05 October, 2024 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હત્યાની પ્રતીકાત્મક તસવીર
અજીત પવારના જૂથની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માટે દુખદ સમાચાર (Sachin Kurmi murder) સામે આવ્યા છે. પાર્ટીના ભાયખલા વિધાનસભા તાલુકા પ્રમુખ સચિન કુર્મી ઉર્ફે મુન્નાની શુક્રવારે હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે બેથી ત્રણ શંકાસ્પદ શખ્સોએ સચિન કુર્મીને તીક્ષ્ણ હથિયાર ઝીંકી દીધું હતું. અત્યારે આ મામલે ભાયખલા પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
જે જે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો
શુક્રવારની મોડી રાત્રે લગભગ ૧૨.૩૦ કલાકે ભાયખલામાં રેતીવાલા ઇન્ડસ્ટ્રીઝની સામે અનંત પવાર રોડ પર આ નેતા ઘાયલ (Sachin Kurmi murder) હાલતમાં મળી આવ્યો હતો. કોઈ રાહદારીએ આ વ્યક્તિને આ રીતે ઘાયલ હાલતમાં જોતાં જ નજીકના પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને માહિતી આપી હતી. આ નેતાને ગરદન, હાથ, પેટ અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ હોવાનું જણાઈ આવ્યું હતું. જેને કારણે તેની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન કરાયું હતું. નજીકના કાલાચોકી પોલીસ સ્ટેશનની મોબાઇલ વાનને ઘટનાસ્થળ પર રવાના કરવામાં આવી હતી. તાત્કાલિક ધોરણે સચિન કુર્મીને જે.જે. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ કમનસીબે ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
કારણ અકબંધ, પોલીસ તપાસ શરૂ , કોઈ ધરપકડ હજી નહીં
પ્રાપ્ત અહેવાલો અનુસાર બેથી ત્રણ અજાણ્યા શખ્સોએ ધારદાર હથિયાર ઝીંકીને સચિન કુર્મેના રામ રમાડી (Sachin Kurmi murder) દીધા હતા. જોકે, આ હુમલો શા માટે કરવામાં આવ્યો તેનું કોઈ જ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. તેમ છતાં રસ્તા પર વહેતા લોહી ને જે હાલતમાં સચિન મળી આવ્યો છે તે જોતાં અત્યારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ હુમલો પૂર્વ કલ્પિત અદાવતના કારણે કરવામાં આવ્યો હશે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
કયા નેતાઓ મૃતકના પરિવારને મળવા જવાના છે?
છગન ભુજબળના ભત્રીજા, એનસીપીના મુંબઈ પ્રમુખ સમીર ભુજબળ આજે મૃતક સચિન કુર્મી (Sachin Kurmi murder)ના પરિવારની સાંત્વના અર્થે મુલાકાત પણ લેવાના છે.જોકે આ રીતે સચિન કુર્મેની નિર્દયી હત્યા બાદ હોબાળો મચી જવા પામ્યો છે અને સચિન કુર્મીના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેઓએ આક્રમકરૂપ ધારણ કર્યું છે. આ સાથે જ સમર્થકોએ તો તાત્કાલિક શોધ અને તપાસ આદરી આરોપીઓની ધરપકડ કરવાની માંગણી કરી છે. અજિત પવાર જૂથના તાલુકા પ્રમુખ એવા સચિન કુર્મીની હત્યા બાદ તેના સમર્થકો આક્રમક થયા હોવાની પણ માહિતી મળી છે પરંતુ હજુ સુધી આ કાવતરા પાછળ કોનો હાથ છે તે સામે આવ્યું નથી.