો ખબર પડી કે સલમાન ખાન સિવાય રાખી સાવંતને પણ જીવલેણ ધમકી મળી છે. જણાવવાનું કે મેઇલ કોઈ ગુર્જર પ્રિન્સ નામની વ્યક્તિએ મોકલ્યો છે, જે પોતાને લૉરેન્સ બિશ્નોઈ ગ્રુપ અને ગોલ્ડી બરાર ગ્રુપનો સભ્ય જણાવે છે. મેઇલમાં લખવામાં આવ્યું છે કે જય બાલકારી, રાખી અમારી તારી સાથે કોઈ દુશ્મની નથી, તું સલમાન ખાનના મેટરમાં સામેલ થવાનું છોડ, નહીંતર તને પણ ઘણી મુશ્કેલી થઈ શકે છે.

આ પણ વાંચો : અતીક-અશરફ હત્યાકાંડમાં મોટી કાર્યવાહી, શાહગંજ ઈન્સ્પેક્ટર સહિત 5 સસ્પેન્ડ

સલમાન ખાનને મુંબઈમાં મારી નાખવાની મળી ધમકી
રાખી સાવંતને મોકલવામાં આવેલા મેઇલમાં આગળ લખવામાં આવ્યું છે કે તારા ભાઈ સલમાન ખાનને અમે મુંબઈમાં જ મારી નાખીશું, પછી તે ગમે તેટલી સિક્યોરિટી કેમ ન વધારી લે. આ વખતે તેને સિક્યોરિટીની વચ્ચે જ મારી નાખવામાં આવશે. આ અંતિમ ચેતવણી છે રાખી નહીંતર તું પણ પરિણામ ભોગવવા તૈયાર રહેજે. મળતી માહિતી પ્રમાણે, રાખી સાવંતને આ મેઇલ બે વાર મોકલવામાં આવ્યો છે. પહેલીવાર સવારે 7 વાગીને 22 મિનિટે અને બીજીવાર બપોરે 1 વાગીને 19 મિનિટે રાખીને આ મેઇલ મળ્યા છે. પોલીસ હાલ આ મામલે તપાસમાં લાગેલી છે અને વધારે માહિતી મેળવવામાં લાગી છે.

rakhi sawant Salman Khan mumbai news