20 January, 2025 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચોરે ચાકુથી હુમલો કર્યા બાદ સૈફ અલી ખાનની બાંદરામાં આવેલી લીલાવતી હૉસ્પિટલમાં ૧૬ જાન્યુઆરીએ મોડી રાતે ઍડ્મિટ કરીને સર્જરી કરવામાં આવી હતી. સૈફ અલી ખાન પાસે જે કંપનીનો મેડિક્લેમ છે એની પાસે લીલાવતી હૉસ્પિટલે ૩૫.૯૫ લાખ રૂપિયા મંજૂરી માટે મોકલાવ્યા હતા, પણ મેડિક્લેમની કંપનીએ ૨૫ લાખ પાસ કર્યા છે. જોકે મુંબઈના કાર્ડિઍક સર્જ્યન ડૉ. પ્રશાંત મિશ્રાએ પ્રીમિયમ હૉસ્પિટલના મસમોટા બિલ સામે સવાલ કર્યા છે. તેમણે પૂછ્યું હતું કે ‘ચાકુથી હુમલો કરવા માટેની સર્જરી માટે પાંચ-સાત દિવસ હૉસ્પિટલમાં ઍડ્મિટ થવા બદલ આટલું મોટું બિલ કેમ બનાવવામાં આવ્યું? મોટા ભાગની હૉસ્પિટલમાં પૅકેજ સિસ્ટમ ફિક્સ કરવામાં આવી છે?’
ડૉ. પ્રશાંત મિશ્રાએ હૉસ્પિટલની ઓપન બિલ સિસ્ટમ સામે સવાલ કર્યા છે. ઓપન બિલ સિસ્ટમમાં સારવાર માટે વધુ ચાર્જ કરવામાં આવે છે જેને લીધે દરદીના બિલમાં વધારો થાય છે. આવી સિસ્ટમથી ઇન્શ્યૉરન્સ કંપનીઓએ હૉસ્પિટલને વધુ રૂપિયા ચૂકવવા પડે છે જેની અસર પ્રીમિયમ પર થાય છે. કંપનીઓ વધુ પ્રીમિયમનો બોજ લોકો પર નાખે છે. પરિણામે સામાન્ય લોકોના ખિસ્સાને અસર પહોંચે છે.