18 January, 2025 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૈફ અલી ખાન પર હુમલાખોરે છરીથી હુમલો કર્યો ત્યારે તેની કરોડરજ્જુમાં એ છરીનો અઢી ઇંચનો ટુકડો ફસાઈ ગયો હતો. સર્જરી કરીને ડૉક્ટરોએ આ ટુકડો કાઢ્યો હતો.
સૈફ અલી ખાન પર બુધવારે મોડી રાતે ચાકુથી હુમલો કરવામાં આવ્યા બાદ બાંદરામાં આવેલી લીલાવતી હૉસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ ઍક્ટરને એક રાત ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં રાખવામાં આવ્યો હતો. ગઈ કાલે બપોર બાદ તબિયતમાં સુધારો થતાં અભિનેતાને સ્પેશ્યલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
સૈફ અલી ખાનની હેલ્થ અપડેટ ગઈ કાલે બપોરે લીલાવતી હૉસ્પિટલના ડૉ. નીતિન ડાંગેએ આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘સર્જરી બાદ આજે સૈફની હેલ્થ ચેક કરવા માટે થોડો સમય તેને ચલાવવામાં આવ્યો હતો. ચાલવામાં તેને કોઈ તકલીફ નથી થઈ રહી અને દુખાવો પણ નથી થઈ રહ્યો. જોકે સર્જરી કરવામાં આવી હોવાથી એક અઠવાડિયું બેડરેસ્ટ કરવો પડશે. આ સમય દરમ્યાન ઓછી મૂવમેન્ટ કરશે તો જલદી સુધારો થશે. સૈફની પીઠના નીચેના ભાગમાં કરોડરજ્જુ પાસેથી અઢી ઇંચ લાંબો ધાતુનો ધારદાર ટુકડો સર્જરીથી કાઢવામાં આવ્યો છે. આ ધાતુ બે મિલીમીટર અંદર ગયો હોત તો સૈફની કરોડરજ્જુને નુકસાન થાત અને તેને લકવો થઈ શક્યો હોત. આ ઘા ઘણો ઊંડો હોવા છતાં હવે કોઈ જોખમ નથી. સર્જરી બાદ ઇન્ફેક્શનની શક્યતા છે, પણ એ ન થાય એની દવાઓ આપવામાં આવી છે. બેથી ત્રણ દિવસમાં સૈફને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે. આ સમયમાં ઓછામાં ઓછા લોકોને મળવા દેવામાં આવશે.’