સંસદસભ્ય બનતાં જ રવીન્દ્ર વાયકર સામેના ભ્રષ્ટાચારના કેસની તપાસ બંધ

07 July, 2024 08:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિરોધ પક્ષોએ આને BJPના વૉશિંગ મશીનનું વધુ એક ઉદાહરણ હોવાનું કહીને ટીકા કરી

રવીન્દ્ર વાયકર

ઉદ્ધવ ઠાકરેના એક સમયના વિશ્વાસુ અને લોકસભાની ચૂંટણી પહેલાં પાલો બદલીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે જઈને સંસદસભ્ય બનેલા રવીન્દ્ર વાયકર સામે જોગેશ્વરીમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના રમતગમત માટેના રિઝર્વ પ્લૉટમાં ફાઇવસ્ટાર હોટેલ બનાવવાનો આરોપ કરવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસની આર્થિક ગુનાશાખાએ ફરિયાદ નોંધીને તપાસ પણ શરૂ કરી હતી. આ તપાસ બંધ કરવાનો રિપોર્ટ ફાઇલ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં પોલીસે કહ્યું છે કે આઝાદ મેદાન પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જે આરોપ કરવામાં આવ્યા છે એમાં અધૂરી માહિતી છે.

ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ કહ્યું હતું કે આર્થિક ગુનાશાખાએ ગુરુવારે કોર્ટમાં રવીન્દ્ર વાયકર, તેમનાં પત્ની મનીષા અને અન્ય ચાર આરોપીઓ સામેના કેસનો ક્લોઝર રિપોર્ટ ફાઇલ કર્યો છે.
કૉન્ગ્રેસના નેતા સચિન સાવંતે આરોપ કર્યો હતો કે ‘રવીન્દ્ર વાયકર સામેનો ક્લોઝર રિપોર્ટ રાજ્યમાં ૧૦ વર્ષથી કરવામાં આવતું રાજકીય બ્લૅકમેઇલનું વધુ એક ઉદાહરણ છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના વૉશિંગ મશીનમાં બધા ગુના માફ થઈ જાય છે. રાજકીય વિરોધીઓ સામે ભ્રષ્ટાચારના આરોપ કરીને તેમની સામે ફરિયાદ નોંધવામાં આવે છે, તેમને ત્યાં દરોડા પાડવામાં આવે છે અને નેતા BJPમાં જોડાઈ જાય તો તેની સામેની તપાસ બંધ કરીને ક્લીન-​ચિટ આપવામાં આવે છે.’

mumbai news mumbai eknath shinde uddhav thackeray Crime News shiv sena