પોલીસે કેવી રીતે પકડ્યો સૈફ પર હુમલો કરનારા આરોપીને?

20 January, 2025 08:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોહમ્મદ શહજાદ જે બારમાં કામ કરતો હતો એના મૅનેજર પાસેથી મોબાઇલ નંબર મળ્યા બાદ પોલીસને મળ્યો હતો પહેલો બ્રેક-થ્રૂ : ત્યાર બાદ અંધેરીથી બાઇક પર જે વ્યક્તિએ તેને થાણે છોડ્યો હતો તેની પાસેથી લોકેશન મેળવીને આરોપી સુધી પહોંચ્યા

થાણેના હીરાનંદાની એસ્ટેટની પાછળ આવેલા આ જંગલમાં પોતાને ઝાડનાં પાંદડાંથી ઢાંકીને સૂકા ઘાસ પર મોહમ્મદ શહજાદ (ડાબે)સૂતો હતો ત્યારે પોલીસે તેને સૈફ અલી ખાન પર હુમલો કરવા બદલ પકડ્યો હતો.

સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને હુમલો કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલો મોહમ્મદ શહજાદ ઉર્ફે શરીફુલ ઇસ્લામ બુધવારે મોડી રાતે સૈફના ઘરમાં તેના પર ચાકુના ઘા મારીને પલાયન થઈ ગયો હતો. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં આરોપી બાંદરા રેલવે-સ્ટેશન પાસે જોવા મળ્યો હતો. પોલીસ પોતાની પાછળ હોવાનું આરોપી જાણતો હતો એટલે તે સતત જગ્યાની સાથે કપડાં પણ બદલતો રહ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યા મુજબ પોલીસની ૩૫ જેટલી ટીમ આરોપીને શોધી રહી હતી ત્યારે સૌથી પહેલી લીડ વરલીના કોલીવાડામાંથી મળી હતી. CCTVનાં ફુટેજ પરથી આરોપીને કેટલાક લોકોએ ઓળખ્યો હતો. આરોપીનું નામ વિજય દાસ છે અને તે એક બારમાં સફાઈ-કર્મચારી હોવાની માહિતી મળતાં પોલીસ એ બારમાં પહોંચી ગઈ હતી. બારના મૅનેજરે કહ્યું હતું કે આરોપી પહેલાં કામ કરતો હતો, પણ છેલ્લા ઘણા દિવસથી આવતો નથી. આ બારમાં તે એક હાઉસકીપિંગ કંપની મારફત સફાઈકામ માટે આવ્યો હતો. બારના મૅનેજર પાસેથી હાઉસકીપિંગ કંપનીનો નંબર મેળવીને પોલીસે એ કંપનીનો સંપર્ક કર્યો હતો. આ કંપનીએ આરોપીનો મોબાઇલ નંબર પોલીસને આપ્યો હતો. નંબર મળી ગયા બાદ ટ્રૅકિંગ પર રાખવામાં આવ્યો હતો.

આરોપીનું લોકેશન બે દિવસથી થાણેનું હીરાનંદાની એસ્ટેટ અને અંધેરી રેલવે-સ્ટેશન પર જોવા મળ્યું હતું. આથી પોલીસે અંધેરી રેલવે-સ્ટેશન પાસેનાં CCTVનાં ફુટેજ ચેક કરતાં આરોપી એક બાઇક પર બેસીને જતો દેખાયો હતો. ચહેરો ઓળખવાની ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને સૈફના ઘરે હુમલો કરનારો યુવક એ જ હોવાની ખાતરી થયા બાદ બાઇકનો નંબર મેળવીને બાઇકના માલિકને પકડવામાં આવ્યો હતો. બાઇકના માલિકે આરોપીને થાણેના હીરાનંદાની એસ્ટેટની પાછળ આવેલા લેબર કૅમ્પમાં છોડ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. આથી શનિવારે બપોરથી મુંબઈ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે થાણેની કાસારવડવલી પોલીસ-સ્ટેશનની મદદ લઈને અહીંના જંગલ-વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરી હતી. ૨૦૦ જેટલી પોલીસ હીરાનંદાની એસ્ટેટની પાછળ આવેલા જંગલમાં આરોપીને શોધવા રાતે એક વાગ્યા સુધી ખૂબ મથી હતી. જોકે ક્યાંયથી આરોપીનો પત્તો નહોતો લાગ્યો. પોલીસ તપાસ પડતી મૂકવાની તૈયારીમાં હતી ત્યારે જ ઝાડીમાં કેટલીક હિલચાલ જોવા મળી હતી. પોલીસે એ તરફ જઈને તપાસ કરી તો સૂકા ઘાસ પર એક યુવક સૂતો હતો. તેણે પોતાને ઝાડનાં પાંદડાંથી ઢાંકી રાખ્યો હતો. પોલીસ જેવી તેની નજીક ગઈ કે તરત તે ભાગવા માંડ્યો હતો. જોકે ચારે બાજુ ફેલાયેલા પોલીસના જવાનોએ તેને પકડી લીધો હતો. શરૂઆતમાં તેણે પોતાનું નામ અજય દાસ જ કહ્યું હતું, પણ ત્યાર બાદ કડક પૂછપરછ દરમ્યાન પોતે બંગલાદેશનો વતની હોવાનું કબૂલ્યું હતું અને તેણે પોતાનું નામ મોહમ્મદ શહજાદ ઉર્ફે શરીફુલ ઇસ્લામ હોવાનું કહ્યું હતું. 

saif ali khan bandra thane Crime News mumbai crime news mumbai police mumbai mumbai news