19 January, 2025 04:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
NCPના નેતા જિતેન્દ્ર આવ્હાડ અને સૈફ અલી ખાન (ફાઇલ તસવીર)
ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર તેમના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાને થયેલા હુમલા બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. કૉંગ્રેસના નેતા નાના પટોલેએ શનિવારે કહ્યું હતું કે આ મામલાને ધર્મના દ્રષ્ટિકોણથી ન જોવો જોઈએ. હવે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી શરદ પવારના નેતા અને ભૂતપૂર્વ મંત્રી જિતેન્દ્ર આવ્હાડે પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું સૈફનો દીકરો તૈમૂર આરોપીના નિશાન પર હતો? સૈફ અલી ખાન પર થયેલા હુમલાના સંબંધમાં મુંબઈ પોલીસ દ્વારા થાણેથી બાંગ્લાદેશી નાગરિક મોહમ્મદ શરીફ ઉલ ઇસ્લામ શહઝાદ (30)ની ધરપકડ કરવામાં આવી છે. તે એક હાઉસકીપિંગ ફર્મમાં કામ કરતો હતો. પોલીસે જણાવ્યું છે કે તે છ મહિના પહેલા જ મુંબઈ આવ્યો હતો. ભાજપે કહ્યું છે કે હુમલાખોરની ધરપકડ બાદ સત્ય બહાર આવશે.
એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડે `X` પર શું હુમલાખોરનું નિશાન સૈફનો પુત્ર તૈમૂર હતો તે અંગે શંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા દ્વારા, કટ્ટરપંથીઓ શરૂઆતથી જ બાળકનું નામ તૈમૂર રાખવાનો વિરોધ કરી રહ્યા છે. એનસીપી નેતાએ કહ્યું હતું કે દરેક ધર્મમાં નામકરણની પરંપરાગત રીત હોય છે. એટલા માટે આપણી પાસે રામ, દશરથ જેવા પૌરાણિક નામો છે, તૈમૂર પણ એક પૌરાણિક નામ છે. અરબી ભાષામાં તેનો અર્થ લોખંડ જેવો મજબૂત અને મહેનતુ થાય છે. આધવે કહ્યું હતું કે આ જ કારણ છે કે સૈફ અને કરીનાએ તેમના બાળકનું નામ તૈમૂર રાખ્યું છે, પરંતુ કેટલાક કટ્ટરપંથીઓ તેનો વિરોધ કરે છે.
આવ્હાડે વધુમાં કહ્યું હતું કે જે કોઈ પણ હુમલો કરી રહ્યો છે, તેની જાતિ કે ધર્મ ગમે તે હોય, તેનો પર્દાફાશ થવો જોઈએ. જો તેઓ મુસ્લિમ છે, તો તેમની વિરુદ્ધ વિચારો. જો તૈમૂર તમારો દીકરો હોત તો શું થાત? વાલ્મીકી કરાડ (બીડ સરપંચ હત્યા કેસનો આરોપી) મારી જાતિનો છે પણ હું સત્ય માટે ઉભો છું. મારા મનમાં ફક્ત એક જ વિચાર આવ્યો. જો સંતોષની પત્ની મારી બહેન હોત તો? જાતિ અને ધર્મની આ વાત છોડી દો. સત્યની પાછળ ઊભા રહો.
હુમલાખોર બાંગ્લાદેશી નાગરિક હોવાનું બહાર આવ્યા બાદ ભાજપે ગેરકાયદેસર ઘુસણખોરો સામે કાર્યવાહીની માગ કરી છે. સૈફ અલી ખાનને ચાર બાળકો છે. આમાં સારા અલી ખાન અને ઇબ્રાહિમ તેમની પહેલી પત્ની અમૃતા સિંહથી અને કરીના સાથે લગ્ન કર્યા પછી, તે તૈમૂર અને જેહનો પિતા બન્યો. તૈમૂર હવે લગભગ આઠ વર્ષનો છે. મુંબઈ પોલીસે ધરપકડ કરેલા બાંગ્લાદેશી વ્યક્તિએ શરૂઆતની પૂછપરછ દરમિયાન તેને પોતાનો ગુનો કબૂલી લીધો છે. આરોપીએ એમ પણ કહ્યું કે તેને ખબર નહોતી કે આ સૈફ અલી ખાનનું ઘર છે. તેની થાણેના હિરાનંદાની વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.