જો બાંદરા જેવા વિસ્તારમાં આવી ઘટના ‍બનતી હોય તો શહેરમાં સુરક્ષિત કોણ હશે?

17 January, 2025 03:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના પ્રમુખે આવી ટીકા કર્યા બાદ ગૃહપ્રધાનપદેથી મુખ્ય પ્રધાનના રાજીનામાની માગણી કરી ઃ શરદ પવારે કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઘણી કથળી રહી છે

ફાઇલ તસવીર

સૈફ અલી ખાન પર બુધવારે મધરાતે તેના ઘરમાં થયેલા હુમલા બાદ વિરોધ પક્ષ આક્રમક બન્યો છે. એનું કહેવું છે કે રાજ્યમાં કાયદો-વ્યવસ્થા જેવું કંઈ બચ્યું જ નથી. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે ‘રાજ્યમાં કોઈ સુરક્ષિત નથી. આમ આદમીની તો વાત જ જવા દો. સિક્યૉરિટી સાથે રહેતા સેલિબ્રિટીઓ પણ સેફ નથી. રાજ્યની પોલીસ રાજકારણીઓની સુરક્ષા કરવામાં બિઝી છે. આરોપીઓમાં કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો. આ ઘટનાને પગલે સરકાર ખુલ્લી પડી ગઈ છે.’

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ (શરદચંદ્ર પવાર) પાર્ટીનાં સુપ્રિયા સુળેએ આ હુમલાને ચિંતાજનક ગણાવ્યો હતો, જ્યારે તેમના પપ્પા શરદ પવારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાનું કહ્યું હતું.

મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે ‘આ સરકારની નિષ્ફળતાનું પરિણામ છે. રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગૃહપ્રધાનપદેથી રાજીનામું આપી દેવું જોઈએ. તેઓ એકદમ નકામા અને નબળા પુરવાર થયા છે. જો બાંદરા જેવા વિસ્તારમાં આવી ઘટના બનતી હોય તો શહેરમાં કોણ સુરક્ષિત હશે એ પ્રશ્ન થાય છે. મુંબઈમાં બે પોલીસ કમિશનર હોવા છતાં ક્રાઇમ વધી રહ્યું છે. સલમાન ખાનના ઘર પર હુમલો, બાબા સિદ્દીકીની હત્યા બાદ આ ત્રીજો કેસ છે જેમાં પોલીસ સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ છે. સૈફ અલી ખાન પર આવો ગંભીર હુમલો થયો હોવા છતાં મુખ્ય પ્રધાન કાયદા અને વ્યવસ્થાનું ધ્યાન રાખવાને બદલે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતા.’

ગઈ કાલે બપોરે એક વાગ્યે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના જિયો વર્લ્ડ સેન્ટરમાં આવેલા PVR થિયેટરમાં કંગના રનૌતની ‘ઇમર્જન્સી’ ફિલ્મનો રાજ્યના મુખ્ય પ્રધાન માટે વિશેષ શો રાખવામાં આવ્યો હતો એની નાના પટોલે વાત કરી રહ્યા હતા.

saif ali khan bharatiya janata party devendra fadnavis sharad pawar sanjay raut supriya sule maharashtra news maharashtra mumbai mumbai news