18 January, 2025 03:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બાંદરા પોલીસ-સ્ટેશનની બહાર મીડિયાનો મેળાવડો જામ્યો હતો. (તસવીર : સતેજ શિંદે)
સૈફ અલી ખાન પર થયેલા હુમલાના ૪૮ કલાક બાદ પણ પોલીસ આરોપીની ઓળખ થઈ હોવા છતાં તેના સુધી પહોંચી નથી શકી. સૈફ પર હુમલો કર્યા બાદ આરોપી બાંદરા સ્ટેશનથી ટ્રેનમાં વિરારની દિશામાં ભાગી ગયો હોવાનું પોલીસનું માનવું છે અને આ જ કારણસર ગઈ કાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વસઈ, વિરારમાં તપાસ કરી રહી હતી.
શરૂઆતમાં પોલીસને એવું લાગતું હતું કે આ કામ કોઈ નવા-સવા આરોપીનું છે અને તેઓ ગણતરીના કલાકમાં તેના સુધી પહોંચી જશે. કદાચ આ જ કારણસર ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) દીક્ષિત ગેડામે કહ્યું હતું કે અમે આરોપીની ઓળખ કરી લીધી છે અને બહુ જ જલદી તેની ધરપકડ કરવામાં આવશે. જોકે પોલીસની આ ગણતરી ખોટી પડી રહી હોય એવું લાગી રહ્યું છે.
આરોપી રીઢો ગુનેગાર હોવાનું હવે બહાર આવી રહ્યું છે. એક પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘આજકાલ કોઈ પણ કેસમાં આરોપીઓ સુધી પહોંચવા માટે બે ચીજ મહત્ત્વનો ભાગ ભજવે છે એક છે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) ફુટેજ અને બીજું છે મોબાઇલ ફોન. આ કેસમાં આરોપીએ આ બન્નેમાં ન ફસાઈ જવાય એનું ધ્યાન રાખ્યું હતું. તેણે પોતાની સાથે મોબાઇલ જ નથી રાખ્યો અને CCTVમાં પોતે કૅપ્ચર ન થાય એનું પણ ધ્યાન રાખ્યું હતું. આ જ કારણસર તે બાજુના બિલ્ડિંગની દીવાલ કુદીને મોટા ભાગે ઉપયોગમાં ન આવતી ફાયર એસ્કેપ સ્ટેરકેસથી ઘર સુધી પહોંચ્યો હતો. તેનું એવું માનવું હતું કે ત્યાં CCTV નહીં હોય, પણ તેની આ ધારણા ખોટી પડી અને CCTVમાં તે કૅપ્ચર થઈ ગયો.’
આ કેસ સાથે સંકળાયેલા એક ઑફિસરે કહ્યું હતું કે ‘આ કેસમાં હવે અમારે જૂની પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે. જે ઑફિસરોનું આજે પણ ખબરીઓનું નેટવર્ક છે તેમને ખબરીઓ પાસેથી ઇન્પુટ્સ મેળવવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય આ રીઢો ગુનેગાર હોવાથી ફિંગરપ્રિન્ટ્સ એક્સપર્ટ્સની પણ મદદ લેવામાં આવી રહી છે. ઘટનાસ્થળેથી મળેલા ફિંગરપ્રિન્ટ્સના આધારે આ હુમલાખોરને શોધવાની કોશિશ કરવામાં આવી રહી છે, પણ હજી સુધી તેમના હાથ કોઈ સફળતા નથી લાગી.
પોલીસ ડિપાર્ટમેન્ટમાં કેસ સૉલ્વ થવા પહેલાં ક્રેડિટની લડાઈ?
આ કેસમાં બાંદરા પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ કરી રહી હોવાથી તેમની વચ્ચે હંમેશ મુજબ આ કેસમાં પણ પોતે કેસ સૉલ્વ કર્યો એનો શ્રેય લેવા માટે અત્યારથી જ હુંસાતુંસી શરૂ થઈ ગઈ છે. આ જ કારણસર બન્ને એકબીજાને ઇન્ફર્મેશન શૅર નથી કરી રહ્યા, જેનું વિપરીત પરિણામ તપાસ પર પડી રહ્યું હોવાનું નિવૃત્ત પોલીસ-અધિકારીઓનું માનવું છે.